પુસ્તકો શા માટે વાંચવા જોઈએ?

| 2 Minute Read

પુસ્તક ખરીદવું એટલે આપણાં ઘરમાં ઠાકોરજીની પધરામણી કરવી – મોરારી બાપુ

કવિ કલાપીએ કહ્યું છે, “જીવીશ બની શકેતો એકલાં પુસ્તકોથી.” હેન્રી ડેવિડ થોરોએ લખ્યું છે, “કેટલા બધા લોકોએ કોઈ પુસ્તકના વાંચનથી પોતાના જીવનના નવા યુગનો પ્રારંભ કરેલો છે!” તો વળી બેન્જામિન ફ્રેંકલીને કહ્યું છે, “વધુમાં વધુ દયાપાત્ર એ ગણાય કે જે ધોધમાર વરસાદમાં પોતે એક્લો હોય, ને જેને વાંચતાં ન આવડતું હોય.” તો સફદર હાશમીની કાવ્ય પંક્તિ “ક્તાબેં કુછ કહના ચાહતી હૈ, તુમ્હારે પાસ રહના ચાહતી હૈં.”
– પ્રજ્ઞાબેન પટેલ

કેટલાંક પુસ્તકો પણ એવાં જ હોય છે કે જેને આપણે પુસ્તક ન કહેતાં જીવંત વ્યક્તિ કહી શકીએ. પરમ સખા, મિત્ર અને ગુરૂ ત્રણેનું કામ એ એકસાથે કરે છે. આવાં પુસ્તકોનું સ્મરણ જેટલું આહ્લાદક હોય છે એટલું જ પાવક હોય છે.
– કાકા કાલેલકર

વાંચન પણ એક તપ છે. તેમાં પણ બહારના રસોને થંભાવી દઈ, નિરાહાર થઈ કૃતિ સાથે એકહાર વૃતિથી બેસવું પડે છે. વસ્તુતઃ સાહિત્યસેવન એ આનંદ-તપસ્યા છે. તેમાં આનંદ છે, માટે લહેર જ લહેર છે. કાંઈ તપસ્યા નથી, એવું નથી. તેમાં પણ આનંદ અને અનાહારી રહેવું પડે છે. અને ત્યારે જ તેમાં રહેલા દેવતા તેનો વરદહસ્ત વાચકના શિરે મૂકે છે મૂઠી સાકર ભોજનને મીઠું કરે છે તેમ ઉત્તમકૃતિઓ જીવનને મધુર કરે છે અને તે પણ કશીય જોર જબરાઈ કર્યા વિના. બારણાની તિરાડોમાંથી કે ઉપરના અજવાળિયામાંથી ફૂલની સુગંધ જેમ વાયુવાટે પથરાય છે, રોમાંચિત કરે છે તેમ આવું સાહિત્ય ચિત્તમાં પ્રવેશી આનંદ-લહરીથી વાચકને ડોલાવી દે છે.
– મનુભાઈ પંચોલી “દર્શક’(સૌરાષ્ટ્ર સમાચાર તા.૫/૪/૦૨)

વાંચનયાત્રા મારી વિચારયાત્રાને સળી કરે છે. મને એવું સંકેત લાગે છે કે માણસે એક કિલોગ્રામ વાંચવું જોઈએ અને એક ટન જેટલું ચિંતન કરવું જોઈએ. વાંચન મારું વ્યસન નથી, વાંચન મારી ઉપાસના છે. કવિ સુરેશ દલાલને એક પત્રમાં મેં લખેલું કે શબ્દની ઉપાસના કરનાર માટે પુસ્તકાલય અને દેવાલય જુદા નથી. પુસ્તકો મારી આંગળી ઝાલીને મને એક એવી સૃષ્ટિમાં લઈ જાય છે કે જ્યાં ક્ષિતિજથી ઓછી વિશાળતા ન ખપે. મને લાગે છે કે જ્યારે માણસ ખુલ્લા મનથી વિચારવાનું શરૂ કરે છે ત્યારે એ અનંતતાથી માંડ એક વેંત છેટો હોય છે. મારી વાંચન સૃષ્ટિનો અને વિચાર સૃષ્ટિનો છેડો ત્યાં જ હોય, જ્યાં મારી ચેતનાનો અંત હોય.
– ગુણવંત શાહ(સૌરાષ્ટ્ર સમાચાર તા.૫/૪/૦૨)