રામબાઈ માં

| 10 Minute Read

વાટાંવદર ગામમાં માણસુર આહીરનું ઘર મોટું ગણાય. સારી જમીન જાગીર અને સમૃદ્ધ ખેતી, સાથો સાથ ધર્મિષ્ટ અને સતવાદી. નીતિવાદ અને દયાવાન માણસ. તેને સંતાનમાં એક દિકરી. તેનું નામ રામબાઇ. રામબાઇ પિતાને બહુ વહાલી. યૌવનને આંગણે ઉભેલી રામબાઇ પિતાને આંખની કીકી સમાન અને વળી ગામની પણ લાડકી દિકરી. એના ડહાપણ પર કુટંબીજનો વારી જાય.

એક સમય સૌરાષ્ટ્રની ભૂમિ પર ભારે દુષ્કાળ પડ્યો. ભૂખના માર્યા લોકો ટપોટપ મરવા લાગ્યા. મા-બાપ પોતાના વહાલા બાળકોને રખડતા મૂકવા લાગ્યા, વેચી દેવા લાગ્યા. આવા અનાથ બાળકો ટોળીમાં ફરવા લાગ્યા. એક ગામથી બીજે ગામ ભટકવા લાગ્યા. બટકુ બટકુ રોટલો માગતા અને જેમ તેમ કરીને પેટનો ખાડો પૂરવા પ્રયત્ન કરતા. કોઇવાર આહારની શોધમાં જંગલમાં રખડતાં પોતે જ જંગલી પશુનો આહાર બની જતાં. લોકો તેને દુષ્કાળિયાના નામથી ઓળખતા. આવા દુષ્કાળિયાની ટોળી ગામમાં પ્રવેશતી તો લોકોને ડર લાગતો કે રખેને તે આપણું બધું લૂંટીને ખાઇ જશે તો પછી આપણે ભૂખે મરવું પડશે. એટલે લોકો આવી ટોળીને ગામમાં પેસવા ન દેતા. ગામના પાદરથી જ મારીને કાઢી મૂકતા.

એક દિવસ આવી એક ટોળી વાટાંવદર ગામના પાદરમાં આવી. ગામના પાદરમાં કૂવો, ત્યાં પનિહારીઓ પાણી ભરે. સાત - આઠ જુવાનો લાકડિયું લઇને પાદરના ઝાંપામાં ઉભા રહ્યા. આ દુષ્કાળિયા છોકરાં જેવા ગામમાં પ્રવેશવા ગયા એવા જુવાનો લાકડિયું લઇને તુટી પડ્યા. છોકરાં ઓયકારાની ચીસો પાડવા લાગ્યા. એક છોકરાના માથામાં એવી લાઠી વાગી કે તે તમ્મર ખાઇને પડી ગયો અને ત્યાંને ત્યાં જ મરી ગયો.

સામે કુવા કાંઠે પાણી ભરતી પનિહારીમાં રામબાઇએ આ દશ્ય જોયું. બેડુ કુવાને કાંઠે મૂકીને દોડી. તેણે જુવાનોને પડકાર્યા, “ખબરદાર કોઇએ લાકડી ઉગામી છે તો, તમને આમ કોઇ મારે તો કેવું થાય ? આ નિરાધાર બાળકોને મારતા શરમ નથી આવતી ?”

જુવાનો શરમાયા કહે, “બેન આ જો ગામમાં આવશે તો, તો આપણા માટે અનાજ નહિ રહેવા દે.”

રામબાઇ કહે, “કાંઇ વાંધો નહીં. આપણી જુવારની ખાણો શા કામની છે ? આપણે ખાશું અને એને ખવડાવશું. તમે એને મારશો નહિ, આ બધાં છોકરાને હું મારે ઘેર લઇ જાવ છું.” પછી છોકરાને કહે, “તમે બધા ચાલો મારે ઘેર, હું તમને દુધને રોટલા ખવડાવીશ.”

આ નિઃષ્પ્રાણ હાડપિંજર જેવા છોકરાં થોડીવાર તો આ વાત માની ન શક્યાં. તેણે પૂછ્યું, “તમે અમને મારશો નહિ ને ?”

રામબાઇ કહે, “તમે ડરશો નહિ, ચાલો મારી સાથે. હું તમને બધાને ખાવાનું આપીશ.”

કુવા કાંઠેથી બેડું લઇને રામબાઇ આગળ અને પાછળ દુષ્કાળિયાનું ટોળું.

રામબાઇના ફળિયામાં દાખલ થયા.

રામબાઇ કહે, “તમે અહીં બેસો, હું હમણાં જ તમારે માટે રોટલા ઘડીને લાવું છું, પછી તમને દૂધને રોટલા ખાવા દઇશ.” છોકરાને તો જાણે ભગવાન મળી ગયા. દુધને રોટલાની આશામાં ગુલતાનમાં આવી ગયા.

થોડીવાર થઇ અને માણસુર આહીર ખેતરેથી આવ્યા. ગામ લોકોએ અગાઉથી ખબર આપ્યા હતા કે રામબાઇ દુષ્કાળિયા ટોળાને ઘેર લઇ ગઇ છે. ડેલીમાં પગ મૂક્યો અને છોકરા ફફડી ઉઠ્યા, રખેને આ માણસ મારશે. રામબાઇએ બહાર આવીને કહ્યું, “બાપુ ! તમે અંદર આવતા રહો.” માણસુર અંદર ગયા અને કહ્યું, “બેટા ! આ બધાં દુષ્કાળિયાને આપણે કેટલા દિવસ નિભાવી શકશું ? બે મહિનામાં અનાજ ખૂટી જશે પછી શું કરશું ?”

રામબાઇ, “બાપુ ? તમે નારાજ થયા છો?”

માણસુર, “ના બેટા, નારાજ નથી થયો, પણ આ તો આભને થીગડું દેવા જેવું છે. ઉપરવાળાનો કોપ થયો છે ત્યાં આપણે શું કરશું ?”

રામબાઇ, “બાપુ ! તમે રજા આપો તો મેં વાત વિચારી રાખી છે.”

સામે પૂજા ઘરમાં ઠાકોરજીની પુજા હતી, ખીટીં પર રામસાગર લટકતો હતો. તે બતાવીને રામબાઇએ કહ્યું, “બાપુ હું ગામડે ગામડે ફરીશ. પ્રભુ ભજનના સહારે ઘેર ઘેર ફરીશ અને ભિક્ષા માગીશ. આ ભુખથી મરતા જીવોને ખવડાવીશ, તેને બચાવવા પ્રયત્ન કરીશ. બાપુ! તમે મને આજ્ઞા આપો, આશીર્વાદ આપો, આ પુણ્યકાર્ય માં સાથ આપો.”

પિતા પોતાની દયામયી દિકરીની સામું જોઇ રહ્યાં, તેમને લાગ્યું કે રામબાઇ માટે તે કામ અશક્ય નથી.

તેણે કહ્યું, “બેટા ! મારા તને સદાય આશીર્વાદ છે. પુણ્ય કાર્યમાં પ્રભુ તને સહાય કરશે. બેટા તું જઇશ, આ અનાથ બાળકોનો આધાર બનીશ પણ પછી હું કોના આધારે જીવીશ ?”

રામબાઇ, “બાપુ, સૌનો આધાર પ્રભુ છે, તે તમને સંભાળશે. તમારી દિકરી આવા પૂણ્યકાર્ય માટે જાય એનાથી રૂડું શું ?”

પિતાએ પુત્રીના મસ્તક પર હાથ મૂકી, અંતરનો આશીવાદ આપ્યો.

દુષ્કાળિયા છોકરાને રોટલાનું ભોજન કરાવીને રામબાઇ હાથમાં રામસાગર લઇને ચાલી નિકળ્યા. પિતા પોતાની આ દયામયી દિકરીને જોઇ રહ્યાં. દુષ્કાળીયાનું ટોળું તેની પાછળ ચાલી નીકળ્યું. ગામના લોકોને ખબર પડી. સૌ અવાક થઇને જોઇ રહ્યાં. આ દયાની દેવી પર લોકો વારી ગયા, લાઠીઓ મારનાર યુવાનોએ રામબાઇની માફી માગી. ઝાંપા સુધી વળાવવા ગયા. રામબાઇએ તેમને માફી આપી.

ગામડે ગામડે ઘેર - ઘેર રામબાઇના એક્તારાના સુર ગુંઝી ઉઠ્યા. લોકોએ થોડામાંથી થોડો ભાગ કાઢીને પણ આપ્યો. રામબાઇની ઝોળી છલકાવી દીધી. જેમ જેમ જાણ થતી ગઇ તેમ તેમ નિરાધાર, ભૂખ્યા, દુખ્યા લોકો રામબાઇને શરણે આવતા ગયા. જનતા જનાર્દનના સાથ સહકારથી, રામબાઇએ તેને નિભાવી લીધા. દુષ્કાળનું વરસ ઉતરી ગયું.

હવે રામબાઇ નમાયાની મા બની ગયાં. વાટાંવદર પાછા જવાની સ્થિતિ ન રહી. આ સેવાકાર્યના પ્રભાવે, તેનું આંતર કલેવર બદલી નાખ્યું. સેવા ધર્મનો ભેખ, ચિરંતન બની ગયો. રામને શરણે જીવન અર્પણ થઇ ચૂક્યું.

ફરતા ફરતા તે વવાણિયા આવ્યા. ત્યાં તેમણે આશ્રમ સ્થાપ્યો. સદાવ્રત શરૃ કર્યું. શ્રીમદ્ રાજચંદ્રના પિતા રવજીભાઇ અવાર-નવાર તેમની પાસે આવતા. તેને કંઇ સંતાન ન હતું. એક દિવસ રવજીભાઇએ રામબાઇમાને વાત કરી કે તેને ઘેરથી આ માટે બહુ ઉદાસ રહે છે. રામબાઈમાએ તેને પોતાની પાસે મોકલવા કહ્યું. બેન આવ્યા, એટલે તેને પોતાની પાસે આંખો બંધ કરીને બેસવા કલ્યું. થોડોવાર પછી માએ પૂછ્યું, “આંખો બંધ હતી, ત્યારે તને શું દેખાયું ?”

“બેન, મને એક સુંદર બાળક દેખાયો.”

રામબાઇ મા, “તને બાળક થશે. તું ચિંતા ના કરીશ”

ત્યાર પછી થોડા સમયે રાજચંદ્રનો જન્મ થયો. જેનું નામ આત્મજ્ઞાની તરીકે પ્રખ્યાત છે.

વવાણિયાનો રામબાઇ માનો આશ્રમ, તે લોકોને માટે તીર્થધામ બની ગયો. અનેક સાધુ સંતો અભ્યાગતો ત્યાં આવવા લાગ્યા. ઘણા સેવાભાવી ભક્તો તેની સાથે રહેતા હતા.

એક વખત એવુ બન્યું કે બે સાધુ આશ્રમના મહેમાન તરીકે આવ્યા. તેમાં એક સાધુ વેશધારી, ઉપરથી વસ્ત્રો ભગવા પણ અંદર વિષય વિકારથી ભરપૂર. યુવાન વય. રુષ્ટપુષ્ટ શરીર. તેની મીઠી નજર રામબાઇમા પર પડી. મા ને વારંવાર આગ્રહ કરે કે, તમે મારે ઉતારે આવો. આ બુદ્ધિમતિ નારી તેને પારખી ગયા. પણ અંતર કરુણામય. કોઇને ડંખ દેવામાં ખુશી નહિ.

સતી તોરલની સધીર વાણિયા પાસે કસોટી થઇ હતી. બાલાજોગણ અમરબાઇની બગસરના કાઠી પાસે કસોટી થઇ હતી. સતી લોયણની લાખા પાસે કસોટી થઇ હતી. એવી ક્સોટી રામબાઇ માની આ કહેવાતા સાધુ પાસે થઇ.

સુંદર વસ્ત્રાભૂષણ સજીને મા સાધુને ઉતારે જવા નીકળ્યા. બેચાર ભક્તો સાથે હતા. રામબાઇની વેષભૂષા જોઇને ભક્તો આભા બની ગયા. આવા વેષમાં તેને કદી જોયા ન હતા.

ભક્તોને દુર ઉભા રાખી પોતે એકલા સાધુના ઓરડામાં ગયા. સાધુ ને કહ્યુ, “આવો, મહારાજ મારી પાસે બેસો.” પણ મહારાજને કોઇ અલૌકિક દશ્ય દેખાયુ. તેણે જોયુ કે રામબાઇમાની આસપાસ દેવદેવીઓ ઉઘાડી તલવારે ચોકી કરી રહ્યા હતા. આ દશ્ય જોઇને તે ડઘાઇ ગયો. ડરી ગયો. અંગે અંગ ધ્રુજવા લાગ્યા. મા તો સહજ ભાવે બોલાવતા હતા. પણ સાધુ ચાર હાથ છેટો ઉભો રહ્યો. એક ડગલું ય આગળ આવવાની તાકાત ન હતી. આ અલૌકિક દશ્ય સાધુ સિવાય બીજા કોઇને દેખાતું ન હતું. મા પોતે પણ જાણતા ન હતા. પણ તેના સતના તેજે પ્રભ તેની રહા કરતા હતા. બેબાકળો બનીને, સાધુ માના પગમાં પડી ગયો. ગયા હતા એવા જ આનંદિત પગલે મા પાછા ફર્યા.

પેલો સાધુ પછી પોતાના ભગવા વસ્તની પોટલી લઇને, બીજા સ્થળને પાવન કરવા છાનોમાનો ક્યારે નાસી ગયો તેની કોઇને ખબર ન પડી.

દૂશ્ય દુનિયા કરતાં અદ્દશ્ય દુનિયા વધારે બળવાન છે. આવા ચમત્કારમાં આપણે માનીએ કે ન માનીએ પણ એક ૧૮ વરસની યુવાન કન્યા હાથમાં જોળી લઇને ઘેર - ઘેર ભિક્ષા માગવા નીકળે તેની પાછળ જો દેવી શક્તિ કામ ન કરતી હોય તો આ દોરંગી દુનિયા એને ટકી રહેવા દે ખરી ? અનેક દુષ્ટ તત્વો તેને ઘેરી લેવા તૈયાર જ હોય છે. પ્રભુના શરણે મસ્તક મૂકનારની રક્ષા પ્રભુ જ કરે છે. મા રામબાઇ જેવી વિભૂતિઓ તેનું ઉદાહરણ પૂરુ પાડે છે.

આજે પણ મા રામબાઇનો આશ્રમ વવાણિયા ગામને શોભાવે છે, રામબાઇના જીવની પૂણ્યગાથા કહી રહ્યો છે. આશ્રમમાં રામજીમંદિર છે. રામ, લક્ષ્મણ જાનકીજી તેના સાક્ષી છે.

[સાભાર : સ્ત્રી સંત રત્નો]