રણના ગુલાબ

કરશનદાસ લુહાર

| 2 Minute Read

ભાવનગર જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિમાં એક ડ્રાઈવર છે. એના પરિચયમાં આવીએ તો થાય ડ્રાઈવરોની જમાતમાં આ માણસ ભુલો પડેલો છે.

સૌમ્ય, પ્રેમાળ વર્તન, સુઘડ પોશાક, વિવેક, વિનય, મૈત્રીભુખ એનાં આગવા ગુણો. નામ ઉમાકાંત સોલંકી. એમનો સમુહ બાબુભાઈથી ઓળખે છે. સોલંકીનો ખાસ શોખ વાંચન…

નવલકથા નવલિકા તો નહિવત વાંચે. ચિંતનાત્મક સાહિત્ય વિશેષ પ્રિય. ગાંધીજી, વિવેકાનંદ, બંધુત્રિપુટી, સ્વામી સચ્ચિદાનંદજી, ગુણવંતશાહ વગેરે એમના પ્રિય લેખકો, કાવ્યો પણ વાંચે.

એમને ઘેર બે લાયબ્રેરી: એક એમને ગમતા પુસ્તકોની અને બીજી કેસેટોની.

મુરારિબાપુ, સ્વામી સચ્ચિદાનંદજી, બંધુત્રિપુટી ઉપરાંત અન્ય સમર્થ વિચારકો, વક્તાઓની કેસેટો સાથે રાસબિહારી, વિભા દેસાઈ, જલોટા, ચિત્રા, જગજિતસિંગ, પંકજ ઉધાસ અને પાકિસ્તાની ગાયકો મહેન્દીહસન, ગુલામઅલી, ફરિદા ખાનના ગીત ગઝલોની ખાસ વસાવેલી કેસેટો અને કેટલાક કવિ સંમેલન, મુશાયરાની પણ ખરી.

સાત્વિક જીવન જીવતા આ ડ્રાઈવર દરરોજ વહેલી સવારે ધ્યાન કરે. ફરજમાં નિષ્ઠાવાન. જેમની ગાડી એ ચલાવે છે એવા દરેક શિક્ષણાધિકારી, ઉમાકાન્તને ડ્રાઈવર નહિ મિત્ર કે આપ્તજન જેવા જ માને. દિલીપ રાણપુરા, નાનાભાઈ જેબલિયા તથા આ લખનાર વગેરે લેખકો સાથે અને વલ્લભીપુરના રાષ્ટ્રપતિ પુરસ્કારથી વિભુષિત અજિતસિંહ સોલંકી જેવા ઉત્તમ શિક્ષકો સાથે એમના ગાઢ સંબંધો.

રાજકોટ વિસ્તાસ્ના ચૌટા ગામની હાઈસ્કુલના આવા જ એક પટાવાળા વેજાભાઈ.

જાણીતા ચિંતક, લેખક, શિક્ષણશાસ્ત્રી ગુણવંત શાહ પ્રેરિત “પંચશીલ” આંદોલનના એક પદયાત્રી શ્રી રમેશ દેસાઈ વેજાભાઈ વિષે લખે છે.

“પટાવાળા વેજાભાઈ બપોરે આરામ કરવા અમને એમના ઘરે લઈ ગયા. સુંદર, સુઘડ અને ચોખ્ખું ઘર. પુસ્તકોથી ભરેલી અભરાઈ શોભતી હતીં, વેજાભાઈ કહે ચુનીલાલ મડિયાનાં બધાં પુરતકો વાંચ્યાં, ગાંધીજીનાં પણ ઘણા વાંચ્યા, પરદેશની જાણીતી નવલિકાઓ વાંચવાનું ઘેલું લાગ્યું ને ભાષાંતરિત એ બધાં પુસ્તકો પણ વાંચ્યા. હમણા હું વિવેકાનંદનો રાજયોગ વાયું છું.”

અમે પુછયું, “તમારા આચાર્યશ્રી અને શિક્ષકો આવું વાંચે છે ખરા ?”

પટાવાળાભાઈએ જેં કહ્યું તે અમને હલાવી ગયું કહેઃ “સાહેબ, એમને જીવન એટલે શું તેની ખબર જ નથી !”

ડો. ગુણવંત શાહ પંચશીલ પદયાત્રીના એક સ્મરણાત્મક લેખમાં શ્રી વેજાભાઈનો પ્રશંસાપુર્ણ ઉલ્લેખ કર્યો છે. તેમના સ્વચ્છ બાથરૂમ વિશે લખી ડો. શાહે વેજાભાઈની સ્વચ્છતા પ્રિયતાનાં વખાણ કર્યા છે. અને પછી કહ્યું છેઃ “ગુજરાતના કેટલાય શિક્ષકો કરતાં એ પટાવાળાનું વાયન સારું ગણાય.”

[કટાર લેખક કરશનદાસ લુહાર, સૌરાષ્ટ્ર સમાચાર, વર્ષ ૧૯૯૬ માંથી સાભાર]

નોંધ : ઉમાકાંત અને “ગોરસ” સંપાદક મંડળના સભ્યશ્રી પ્રો. રમેશ.જી.પંડ્યા ઘોઘા હાઈસ્કુલમાં સાથે અભ્યાસ કરતા હતાં અને પંડ્યા સાહેબના મોટાભાઈ વૈકુંઠભાઈ આ બન્નેના ક્લાસ ટીચર હતા.