રાષ્ટ્રીય ચારિત્ર્ય

મહેશ દવે

| 3 Minute Read

જાપાન સાવ નાનકડો દેશ છે. પણ સદીઓથી મોખરાના દેશોમાં એનું નામ છે. ઓછી વસતિ છતાં વિશ્વના પ્રથમ પંક્તિના દેશોમાં નામ કાઢનારી પ્રજા છે.

તાજેતરમાં સુનામી, ધરતીકંપ અને ન્યુક્લિયર પાવરસ્ટેશનમાં ભંગાણો - આવી ત્રિવિધ આપત્તિઓમાં જાપાન સપડાયું હતું. હજારોની સંખ્યામાં મૃત્યુ નોંધાયાં. ઈજાગ્રસ્તોનો તો પાર નહીં. હજારો મકાનો ધરાશાયી થયાં પણ ટીવી પર એકેય પ્રધાનને હેલિકોપ્ટર કે વિમાનમાં નિરીક્ષણ કરવા નીકળેલા જોયા નથી. હેલિકોપ્ટરમાંથી ફેંકાતાં ફુડ- પેક્ટસની ઝૂંટા ઝૂંટ કરતા પ્રજાજનો નિહાળ્યા નથી. રાહતકામ કરતા માણસો જ દેખાય છે. પોતાને બદલે બીજાની ફિકર અને સહાય કરનારા લોકો નજરે પડે છે.

રેડિયેશનનો વ્યાપ અને તેને આગળ વધતું અટકાવવા અસંખ્ય ટેકિનશિયનો અને તાલીમ મેળવેલા મજદુરો રાત-દિવસ કામ કરી રહ્યા છે. આ કર્મચારીઓ લીક થતા હાઈડ્રોજનને કારણે એકાએક થતાં ભડકાઓ વચ્ચે કાટમાળમાં કામ કરી રહ્યા છે. સામાન્ય પ્રજાજન પર રેડિયેશનની અસર થાય તેના કરતાં આ કર્મવીરોને રેડિયેશનનો ભય દસ હજાર ગણો વધારે છે. પણ કર્મયારીઓમાં ગેરહાજરીનો ચેપ નથી. બીજાઓને બચાવવા સૌ જાનફેસાની ફરી રહ્યા છે.

રાહત કામગીરી શરૂ થઈ ત્યારે ખાધ અને અન્ય સામગ્રી મેળવવા કોઈ ધક્કામુક્કી નહીં, કોઈ લુંટફાટ નહીં, બધા શિસ્તબદ્ધ લાઈનમાં ઊભા રહી પોતાનો વારો આવે તેની રાહ જુએ, આગળ ઘૂસવાની કોઈ ચાલાકી કે જોરતલબી નહીં. ઘણે ઠેકાણે કામકાજ ઠપ છે. છતાંય સ્વચ્છતા, સુઘડતા, વ્યવસ્થા જાળવનારા કર્મયારીઓ ખડે પગે તેમનું કાર્ય કર્યે જાય છે. ચાલનારા લોકો અને વાહનો ઓછી ભીડ અને પાંખો ટ્રાફિક હોવા છતાં લાલ-લીલી લાઈટના સંકેતોનું બરાબર પાલન કરી ચાલે ને વાહન હંકારે છે.

ભૂકંપ આવ્યો ત્યારે ટોકિયોની એક હોટેલમાં ગ્રાહકો જમી રહ્યા હતા. ભૂકંપના આંચકા લાગ્યા કે સૌ બહાર નીકળી ગયા. આંચકા અટકી ગયા કે તરત ગ્રાહકો પાછા આવ્યા ને બિલ ચુકવવા લાઈનબંધ ઊભા રહી ગયા! સલામત વિસ્તારમાંથી સુનામી, ધરતીકંપ કે ન્યુક્લિયર વિસ્તારમાં સગાંવહાલાંને લેવા કે તેમની ખબર કાઢવા જનારા કોઈના ચહેરા કે વર્તનમાં લાગણીનો અતિરેક, ભાવોદ્રેક, રોકકળ જેવું કંઈ દેખાતું નહોતું. યામાઝાકી નામના યુવકને એનાં મા- બાપના મૃતદેહો મળ્યા ત્યારે એ પોતાને નસીબદાર માનવા લાગ્યો - મૃતદેહ તો મળ્યા!

સરકાર કે અધિકારીઓ પર કોઈ દોષારોપણ કરતું નથી. સરકાર કે અધિકારીઓ કોઈ ખોટાં આશ્વાસનો, વચનો કે બડાઈ મારતું નથી. પુર, ધરતીકંપ કે ટ્રેન, વિમાન અકસ્માત પછી આપણે ત્યાં જોવા મળતી દોડાદોડ, માથા પછાડીને રોતાં સગાં, લુંટ-ફાટ, સ્વકેન્દ્રી, સ્વાર્થી લુચ્યાઈ એ બધું સંભારીએ ત્યારે માથું શરમથી ઝુકી જાય છે.

જાપાન જેવું શિરતબદ્ધ ભલમનસાઈભર્યું રાષ્ટ્રીય ચારિત્ર્ય ઘડવા શું કરવું પડતું હશે? કદી કોઈએ એનો વિચાર કર્યો છે ?

[“પાંદડે પાંદડે પ્રકાશ” માંથી સાભાર, સંક્ષેપ અને સંકલન: મહેશ દવે, પ્રકાશક : ગુર્જર સાહિત્ય પ્રકાશન, અમદાવાદ]