રોગની સાચી દવા

સંત પુનિત

| 2 Minute Read

ઓલિવર ગોલ્ડસ્મિથ ઇંગ્લેન્ડના એક ખ્યાતનામ કવિ હતા. તેમની કવિત્વશક્તિ અપૂર્વ હતી. તેમનાં કાવ્યો અંગ્રેજી સાહિત્યમાં અમર બની ગયાં છે.

પણ કવિ કરતાં વિશેષ તો તે એક સહૃદય પુરુષ હતા. દીનદુખિયાનાં દુઃખ જોતાં જ તે દ્રવી ઊઠતા. કોઈ ને કોઈ દુખિયાનું દુ:ખ દુર કરવા તે સદા તત્પર રહેતા.

તે વ્યવસાયે એક ચિકિત્સક હતા. આ વ્યવસાય પણ પૈસા કમાવાન ઉદ્દેશથી નહિ, પરંતુ જનસેવા કરવા ઉદ્દેશથી સ્વીકાર્યો હતો. તેમને જનસેવા કરવા આ જ વ્યવસાય સૌથી ઉત્તમ લાગ્યો હતો !

એકવાર એક ગરીબ દર્દી તેમની પાસે આવ્યો. એનું આરોગ્ય દિનપ્રતિદિન બગડતું જતું હતું.

ગોલ્ડસ્મિથે એની શારીરિક તપાસ કરી તો તે એક એવા નિષ્કર્ષ પર પહોંચ્યા કે, આ દર્દિના રોગનું મૂળ કારણ એની ગરીબાઈ છે અને ગરીબાઈને લીધે એને થતી સતત ચિંતા જ એના આરોગ્યને ભરખી રહી છે !

થોડી દવા આપીને ગોલ્ડસ્મિથે દર્દીને એને ઘેર પાછો મોકલ્યો અને કહ્યું, “તમારી પત્નીને મારી પાસે મોકલજો. મારે તમારા દર્દ અંગે તેમને કેટલીક સૂચનાઓ આપવાની છે.”

થોડીવારમાં દર્દીની પત્ની ગોલ્ડસ્મિથ પાસે આવી.

ગોલ્ડસ્મિથે તેને કહ્યું, “બેન તમારા પતિનો રોગ જલદી દૂર થાય તે માટે હું એક ઊંચી જાતની દવા તમને આપું છું. આ દવાના સેવનથી તમારા પતિ ઘણા અલ્પ સમયમાં જ રોગમુક્ત બની જશે !”

આ સાંભળીને પત્નીના હર્ષનો કોઈ પાર રહ્યો નહિ.

ગોલ્ડસ્મિથે એક લાકડાની નાની પેટી ખોલીને કહ્યું, “તમે એ દવા તમારા પતિને આપજો. ઈશ્વર કરશે તો સાતઆઠ દિવસમાં જ એ સાજા થઈ જશે.”

ગોલ્ડસ્મિથનો આભાર માની પેલી પેટી લઈને એ પોતાને ઘેર પાછી ફરી.

પણ એણે પેટી ખોલીને જોયું તો એના આશ્ચર્યની કોઈ અવધિ રહી નહિ. પેટીમાં દવાના પડીકાં ઉપરાંત દસ ગીનીઓ પણ હતી !

ગોલ્ડસ્મિથની આ અનુકંપા જોઈ એ તો દંગ જ બની ગઈ.

[સાભાર : જનકલ્યાણ મે, ૨૦૧૩. લેખક: સંત પુનિત]