રોજ પ્રભુને “થૅન્ક યૂ” કહેજો

ગુણવંત શાહ

| 6 Minute Read

એક ધોબી વિચારે ચડી ગયો. કપડાં ધોવાય તેનો ખરો જશ કોને ફાળે જાય? સાબુને, મહેનતને કે પાણીને?

ઘણા મંથનને અંતે એ વિચારવંત ધોબીને સમજાયું કે:

૧. પાણી ન હોય તો સાબુ કશાય ખપનો ન રહે.
૨. પાણી ન હોય તો બધી મહેનત પાણીમાં જાય.
૩. કપડાં ધોવાય તેનો ખરો જશ પાણીને ફાળે જાય છે.

આવું વિચારનારો ધોબી કંઈ સાબુવિરોધી કે પુરુષાર્થવિરોધી માણસ ન હતો.

ભક્ત તે છે જેને બધી ઘટનાઓમાં ઈશ્વરની કૃપાનાં જ દર્શન થાય છે. કશુંક અનિચ્છનીય બને તો તેમાં પણ ભગવદ્કૃપા નિહાળે તેનું જ નામ ભક્ત! ભક્ત કદીય મથામણનો ત્યાગ ન કરે. મથામણને અંતે એ નિષ્ફળ જાય તોય કહે છે, “હે માલિક! જેવી તારી મરજી”.

વિચારે ચડી ગયેલો પ્રબુદ્ધ ધોબી આપણો ગુરૂ બની શકે.

કૃપાનુભુતિ ભક્તનો સ્થાયીભાવ છે. જીવન યોગ્ય વિકલ્પની પસંદગીનું બનેલું છે. પોલ સાર્ત્ર મહાન અસ્તિત્વવાદી હતો. એણે પસંદગી(ચોઈસ)નો મહિમા કર્યો. ભક્તની શ્રદ્ધા, પસંદગી-મુક્તિ(ચોઈસલેસનેસ) પર એટલે કે ઈશ્વર ઈચ્છાને આધીન રહેવા પર અધિક હોય છે. પાંડવ-ગીતામાં માતા કુન્તી કૃષ્ણને પ્રાર્થનાપૂર્વક કહે છે, “હે ૠષિકેશ! મારાં કર્મોને પરિણામે જે જે યોનિમાં મારો જન્મ થાય, તે તે જન્મમાં મારી ભક્તિ દ્રઢ રહો.”

સ્વકર્મ-ફલ-નિર્દિષ્ટાં યાં યાં યોનિ પ્રજામ્યહમ્‌ ।
તસ્યાં તસ્યાં હૃષીકેશ, ત્વયિ ભક્તિર્‌ દઢા’સ્તુ મે ॥

રોજ રોજ બનતી નાની મોટી અનુકુળ કે પ્રતિકુળ ઘટનાઓમાં ઉપરવાળાની કૃપાનો અનુભવ કરવો એ જેવી તેવી સંપ્રાત્તિ નથી. જરાક શાંત ચિત્તે વિચારીએ તો સમજાય કે આપણું હોવું પણ એની કૃપાના અસ્ખલિત પ્રવાહ વગર શક્ય નથી. પ્રતિક્ષણ શ્વાસોચ્છવાસ ચાલે છે તેથી તો આપણે છીએ! બાળક જન્મે ત્યાં તો પાણી તૈયાર હોય છે. એને ભુખ લાગે ત્યાં તો માતાનું ધાવણ તૈયાર હોય છે. એને હુંફ જોઈએ ત્યાં માતાની સોડ તૈયાર હોય છે. એ હરીફરી શકે એ માટે અવકાશ તૈયાર હોય છે. એ વાત્સલ્ય પામી શકે એ માટે માતાનો ખોળો તૈયાર હોય છે. આવો કૃપાપ્રવાહ જીવન પુરું થાય ત્યાં સુધી અટકતો નથી.

માણસની નાડીના ધબકારા ઘણુંખરું લયબદ્ધ રહે છે. માણસનું બ્લડપ્રેશર ઘણું ખરું નોર્મલ રહે છે. ઘણાખરા માણસો સગી આંખે આસપાસની સૃષ્ટિ જોઈ શકે છે. ઘણાખરા કાન જીવનભર સાંભળી શકે છે તે જેવીતેવી કૃપા નથી. આકાશમાં પથરાયેલું મેઘધનુષ્ય ભાળી શકાય છે. કોયલના ટહુકા સાંભળી શકાય છે. સ્વજનનો હુંફાળો સ્પર્શ પામી શકાય છે. ભરચક ટ્રાફિક માંથી રસ્તો પાર કરી શકાય છે. કાર કે સ્કુટર દ્વારા ઝડપભેર નિર્ધારિત સ્થાને જઈ શકાય છે. પરિવારનો પ્રેમ જીવનના સ્વાદમાં વધારો કરનારો જણાય છે. પુષ્પોની સુગંધ પામી શકાય છે. ડુંગર ચડી શકાય છે. ખેતરમાં ડોલતાં કણસલાંને વિસ્મપૂર્વક નિહાળી શકાય છે. અજાણી વ્યક્તિનું સ્મિત ઝીલી શકાય છે અને વરસાદમાં પલળી શકાય છે. ચુલા પરથી ઊતરતો રોટલો ચાવીને ખાઈ શકાય છે. કોઈના સુખે સુખે સુખી થઈ શકાય છે અને કોઈના દુ:ખે દુ:ખી થઈ શકાય છે. કશીક ઘટના બને ત્યારે બુદ્ધિપૂર્વક તર્કશુદ્ધ રીતે વિચારી શકાય છે. ક્યારેક કોઈની યાદમાં રડી શકાય છે. માણસને આનાથી વધારે શું જોઈએ? કૃપાનો ધોધ વહેતો રહે છે.

વિખ્યાત સુફી સંત રાબિયા પાસે એક મુસલમાને જઈને કહ્યું, “મારું માથું એવું તો દુઃખે છે કે પીડા સહન નથી થતી, થાય છે કે માથું કાપી નાખું”

રાબિયાએ એના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું, “અત્યાર સુધી માથું દુ:ખતું ન હતું, ત્યારે કદી પણ તેં ખુદાનો આભાર માનેલો ખરો?”

રાબિયાએ બહુ મોટી વાત કહી દીધી. સાંજે જમવા બેસીએ અને થાળીમાં ભોજન પીરસાય ત્યારે આપણે પ્રભુનો પાડ માનતા નથી. સાજા સમા હોવા બદલ આપણે ઈશ્વરના અનુગ્રહની નોંધ લેવાનું ચુકી જઈએ છીએ. સંતાનો વિવેકી હોય ત્યારે આપણે તેને ઈશ્વરની મહેરબાની ગણીને એ માટે આભાર માનવું યાદ નથી રાખતા. દેખતો માણસ આંખનું ખરું મૂલ્ય સમજવામાં ગોથું ખાઈ જાઈ છે. ડાયાલિસિસ કરાવવાની નોબત આવે ત્યારે કિડનીનું મહત્વ સમજાય છે. ઊંઘની ગોળી લીધા પછી પણ ફાંફાં મારવાં પડે ત્યારે માંડ સમજાય છે કે ઘસઘસાટ ઊંઘનાર ગરીબ આદમી કેટલો વૈભવશાળી છે. જીવનની કહેવાતી નાની ઘટના પણ નાની નથી હોતી. પ્રતિક્ષણ માલિકનાં અનંત ઉપકાર હેઠળ હોવાની અનુભુતિ ભક્તની સાચી અમીરાત છે. કૃપાનુભુતિ, ઈશ્વરાનુભુતિની પ્રસ્‍તાવના છે. આવી કૃપાનુભુતિને અંતે હદયમાં ઊગતી પ્રાર્થનામાં શબ્દો ખરી પડે છે અને કેવળ પ્રાર્થના રહી જાય છે.

જાણીતા દાર્શનિક મિસ્ટર એકહાર્ટ ટોલ્લ(Eckhart Tolle) કહે છે :

સમગ્ર જીવન દરમ્યાન જો તમે ફક્ત એક જ વખત પ્રાર્થના કરો અને (ઈશ્વરને) “થૅન્ક યૂ” કહો, તો તે પણ પૂરતું છે.

આપણે આભાર ન માનીએ તો તેમાં ઈશ્વરનું કશું બગડતું નથી. તેની કૃપા તો નાસ્તિક પર પણ વરસતી જ રહે છે. આસ્તિક મનુષ્ય માને છે કે પોતાની બુદ્ધિમાં ન સમાય એવી ઘણી બાબતો સૃષ્ટિમાં છે, જેનો પાર બુદ્ધિથી પામી શકાય તેમ નથી. નાસ્તિક મનુષ્ય માને છે કે પોતાની બુદ્ધિમાં ન સમાય તેવી કોઈ બાબતનો સ્વીકાર ન થઈ શકે. કોઈ અભણ મનુષ્ય પાયથાગોરસનો પ્રમેય ન સમજે, તેથી એ પ્રમેયના સત્યને કોઈ હાનિ પહોંચતી નથી. સતત વહેતા કૃપાના ધોધ નીચે કોરા ને કોરા રહી જવું એ ખોટનો ધંધો છે. કૃપાના એ ધોધની નીચે પ્રાર્થનામય ચિત્તે ઊભા રહીને પલળવું એ જ ભક્તિ છે. પેલા ધોબીને જે સમજાયું તે આપણને સમજાય એ શક્ય છે. અવ્યભિચારિણી ભક્તિ પ્રાપ્ત થવી એ પણ પ્રભુની કૃપા છે. ક્યારેક એવું બને કે ઈશ્વરનો સાક્ષાત્કાર ન થાય તોય એની કૃપાની અનુભુતિ સતત થતી રહે છે. જેઓ પરીક્ષામાં ફુલ્લી પાસ ન થાય તેવા નિશાળિયાઓને પણ ઉપર ચડાવવામાં આવે છે.

[સાભાર : ભગવાનની ટપાલ, ગુણવંત શાહ. પ્રકાશક : આર.આર.શેઠ એન્ડ કંપની પ્રા.લી., ખાનપુર, અમદાવાદ]