સાચો ચિકિત્સક

ગોવિંદ એસ. પટેલ તથા ડૉ. તૃપ્તિ સાકરીયા

| 2 Minute Read

રસાયણશાસ્ત્રી નાગાર્જુનને એક મહત્વપૂર્ણ રસાયણ તૈયાર કરવા માટે સહાયકની જરૂર હતી. તેમણે પોતાના પરિચિતો અને થોડા જૂના શિષ્યોને આ માટે વાત કરી. તેઓએ થોડા નવયુવાનોને તેમની પાસે મોકલ્યા.

આચાર્યે બધાની પરીક્ષા લીધા પછી એમાંથી બે યુવાનોની આ કાર્ય માટે પસંદગી કરી. બન્નેને એક એક રસાયણ બનાવી લાવવા માટેનો આદેશ આપ્યો. પહેલો યુવક બે દિવસમાં જ તરત જ રસાયણ તૈયાર કરી લાવ્યો.

નાગાર્જુન અત્યંત પ્રસન્ન થયા. તેમણે નવયુવકને પૂછયું, “તેં બહુ જ જલદી રસાયણ તૈયાર કરી કાઢયું. કોઈ મુશ્કેલી તો નથી આવીને?”

યુવક બોલ્યો, “આચાર્ય! પરેશાની તો આવી. મારા માતપિતા બીમાર પડી ગયાં હતાં, પરંતુ તમારા આદેશને મહત્વ આપતા મનને એકાગ્ર કર્યું અને રસાયણ તૈયાર કર્યું.” આચાર્ય કાંઈ ના બોલ્યા.

થોડી વાર પછી બીજો યુવક રસાયણ લીધા વિના ખાલી હાથે આવ્યો. આવતાની સાથે તે બોલ્યો, “આચાર્ય, માફ કરો. હું રસાયણ ના બનાવી શકયો, કારણ કે જેવો હું અહીંયાથી જતો હતો ત્યારે મેં રસ્તામાં એક વૃધ્ધને પેટની પીડાથી પીડાતો જોયો. મારાથી તેની પીડા સહન ના થઈ. હું તેને મારા ઘરે લઈ ગયો અને તેનો ઈલાજ કરાવ્યો. હવે તે પૂરી રીતે સ્વસ્થ છે. હવે તમે મને આજ્ઞા આપો તો રસાયણ તૈયાર કરી તરત જ લઈને આવું.”

નાગાર્જુને હસતાં હસતાં કહયું, “તારે હવે રસાયણ બનાવવાની કોઈ જરૂર નથી. કાલથી તું મારી સાથે રહીને કામ કરી શકે છે.”

પછી તેમણે પહેલા યુવાનને કહયું, “બેટા! હજુ તારે પોતાની અંદર બદલાવ લાવવાની ખૂબ જરૂર છે. તેં મારી આજ્ઞાનું પાલન કર્યું એનાથી મને આનંદ થયો. એ ખૂબ સારી વાત છે, પણ એ ના ભૂલો કે સાચો ચિકિત્સક એ છે જેની ભીતરમાં માનવતા હોય. એ વિવેક હોવો જરૂરી છે કે એણે કયા કામને મહત્વ આપવું જોઈએ. જો કોઈને તત્કાલ સેવા અને ઉપચારની આવશ્યક્તા હોય તો ચિક્ત્સિકે બીજાં બધાં કાર્ય છોડી તેની સેવા કરવી જોઈએ.”

[સાભાર: “જીવન સુરભિ”, સંકલન અને સંપાદન: ગોવિંદ એસ. પટેલ તથા ડૉ. તૃપ્તિ સાકરીયા, પ્રકાશક: અરુણોદય પ્રકાશન]