આપણને સાચી કરુણાવૃત્તિ હચમચાવતી નથી !

ભૂપત વડોદરીયા

| 5 Minute Read

રવીન્દ્રનાથ ટાગોર કહ્યું છે કે માણસ દયાળુ છે, પણ માણસો કૃર છે. એક અર્થમાં આ માર્મિક વિધાન સાચું છે, પણ આજે એવો પ્રશ્ન થાય છે કે માણસ પણ દયાળું છે ખરો ? હોય તો તેની દયાવૃત્તિ પણ કળિયુગના દાનની જેમ ખોટી જગ્યાએ તો નથી ખર્ચાઈ રહીને ?

માણસો ભેગા મળીને દયાવૃત્તિનો આભાસ ઊભો કરે છે, પણ વ્યક્તિગત દયાવૃત્તિનો ગુણાકાર કેમ થતો નથી ? આટલું વિશાળ હિન્દુસ્તાન, એક કચ્છનો ધરતીકંપ તો શું, આવા દસ ધરતીકંપને હજમ કરી જઈ શકે કે નહિ ? અત્યારે તો આ એક જ આપત્તિ માથાના દુઃખાવા જેવી લાગે છે ! સહેજસાજ પણ આપણા દિલનો દુખાવો કેમ નથી બનતી ? આપણા દૈનિક જીવનમાં તેનો સહેજ પણ પડછાયો કેમ પડતો નથી ? બધા જાણે છે કે કચ્છમાં હજારો માનવીઓ બેઘર બન્યા છે, મોરબીમાં અને બીજાં કેટલાંક શહેરોમાં પારાવાર નુકસાન થયું છે. છતાં લગ્નોની ધામધૂમમાં એક બેન્ડ ઓછું વાગ્યું હોય કે એક ઢોલ ઓછો ઢબૂક્યો હોય તેવું બન્યું છે ખરૂં ? એના લીધે કોઈ સરકારી કે સામાજિક મેળાવડામાં સાદાઈ આવી છે ખરી ? એથી પ્રધાનોના મોંધાદાટ પ્રવાસોના ઠાઠમાઠમાં કોઈ કમી જોવા મળી છે ખરી? પછાડ ખાઈ ગયેલું કચ્છ અખબારોનાં પાનાં પર જરાક પગ પહોળા કરે છે તો વાચક કહે છે કે આ તો કંટાળો આપે છે ! આમ કેમ ? આપણે આપણા જ લોકોની આપત્તિના ભાગીદાર કેમ બની શક્તા નથી ? કારણ કે આપણને સાચી કરૂણાવૃત્તિ હચમચાવતી જ નથી. દેખાવ આપણને ગમે છે. દેખાવ આપણે ઓળખી શકીએ છીએ. દેખાવ આપણે કરી પણ શકીએ છીએ. આપણને સચ્ચાઈ નથી ગમતી, તેની નકલ આકર્ષે છે.

એક જ ગામમાં બે સાધુ ભેગા થાય છે. એક સાધુ પાસે માણસો ઊમટે છે. એ સાધુનો એક પ્રિય ભક્ત બરોબર ગધેડા જેવો અવાજ કાઢે છે. લોકો સાધુના પગ પાસે પાઈપૈસો નાખીને ચાલ્યા જાય છે. પેલો ભક્ત ગધેડા જેવો અવાજ આબેહૂબ કાઢે છે. તેને તેઓ સાધુનો ચમત્કાર ગણતા હોય તોય નવાઈ નહિ ! બીજો સાધુ બિચારો ગધેડાનો અવાજ કાઢી શકે એવો કોઈ ભક્ત ધરાવતો નથી. એટલે એ સાચો ગધેડો ખડો કરી દે છે ! ગધેડો સરસ ભૂંકે તે જ નવાઈ ! પણ લોકો ત્યાં મુદ્લ ફરકતા નથી. લોકો આપસ-આપસમાં વાતો કરે છે કે આમાં શી નવાઈ ? ગધેડો તો ભૂંકે જ ને ? માણસ ભૂંકે તે જ નવાઈ! આપણી કરણાવૃત્તિમાં પણ આવું જ નથી બનતું ? દુઃખી માણસ તો રડે જ ને ? એમાં શી નવાઈ ? કોઈ ફિલ્મી ક્લાકાર દુઃખી માણસની ભૂમિકામાં રડે અને આબેહૂબ રડે ત્યારે જ નવાઈ ! નવાઈ પણ ખરી અને આપણે તેને દાદ આપીએ પણ ખરા ! નક્કી આમાં જ કાંઈક ગરબડ છે તેમ નથી લાગતું ?

આપણી ધાર્મિક સંસ્થાઓએ ખાસ સમજવાની જરૂર છે કે માણસોને જયાં પીડાતા-રિબાતાં જુઓ ત્યાં તમારૂં મંદિર લઈ જાઓ. ધર્મને જીવતો રાખવો હોય તો એ જ સાચો રસ્તો છે. દેશના કોઈક ખૂણે બેસુમાર માણસો રિબાતા હોય અને તમારા મંદિરની ઝાલરો અને નગારાં તેની કશી નોંધ લીધા વિના ગાજતાં રહેશે તો આજે નહિ તો કાલે, તમે જે ભગવાનની તહેનાતમાં ઊભા છો તે ભગવાનનું દૈવત ઘટશે. હિન્દુસ્તાનના ખૂણે દુઃખીઓના-દરિદ્રોના વેશમાં ભગવાન જ ફરે છે. તમે જે ધર્મકથાઓ વાંચી છે તેમાં બને છે તેમ આમાંથી જ કોઈ ભગવાન તમારા બારણે પરીક્ષા કરવા માટે આવ્યો હશે. કદાય તમારા બારણે ન પણ આવે. તમારે પરીક્ષા આપવા માટે તેની પાસે જવાની જરૂર છે.

દુઃખનો પોર્ટફોલિયો એટલો મોટો છે કે એ દફતર કોઈ અમુક ખાતા હસ્તક કે અમુક માણસ હસ્તક રહી જ ના શકે. આ તો રાજ્યની જવાબદારી કહેવાય, આ તો કેન્દ્ર સરકારની જવાબદારી ગણાય. અગર તો આ ફલાણા મંદિરના કાર્યક્ષેત્રમાં આવે તેવા વિવાદને આમાં અવકાશ જ ના હોવા જોઈએ. દુઃખના આ દફતરના તમે જ પ્રધાન છો તેમ સમજીને દરેક નાગરિકે તેની પાછળ પડવું પડે. આપણાથી થઈ શકે તેવું જે કોઈ કામ હોય તે આપણે કરીએ.

આપણા કવિ કલાપીએ “દયાહીન થયો નૃપ અને રસહીન થઈ ધરા” ની હૃદયસ્પર્શી કવિતા રચેલી છે. રાજા જ્યારે દયા વગરનો બને છે ત્યારે ધરતીના રસક્સ સુકાય છે પણ રાજા તો હવે રહ્યો નથી. આજે તો પ્રજા જ રાજા બની છે. એટલે પ્રજા પોતે જ દયાહીન થશે તો ધરતીના રસકસ સુકાવા કરતાં પણ વધુ ખરાબ પરિણામ આવવાનું જોખમ નથી ? કવિ કલાપીના કાવ્યની ચમત્કૃતિની વાત જવા દો. નરી વાસ્તવિકતામાં આથી મોટો ચમત્કાર કરવાની ત્રેવડ છે. આવી મોટી આફતો કુદરત સર્જે છે તેમ માનવામાં વાંધો નથી પણ આવી આફતનું નિવારણ કરવા માટે કુદરત કે ઈશ્વર કોઈકને મોકલશે એવી માન્‍યતા નિર્દયતાના સિક્કાની જ એક બાજુ છે. તેણે કોઈને મોકલ્યા હોય તો તે પણ આપણે જ છીએ તેમ માનવું વધુ યોગ્ય ગણાશે.

[ભૂપત વડોદરીયા લિખિત “ઉપાસના” માંથી સાભાર, પ્રકાશક : અભિયાન પ્રેસ એન્ડ પબ્લિકેશન]