સાચી સાર્થકતા

નિલેશ મહેતા

| 2 Minute Read

પંજાબમાં લાહોર ખાતે આવેલી ડી.એ.વી. કોલેજના સંસ્થાપક મહાત્મા હંસરાજે બાળપણથી જ મનમાં એક દૃઢ સંકલ્પ કરી રાખ્યો હતો કે ધનપ્રાપ્તિ કે કોઈ ઉચ્ય પદવી માટે નહિ, પણ પોતે શિક્ષણનું વિતરણ અશિક્ષિત લોકોમાં કરી શકે એ ધ્યેયથી જ પોતે શિક્ષણ લેશે.

તેમની આ ભાવનાને વ્યક્ત કરતો તેમના બાળપણનો એક મહાન પ્રેરક પ્રસંગ:-

એકવાર હંસરાજજી બહારથી ઘરે આવ્યા કે તેમની માએ કહ્યું, “અત્યાર સુધી ક્યાં હતો? પરીક્ષા નજીક આવી છે છતાં તું વાંચતો - લખતો નથી?”

“મા ! મારા એક વિધાર્થી મિત્ર ઓમપ્રકાશને ત્યાં હું ગયો હતો. તેને ગણિત નથી આવડતું એટલે તેને ગણિત શીખવતો હતો.”

“અરે તું મોટો થયો પણ હજી તારામાં કોઈ અક્કલ આવી નહિ! પોતાનું પરીક્ષાનું વાંચવાનું છોડી કોઈની ચિઠ્ઠી ચપાટી લખવા બેસી જાય છે! કોઈને દાખલા શીખવવા દોડ્યો જાય છે! કોઈને કાગળ લખી આપે છે, તો કોઈને એનો પત્ર વાંચી સંભળાવે છે! કોઈને મનીઓર્ડર કરી આપે છે, તો કોઈ અભણને વળી ભણાવવા બેસી જાય છે! આમ જ કરતો રહીશ તો તું નાપાસ જ થઈશ!”

સામેથી હંસરાજે પ્રશ્ર કર્યો, “મા મને તું શા માટે ભણવા નિશાળે મોક્લે છે એ કહે!”

મા બોલી, “ભણીને તું કોઈ મોટો ઓફિસર થાય અને મોટો પગાર મેળવતો થાય એટલા માટે તને નિશાળે ભણવા મોકલું છુ. તારો જીવનનિર્વાહ તું સારી રીતે ચલાવી શકે એટલા માટે હું તને નિશાળે મોકલું છું.”

“પણ મા! એમ તો અભણ માણસ પણ પોતાનો જીવનનિર્વાહ ચલાવે છે. પછી અભણ અને ભણેલામાં ફરક શો?”

અને પુત્રે માને કહેવા માંડ્યું, “મા ભણતરનો લાભ ભણનાર પોતે જ લીધા કરે તો એ ભણતરનો કશો અર્થ નથી! ભણતરની સાચી સાર્થકતા તો એમાં રહેલી છે કે પોતાના ભણતરનો લાભ પોતાના થકી બીજા લોકોને મળતો રહે! વધારેમાં લોકોનું હિત જે વ્યક્તિ પોતાના શિક્ષણથી આપી શકે તેનું જ શિક્ષણ સાર્થક ગણાય!”

[સાભાર : મહાન પ્રેરક પ્રસંગો, સંકલન: નિલેશ મહેતા]