સક્રિય દુર્જન અને નિષ્ક્રિય સજજન

જગદીશ ત્રીવેદી

| 2 Minute Read

એક સુલતાન હતો. એ અવારનવાર યુદ્ધો કર્યા કરતો અને ચારે તરફ વિનાશ વેરતો. હર્યાભર્યા ગામો ઉજ્જડ થઈ જતાં અરમાનો અને ઉમંગથી ધબકતા ઈન્સાનને બદલે તેમની નિર્જીવ લાશોના ઢેર ખડકાતા. સુલતાનની સેના પાછળ વિધવાઓનાં આંસુ અને બાળકોનાં આક્રંદ વર્ષો સુધી બંધ નહોતાં થયાં.

સુલતાનને એક ડાહ્યો વજીર હતો. એક વાર વજીરે સુલતાનને વાત કરી : “હજૂર, હું જંગલમાંથી પસાર થતો હતો ત્યાં એક અજીબ ઘટના બની.”

સુલતાનને રસ પડ્યો. પૂછ્યું, “શું અજબ ઘટના બની ?”

વજીર કહે,

“બે ઘુવડ વાત કરતાં હતાં. એક ઘુવડે બીજાને કહ્યું કે તું જો તારી દીકરીને દહેજમાં સો ખંઢેર થયેલાં ગામો આપી શકે તો જ હું મારા પુત્રની શાદી તારી પુત્રી સાથે કરવા તૈયાર છું, નહીતર હરગિજ નહીં,

દીકરીના બાપે આજીજી કરી કે આ સુલતાન જો માત્ર થોડા સમય જ તખ્તા પર રહેશે તો હું તારી ઈચ્છા પૂરી કરી શકીશ.”

સુલતાનની આંખ ઊઘડી ગઈ. ડાહ્યા વજીરનો ઈશારો એ સમજી ગયો અને યુદ્ધ બંધ કર્યું.

૦-૦-૦-૦-૦-૦-૦-૦

નાદિરશાહે એક નજૂમીને પૂછ્યું, “મારે જિંદગાની કઈ રીતે બસર કરવી ?”

નજુમી શાણો, ઠરેલ અને અનુભવી હતો. તેણે કહ્યું “હજૂર આપે વધુમાં વધુ નિંદ્રા લેવી અને ઓછામાં ઓછું શાસન કરવું.”

નાદિરે કહ્યું “સમજદારો તો વહેલા ઊઠવું અને વધુ કામ કરવાની સલાહ આપે છે, જ્યારે આપ વધુ સૂવાનું શા માટે જણાવો છો તે હું સમજી શક્તો નથી.”

નજુમીએ કહ્યું, “નામદાર આપ જેટલા વધુ નિદ્રાધીન રહેશો એટલો વિનાશ ઓછો થશે.”

નાદિરશાહ નજૂમીની સલાહનો અર્થ સમજી ગયો.

૦-૦-૦-૦-૦-૦-૦-૦

કુંભકર્ણને ઢોલ, નગારાં અને ત્રાંસાં વગાડી-વગાડી નિદ્રામાંથી ઉઠાડવામાં આવ્યો. પછી લંકેશે સીતાહરણથી રામસેનાના આગમન સુધીની વાત કહી સંભળાવી અને હવે શું કરવું ? એવો પ્રશ્ન પૂછ્યો.

પ્રત્યુતરને બદલે કુંભકર્ણ પ્રતિપ્રશ્ન કર્યો : “મોટાભાઈ, મેં ઊંઘમાં શું ગુમાવ્યું અને આપે જાગીને શું મેળવ્યું ?”

સમાજમાં દુર્જનો નિષ્ક્રિય હોય તે સારું અને સજ્જનો સક્રિય હોય તે સારું; પરંતુ મોટે ભાગે દુર્જનો વધુ સક્રિય હોય છે અને નિષ્ઠાપૂર્વક પોતાનું કાર્ય કરતા હોય છે.

[જગદીશ ત્રીવેદી સંપાદિત “શાહબુદીન રાઠોડનો ચિંતન-વૈભવ”, પ્રકાશક : પ્રવિણ પ્રકાશન, ઢેબર રોડ, રાજકોટ]