સંપ ત્યાં જંપ

નિલેષ મહેતા

| 1 Minute Read

બે ભાઈઓ પોતાના ખેતરમાં સાથે કામ કરતા હતા. તેમાંથી મોટો ભાઈ પરણેલો હતો અને તેમને બે બાળકો પણ હતાં. બીજો ભાઈ કુંવારો હતો. દર વખતે બંને ભાઈ ખેતરમાં જે પાક અને તેના વેચાણથી જે આવક થતી તે બરાબર સરખે હિસ્સે વહેંચી લેતા હતા.

એક દિવસ નાના ભાઈએ વિચાર્યું, ખેતરનો પાક અને આવક અમે બંને ભાઈઓ સરખે સરખાં હિસ્સે વહેંચી લઈએ છીએ એ બરાબર નથી. હું એક્લો છું અને મારી જરૂરિયાત ઓછી છે. એટલે મોટાભાઈને વધુ હિસ્સો મળવો જોઈએ. એટલે એ રોજ રાત્રે પોતાના ભાગના પાકમાંથી અનાજની એક ગુણ ઉઠાવીને મોટા ભાઈના ભાગના અનાજની ગુણીમાં મૂકી આવતો.

આ દરમિયાન મોટાભાઈ એ વિચાર્યું, ખેતરનો પાક અને આવક અમે બંને ભાઈઓ સરખે સરખા વહેંચી લઈએ તે બરાબર નથી. હું તો પરણેલો છું. મારી સંભાળ તો મારી પત્ની અને ભવિષ્યમાં મારાં બાળકો લેશે. નાના ભાઈને તો નથી પત્ની કે નથી બાળકો, તો ભવિષ્યમાં એની સંભાળ કોણ લેશે ? એને વધુ હિસ્સો મળવો જોઈએ એટલે રોજ રાત્રે પોતાના ભાગના પાકમાંથી અનાજની એક ગૂણ ઉઠાવીને નાના ભાઈના ભાગના અનાજની ગૂણીમાં મૂકી આવતો.

પોતાની અનાજની ગૂણો કયારેય ખલાસ કે ઓછી કેમ ન થઈ એ અંગે બંને ભાઈ ઘણાં સમયથી વિચાર કરતા રહ્યા. પછી એક રાત્રે બંને ભાઈઓ અંધારામાં અથડાઈ પડ્યા અને બંને ભાઈને આખી વાત સમજાઈ ગઈ. અનાજની ગૂણી નીચે મુકીને બંને ભાઈઓ હેતથી ભેટી પડ્યા. લાગણીનો ધોધ બંનેની આંખમાંથી વહેતો હતો.

[નિલેષ મહેતા લિખિત “ક્ષણે ક્ષણે ઉજાસ” માંથી સાભાર, પ્રકાશક : નવયુગ પુસ્તક ભંડાર, રાજકોટ]