સંગીતકારની સાધના

દિનેશ પટેલ

| 2 Minute Read

સંગીતના તમામ વાજિંત્રોનો સમાવેશ ત્રણ શબ્દોમાં થાય છે…. ઘા, વા અને ઘસરકો.

આવા સંગીતના આરાધકો-સંગીતકારોની પણ અલગ દુનિયા હોય છે. સંગીત ક્લા આગળ કોઈ ઉચ્ચ નથી કે કોઈ નીચ નથી; કોઈ મોટું નથી. સંગીત આગળ બધા સંગીતસાધકો એક સમાન જ છે. આવા મહાન સંગીતકારની આ વાત છે…

પવિત્ર ગંગાના કિનારે હરહદ્ધારમાં પંડિત ઓમકારનાથ ઠાકુર યાત્રાએ નીકળ્યા હતા. ભારતના આ મહાન સંગીતકારે જોયું કે એક અંધ સંગીતકાર યાત્રાળુઓ સમક્ષ દિલરૂબા વગાડવાની કોશિશ કરતો હતો પરંતુ વગાડો શકતો નહોતો. એની ઈચ્છા દિલરૂબા વગાડીને યાત્રાળુઓ પાસેથી પાઈ-પૈસો મેળવવાની હતી.

પંડિતજીએ આ જોઈને કલ્યું: “બાબા ! હું તમને શી મદદ કરી શકું ?”

“ભાઈ, કોઈ ઈચ્છે તો પણ મને મદદ કરી શકે તેમ નથી. હું દિલરૂબા વગાડીને થોડા પૈસા મેળવતો હતો પણ આજે મારી હથેળીમાં ઈજા છે અને આંગળીમાં વાગ્યું છે એટલે દિલરૂબા વગાડી શક્તો નથી.”

પંડિતજીની અંદર રહેલો સંગીતકાર-આત્મા જાગી ઉઠ્યો અને એક અસહાય અંધ સંગીતકારની મદદ કરવા તત્પર બન્યો. તેમને લાગ્યું કે આવી મુશ્કેલીના સમયમાં એક સંગીતકારે બીજા સંગીતકારને મદદ કરવી તે એક પાયારૂપ ફરજ છે.

તેમણે કહ્યું : “બાબા, આજે તમારી દિલરૂબા મને આપો. આજે હું વગાડવાની કોશિશ કરૂં.”

અને પંડિતજીએ દિલરૂબા વગાડવા માંડી. યાત્રાળુઓનો સમૂહ એકઠો થઈ ગયો અને પૈસાનો તો વરસાદ વરસ્યો.

પંડિતજીએ સઘળી રકમ ભેગી કરી પેલા અંધને આપી અને ચૂપયાપ ખબરેય ન પડે તેમ આગળ સરકી ગયા !

[દિનેશ પટેલ લિખિત “જીવન સાફલ્યની વાટે” માંથી સાભાર. પ્રકાશક: સંસ્કૃતિ પબ્લિકેશન, પાલનપુર, બનાસકાંઠા ]

જીવનમાં કોઈ દશાને નહીં ખરાબ કહો;
કમળને પંકના સૌદર્યનો જવાબ કહો.
ફરજની રાહમાં થઈ જાય જે ફના;
એ જિંદગીને હકીક્તમાં કામયાબ કહો.
— શુન્ય પાલનપુરી