સંગનો રંગ

પ્રજ્ઞા મહેતા

| 5 Minute Read

ચિરાગે ચાલુ પિરિયડમાંથી પાણી પીવા જવાની રજા માગી ત્યારે ગુજરાતી વ્યાકરણનો અગત્યનો મુદ્દો ચાલુ હતો. મેં ઇશારાથી થોભવા ને બેસી જવા કહ્યું. તેની સાથે જવા બીજો એક છોકરો જયેશ પણ ઉભો થયો હતો. તે પણ બેસી ગયો. બંને એકબીજા સાથે બહુ ધીમે વાત કરતા લાગ્યા. મને દખલ થતી લાગી. એટલે મેં જવાનું કહેતાં બંને બહાર ગયા. મારું કામ આગળ ચાલ્યું. ભણાવવાની મજા આવતી હતી કેમ કે ક્લાસનાં સાતથી આઠ વિદ્યાર્થીઓના બારમાં ધોરણમાં બોર્ડમાં અગ્ર ક્રમની અમે શિક્ષકોએ ધારણ કરી લીધી હતી. સામાન્ય વિદ્યાર્થીઓ પણ હતા અને તેમનો પણ ઉત્સાહ સારો હતો.

ઘણી વારે બંને છોકરાઓ ક્લાસમાં આવ્યા. મારી પાસેથી પસાર થતા જયેશ કંઇક અપશબ્દ બોલ્યો. અને ચિરાગે કટાક્ષના હાસ્યનો ધીમો ઠહાકો લગાવ્યો. મને જનોઇ વઢ ઘા થવા જેવું લાગ્યું ! પહેલો આઘાત તો એ કે બારમાં ધોરણના માત્ર છોકરાઓના આ ક્લાસમાં હું બહુ સરળતાથી ને શાન્તિથી ભણાવી શક્તી હતી એ મારી સફળતા ગણાતી હતી અને બીજો આઘાત એ કે ચિરાગ જેવો સારા અને સંસ્કારી કુટુંબનો છોકરો કોઇના અપશબ્દને આવી સંગત આપી શકે ?

સ્કૂલ ઘણી દુર હોવાથી સવારે સાત વાગે ન પહોંચી શકવાને ભયે હું ઘણી વહેલી પહોંચી જતી. સ્કૂલ એટલી વહેલી ખૂલી ન હોય તેથી હું નજીકના શિવ મંદિરમાં દર્શન કરીને થોડીવાર બેસીને સમય થયે સ્કૂલમાં પહોંચી જતી. એ સમયે રોજ ચિરાગ મંદિરમાં આવતો અને ક્યારેક મારી સાથે વાતો કરતો. તેના મમ્મી બ્રાહ્મણ અને પપ્પા જૈન હતા. આથી તે મંદિર ને દેરાસર બંને જગ્યાએ જતો. માતા પિતાના સંસ્કારથી એનું મન પહેલેથી જ આપોઆપ ઉદારમતવાદી બન્યુ હતું. પપ્પા વ્યવસાયે આર્કિટેક્ટ હતા ને મમ્મી બેન્કમાં ઓફિસર. ચિરાગ ભણવામાં ઘણો સારો હતો અને વર્તનમાં પણ કોઇ ફરિયાદ નહોતી.

વર્ગમાં બનેલો બનાવ મારો પીછો છોડતો નહોતો. ચિરાગ આવું વર્તન કરે….! ત્રીજે દિવસે તે ફરી સવારમાં મંદિરમાં દેખાયો. મારે વાત કરવી ન હતી તેથી હું કઇ વાંચતી બેસી રહી. પણ તે આવીને વાંકો વળીને પગે લાગ્યો ને “સોરી ટીચર” કહીને બાજુમાં બેસી ગયો.

“તું શેને માટે દિલગીર થાય છે ?”

“ટીચર, જયેશ જોડે હું પાણી પીને આવ્યોને ત્યારે જયેશ બહુ ખરાબ શબ્દ બોલ્યો તો’ તમારા માટે.”

“તે મને ખબર છે. એમાં તારું શું છે ?” મેં વાત કાપતાં કહ્યું.

“હું પાણી પીવા ગયો ત્યારે એણે કહ્યું કે મને તો બધું આવડે છે. ટીચર પાસે શું ભણવાનું ? આપણે અહીં ઉભા જ રહીએ. પિરિયડ પતશે પછી જઇશું. શું કરી લેશે ટીચર ? એટલે મેં કહ્યું કે, એમ તો ટ્યુશનના સાહેબ થોડું ગુજરાતી ભણાવે છે. એમની પાસે મેં પણ શીખી લીધું છે. ટીચર શું નવું ભણાવવાના ? ‘તારી વાત સાચી છે. આપણે અહીં જ ઉભા રહીએ’ પણ એટલામાં ગણિતના સાહેબને દુરથી આવતા જોયા એટલે અમારે પરાણે ક્લાસમાં આવવું પડ્યું. જયેશને તો જરાય ઇચ્છા નહોતી એટલે જ એ એવી ગાળ બોલ્યો ને એ સાંભળીને મને હસવું આવ્યું. પણ હકીકતમાં મારે હસવું જોઇતું નહોતું એ મને બીજી જ ક્ષણે સમજાઇ ગયું હતું. હું કોઇ દિવસ કોઇ સર કે ટીચર પર આવી રીતે હસ્યો નથી કે મને એવી ટેવ પણ નથી. એટલે ટીચર, મને માફ કરો. સૉરી ટીચર, ફરી કદી આવું નહિ બને.”

“જયેશ સાથે તો તું દસેક દિવસથી જ બેસે છે. તું તો વચ્ચેની બેન્ચે બેસનારો. તો તું છેલ્લી બેન્ચે જયેશ પાસે કેવી રીતે પહોંચી ગયો ? પહેલા તું જ્યાં બેસતો હતો ત્યાં જ ફરી ગોઠવાઇ જા અને જયેશની કંપની છોડી દે. જયેશ એના જેવા મિત્રને શોધી લેશે. તું તારું લેવલ પકડી રાખ નહિ તો ભણવાનું પણ બગડશે.”

બે એક દિવસ પછી એણે મને એક પાતળુ લાંબુ બોક્સ આપ્યું “તમારે માટે છે” એમ કહીને.

“હું આવુ કંઇ લેતી નથી. પાછું લઇ જા.”

“ટીચર, જુઓ તો ખરા. મારા પપ્પાને મેં બધી વાત કરી. એ મારી પર ખૂબ ગુસ્સે થયા. મને કહે કે ટીચરની ફરીથી માફી માગજે. ટીચર, મારા પપ્પા લેખક પણ છે. એમણે લખેલી આ બુક એમણે તમને ભેટ આપી છે.”

મેં ખોલી ને જોયુ તો અંદર પહેલે જ પાને ચિઠ્ઠી હતી.

“હું મકાનો બનાવુ છું, પણ તમે તો બાળકોના ચરિત્ર બનાવો છો. દુનિયાના તમામ શિક્ષકો મારે માટે વંદનીય છે. ચિરાગને માફ કરીને ફરી તમારો વિધાર્થી બનાવી લેશો તો હું બહુ આભારી થઇશ.”

પુસ્તક જોયું તો “કેરેક્ટર બિવ્ડિંગ” વિષે એમણે નાના નાના પ્રકરણોમાં સરસ વાતો લખેલી. મને થયું કે ખરા શિક્ષક તો આ પિતા જ છે.

ચાર દિવસના મલિન સંસર્ગ ને સંપર્કમાં જો ચિરાગ જેવો છોકરો દિશા ભૂલી જતો હોય તો જયેશને જો બીજા જયેશો મળે તો એનું શું થાય ? આ ઉંમરને બહુ જલદી સંગનો રંગ ચડો જતો હોય છે. કુસંગનો રંગ ન ચડે એ જોવું રહ્યું.

[સાભારઃ ડાયરીમાંથી, લેખક: પ્રજ્ઞા મહેતા]