સપ્તપદીનો પાંચમો ફેરો કન્યાના સાસુ સાથે

ડૉ.આર.એલ.શીંગાલા

| 6 Minute Read

“આવું તો પટેલો જ કરી શકે !” એમ લાગે આ ૩ ઘટનાઓ જોતાં !

ઘટના-૧

તા.૧૯-૧૧-૨૦૧૩ મંગળવારના ફુલછાબમાં એક સારા સમાચાર જાણવા મળ્યા. સુરતના પી.પી.સવાણી પટેલ ગ્રુપ દ્વારા પિતાજીની છત્રછાયા ગુમાવેલી દીકરીઓના લગ્નની જવાબદારી લેવામાં આવશે. આવી ૧૫૧ દીકરીઓમાંથી તા.૮-૧૨-૧૩ના રોજ ૨૩ દીકરીઓના સમૂહલગ્ન સુરત ખાતે યોજાશે અને આ તમામે તમામ દીકરીઓને દરેકને રૂપિયા પાંચ - પાંચ લાખનો કરીયાવર આ સવાણી ગ્રુપના પ્રમુખ શ્રી વલ્લભભાઈ અને તેના પુત્ર મહેશભાઈ સવાણી દ્વારા આપવામાં આવશે. આ દીકરીઓ સર્વ જ્ઞાતિની છે. જેમાં પટેલ ઉપરાંત કોળી, પ્રજાપતિ, બ્રાહ્મણ, દરબાર, મિસ્ત્રી, મારવાડી અને એક કન્યા મુસ્લિમ સમાજની પણ છે. એટલું જ નહિં પણ

૧) આ પાંચ લાખનો કરિયાવર દીકરીની પસંદગી મુજબનો ખરીદીને આપવામાં આવશે.
૨) મુસ્લિમ દીકરીના લગ્ન તેના સમાજની પરંપરા મુજબ નિકાહ વિધિ પ્રમાણે કરાશે.
૩) સવાણી પરિવારના દંપતી સભ્યો - પુત્રો જ લગ્ન વિધિમાં બેસશે અને દરેક કન્યાને દાન આપશે.

“કન્યાદાન” શબ્દનો ઘણી ઉચ્ચ કોટીનો અર્થ થાય છે. કન્યાને દાનમાં આપવામાં આવતી નથી જ. પણ કન્યા સ્વમાન સાથે સાંસ્કૃતિક, સામાજિક સ્વાયત્ત જીવન, ગૃહ જીવન, દામ્પત્ય જીવન સનન્‍માનભેર, આનંદ છતાં સંયમથી જીવી શકે, વિતાવી શકે તે માટે કન્યાને દાનમાં, ભેટમાં, ખૂશીમાં(દહેજ નહિં જ) જે જંગમ સંપત્તિ સાધનો અપાય છે તેને કન્યાને અપાતું દાન કહે છે. કન્યાદાન એટલે કન્યાનું દાન કરવાનું નથી તેવી સાત્વિક સમજ સાથે દરેક દીકરીને રૂ. પાંચ પાંચ લાખનો કરિયાવર અપાશે.

૪) ભારતીય લગ્ન સંસ્કાર પરંપરા પ્રમાણે કન્યા, વર સાથે મંડપમાં ચાર ફેરા ફરે છે. તેના બદલે આ સવાણી પટેલ પરિવારે એક નવો જ દાખલો બેસાડવા એક વધુ પાંચમો ફેરો કન્યા તેના સાસુ સાથે મંડપ નીચે જ ફરશે. બોલો છે કોઈ જ્ઞાતિ, સમાજની ત્રેવડ કે હિંમત કે આવો નવતર પ્રયોગ સમૂહ લગ્નમાં કરે ? આ સામાજિક મનો વિજ્ઞાનનો પાયો છે. સાસુ આવનાર પુત્રવધુને પુત્રીની જેમ જ સાચવે. સાસુ વહુના ઝગડા ન થાય. કુટુમ્બમાં સુખ, શાંતિ, સંતોષ અને સંપભર્યું વાતાવરણ જળવાય તેની સામાજિક ક્રાંતિના અભિયાનમાં સર્વ પ્રથમ પગલું છે. હજુ આપણે ભારતમાં હિન્દુ સમાજની લગ્ન પરંપરામાં આવું ક્રાંતિકારી પરિવર્તન કયાંય સાંભળ્યુ નથી જ. અમારા મિત્રએ ગંભીરતાપૂર્વક કહ્યું કે, “ઓન્લી પટેલ કેન ડુ ઈટ” સવાણી ગ્રુપનું આ પગલું દીકરીઓની વિધવા માતાઓના પુજન સમાન છે.

ઘટના - ૨

તા.૨૧-૧૧-૧૩ ગુરૂવારની “સૌરાષ્ટ્રની રફતાર” ના પ્રથમ પાને ગામડાની રફતાર નામના લેખ/લાખાણમાં વતનપ્રેમથી વતનનું ઋણ ચૂકવતા લાલજીભાઈ પટેલની વાત છે. ભાવનગર જિલ્લાના ગઢડા તાલુકાના “ઉગામેડી” નામના એક ગામના એક ખેડુત શ્રી તળશીભાઈના પુત્ર લાલજીભાઈ હાલ સુરત છે. તેની ધર્મનંદન ડાયમંડ કંપની છે જે હાલ (૧૧૦૦) અગીયાર સો કર્મચારીઓને રોજગારી કામ આપે છે.

આ લાલજીભાઈ પટેલે વિચાર્યું કે ગામડાને જો વધુ સારી સગવડ-સુવિધા આપવામાં આવે તો ગામડાં ભાંગતા-તૂટતા, ખાલી થતા કે બગડતા અટકે તેમ છે. રાજકોટ સ્વામિનારાયણ ગુરૂકૂળના ધર્મજીવનદાસજી સ્વામિ સાથે વિચાર પરામર્શ કરી, પોતાના વતન ગામ ઉગામેડી ને સુવિધાયુક્ત બનાવવા નિરધાર કર્યો છે. આઠેક વર્ષથી વતન પ્રેમના કારણે જે શુભ કાર્યો કર્યા તે છે.

૧) તળાવ ઉંડા ઉતારી જળસંગ્રહ વ્યવસ્થા કરી પાણી પ્રશ્ર ઉકેલ્યો
૨) લોકભાગીદારીથી સી.સી.રોડ, લાઈટ, ગટર યોજના, શાળા, પ્રાર્થના હોલ નિર્માણ માટે દાન આપી સત્કાર્યો થયા
૩) આ જ ગામમાં પટેલ દીકરીઓ માટે ૧૫મો સમૂહલગ્ન કાર્યક્રમ યોજાશે. આ સમૂહલગ્નમાં ૭૬ દીકરીઓ માટે લાલજીભાઈ પટેલે કરિયાવર માટેની તથા અન્ય જવાબદારી સંભાળી છે.

અંદાજે રૂપિયા બે કરોડ જેટલો ખર્ચ - દાન ગામને સુવિધાયુક્ત બનાવવા પાછળ કર્યો છે અને એક સુવિધા યુક્ત દવાખાનું બનાવવાની યોજના કાર્યરત છે. દાનના ધનનો આવો સરસ સદુપયોગ કરી વતનને વફાદાર રહે છે.

ઘટના - ૩

ત્રીજો એક પ્રસંગ રાજકોટની કાલાવડ રોડ, સ્વામિનારાયણ મંદિર પાછળ જુનું નામ લીંબુડીવાડી જગ્યાએ આજે, ઉધોગ જગતના જાણીતા ફીલ્ડમાર્શલ ગ્રુપવાળા પોપટભાઈ પટેલના આર્થિક સૌજન્યથી તેમના નામથી એક કન્યા છાત્રાલય અંદાજે પાંચસો દીકરીઓના ઉચ્ચ શિક્ષણ અભ્યાસ માટે હાલ કાર્યરત છે. તે કન્યા છાત્રાલયના વિકાસ-વિસ્તાર અર્થે, નવા ૨૫૦ જેટલા વધુ પ્રવેશ આપી શકાય તેવા હેતુથી “શાંતાબેન ગોપાલદાસ ગોવાણી” નામના એક પટેલ બહેન અને તેના પરિવાર દ્વારા આ છાત્રાલયને વધુ રૂપિયા ૧,૨૭,ર૫,૧૧૧/- (અંકે રૂપિયા એક કરોડ સત્યાવીસ લાખ પચ્ચીસ હજાર અને એકસો અગીયાર રૂપિયા પુરા) દાનથી સત્કાર્ય માટે પ્રસિધ્ઘિના કોઈ ઝાકમઝોળ ફંકશનના ઢંઢેરો પીટયા કે ગાઈ વગાડ્યા વગર સમાજની ૨૫૦ દીકરીઓ વધુ આગળ ઉચ્ચ અભ્યાસ કરી શકે તે માટે એક જ પરિવારના પટેલ બહેન હિંમતભેર પોતાની ધનરાશી અર્પણ કરે તે બહુ જ મોટા ગજાની ઘટના છે.

આ સંસ્થામાં કોઈપણ રૂપે એક રૂપિયાનો પણ પુરસ્કાર માનદ વેતન લીધા વિના મેનેજમેન્ટ કો-ઓર્ડીનેટર સંભાળતા પૂર્વ પ્રિન્સીપાલ શ્રી સી.કે. ધમસાણીયાએ પણ પોતાના સદ્ગત પત્ની સ્વ. નર્મદાબેન પટેલની સ્મૃતિમાં વેતન લેવાના બદલે રૂપિયા બે લાખ સ્મૃતિ વંદના સ્વરૂપે આપ્યા.

પટેલ સમાજની દાન-ધર્માંદા-સત્કાર્ય અંગેની આ બદલાયેલી તાસીર, નવા સમાજ સેવા અભિગમને માન આદર સાથે સન્‍માનિત ગણી બિરદાવવો જ રહ્યો. મારૂં સાવ અંગત, વ્યક્તિગત માનવું છે કે આવું તો “Only Patel can do it” (“ઓન્લી પટેલ કેન ડુ ઈટ”) અન્ય જ્ઞાતિ સમાજ દ્વારા ભવિષ્યની પેઢીને ધ્યાનમાં રાખી આવા ઉદાહરણો પરથી શીખવા- સમજવા જેવું તો ખરૂં જ. સત્કાર્યના સારા વિચારો જ્યાંથી, જેટલા, જ્યારે મળે તો ત્યાંથી લઈ લેવા.

[સાભારઃ - ફુલછાબ તા.ર૭/૧૧/૧૩ લે.ડૉ.આર.એલ.શીંગાલા]