સરદાર પટેલ દીકરીની દ્રષ્ટિએ

અમીષા શાહ

| 11 Minute Read

(સાદગી, સરળતા અને સહનશીલતાની મુર્તિ મણિબહેન પટેલ સરદાર પટેલની પુત્રી તો ખરાં જ, સાથે એમના ખાનગી મંત્રી પણ હતા. મણિબહેને લખેલી ડાયરીમાંથી સરદારનું યુગપુરુષ તરીકેનું વ્યક્તિત્વ ઉપસી આવે છે. પ્રસ્‍તુત છે, વિઝન બુક્સ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા પ્રકાશિત તથા પી.એન.ચોપરા અને પ્રતિભા ચોપરા દ્વારા સંપાદિત ‘Inside story of Sardar Patel-The Diary of Maniben Patel’ માંથી મણિબહેને સરદાર વિશે લખેલાં કેટલાંક પાનાંનો સંક્ષિપ્ત ભાવાનુવાદ.)

મારા પિતાજી ઓછા બોલા હતા. એમણે લખ્યું પણ ઘણું ઓછું. એમના જાહેર કાર્ય તેમજ પાર્ટીકાર્યનો પણ ખાસ રેકોર્ડ નથી. તેઓ એમના પર લખાયેલા પત્રો વાંચીને તરત જ ફાડી કાઢતા અને પત્રોનો જવાબ હાથથી લખતા જેની કોઈ કોપી ન રાખતા.

મારા પિતાજી રોજ સારાં એવાં વર્તમાનપત્રો વાંચતા. વળી રેડિયો પરના સમાચાર નિયમિત સાંભળતા. આને કારણે તેઓ દેશભરની ચહલ-પહલથી વાકેફ રહેતા. વળી, લોકો સાથેના સતત સંપર્ક અને વાતચીત દ્વારા તેઓ આ માહિતીને પૂરક કરતા.

તેઓ સામેની વ્યક્તિના ચારિત્ર્યને માપવામાં ખૂબ માહેર હતા. કોઈ પણ વ્યક્તિને એ જ્યારે પહેલી વાર મળતા ત્યારે એને ઉપરથી નીચે સુધી નિહાળતા અને ત્યારબાદ એમણે કરેલી તારવણી ભાગ્યે જ ખોટી પડતી. એક વખત મુંબઈના મેયર મથુરાદાસ ત્રિકમજીએ એમને પૂછયું કે તમારી આસપાસ તમે કેવા માણસોને રાખવાનું પસંદ કરો છો? ત્યારે પિતાજીએ જવાબ આપ્યો, “મારી પાસે તો જાદુની ટોકરી છે. એમાં જાતજાતના લોકો છે. પણ ધ્યેય એક જ છે : ભારતની આઝાદી.” એમણે આ જાતજાતના લોકોનો ભાતભાતની રીતે ઉપયોગ કર્યો. પિતાજી આ બધાની નબળાઈઓ અને ખામીઓને પણ સારી રીતે પિછાણે. પણ એમણે તો એમની ખૂબીઓનો સરસ ઉપયોગ કર્યો.

પિતાજી ખુબ નિયમિત ટેવોવાળા હતા. ખુરશી પર બેઠાંબેઠાં ઠાલી વાતો કરનારા રાજકરણીઓને તેઓ ધિક્કારતા. એમણે ગાંધીજીના ચંપારણના કાર્ય વિષે વાંચ્યું. ગાંધીજીએ જે રીતે અન્યાય અને શોષણ સામે ખેતમજુરોને સંગઠિત કર્યા તેનાથી તેઓ ખુબ પ્રભાવિત હતા. મહાત્મા ગાંધી તે સમયે બિહારના આંદોલનમાં ખૂંપેલા હતા, અને એવા માણસની શોધમાં હતા જે બધું છોડોને પોતાનો પુરો સમય ખેડા જિલ્લાના સત્યાગ્રહને આપે. આ આંદોલન જમીન મહેસૂલના અતિરેકનો વિરોધ કરવા માટે ચાલતું હતું. પિતાજીએ આ માટે પોતાની સેવા આપવાની ઈચ્છા બતાવી અને એમની સેવા સ્વીકારાઈ.

યુવાનીથી જ મારા પિતામાં મોટી સંખ્યામાં લોકોને નેતૃત્વ પુરૂં પાડવાની અને કામ કરાવવાની શક્તિ હતી. જોકે બારડોલી સત્યાગ્રહ સુધી તેઓ ગુજરાતની બહાર ભાગ્યે જ જાણીતા હતા. ૧૯૨૨માં જ્યારે ગાંધીજીને છ વર્ષની જેલની સજા થઈ ત્યાં સુધી તો તેઓ ગુજરાત બહાર પણ નહોતા ગયા. આ ગાળામાં ગુજરાત વિદ્યાપીઠ માટે ફાળો ઉઘરાવવા તેઓ પૂર્વમાં છેક રંગુન સુધી ગયેલા.

સ્વદેશી ચળવળ પહેલાં તેઓ યુરોપિયન પોશાક પહેરતા. આ બાબતમાં એ એટલાં તો ચીવટવાળા હતા કે અમદાવાદમાં સારી લોન્ડ્રી ન મળે તો તેઓ પોતાના ખમીસ મુંબઈ ધોવડાવવા માટે મોકલતા, પણ જ્યારે ગાંધીજીએ સ્વદેશી ચળવળ ચાલુ કરી ત્યારે મારા પિતાએ એમાનાં બધાં યુરોપિયન કપડાં ટોપી-મોજાં બાળી નાખ્યાં. એમની ગમતી કાળી બેંગ્લોરી ટોપી છોડ્યા બાદ એમણે ક્યારેય માથે કશું ન પહેર્યું. ખાદી ટોપી પણ નહીં. ત્યારબાદ એમણે હંમેશાં ધોતિયું અને ઝભ્ભો પહેર્યાં અને ખભા પર ખેસ. શિયાળા પૂરતું ગરમ જાકીટ.

બારડોલી સત્યાગ્રાહમાં દરેક મોટા ગામ દીઠ એક સંયોજક હતા. મારા પિતાજી એમના મુખ્ય મથક પરથી બપોરે નીકળતા, તે કેટલાંય ગામોની મુલાકાત લઈ મધ્યરાત્રીએ આવતા. એક જ કાર અને તેથી બાકીના સંયોજકો પગપાળા, ટ્રેન દ્વારા કે ગાડા દ્વારા મુસાફરી કરતા. ખેતમજૂરોએ પિતાજીને સર્વમાન્ય નેતા તરીકે સ્વીકાર્યા હતા.

દરરોજ સવારે એમને એક એક ગામથી લેખિત અહેવાલ મળતો. એક પાર્ટી મિટિંગમાં પાર્ટી સેવક દ્વારા જાહેરમાં એમને “બારડોલીના સરદાર”નું બિરુદ મળ્યું. ત્યાર પછી જ્યારે ગાંધીજીએ પણ એમને એ નામથી સંબોધવા માંડ્યા ત્યારથી સરદાર નામ દેશભરમાં જાણીતું થયું.

મોતીલાલ નહેરુની અધ્યક્ષતા નીચે કોંગ્રેસના અધિવેશમાં પિતાજી કલકત્તા ગયા. બારડોલી સત્યાગ્રહના હીરો તરીકે એમનું નામ લોકોમાં જાણીતું તો ખુબ જ હતું પણ એમને પ્રત્યક્ષ ઓળખવાવાળા ઓછા. પહેલા દિવસે તેઓ પોતાની ઓળખટિકિટ ન લઈ ગયા, તેથી કોંગ્રેસના સ્વયંસેવકો એમને ઓળખી ન શક્યા અને એમને પંડાળમાં પ્રવેશ ન આપ્યો. બીજે દિવસે જ્યારે તેઓ પોતાની ટિકિટ લઈને ગયા ત્યારે સ્વયંસેવકો છક થઈ ગયા કે ગઈ કાલે જે વ્યક્તિને એમણે પ્રવેશ નહોતો આપ્યો એ બીજું કોઈ નહીં પણ બારડોલીના સરદાર હતા જેને જોવા લોકો પડાપડી કરતા હતા.

કોંગ્રેસ સમિતિએ એમને પાર્ટીના આગલા પ્રમુખ તરીકે સદ્દભાવ્યા પણ મોતીલાલ નહેરુએ ગાંધીજીને લખ્યું કે એ સ્થાન માટે જવાહરલાલ એમના અનુગામી બને. મોતીલાલ પોતાના મૃત્યુ પહેલાં પોતાના દીકરાને કોંગ્રેસના પ્રમુખ તરીકે જોવા માગતા હતા.

મારા પિતાજી બાપુજી (ગાંધીજી) સાથે સંમત થઈ ગયા કે મોતીલાલની ઈચ્છા પરિપૂર્ણ થવી જોઈએ.

કોંગ્રેસના પ્રમુખ માટે પોતાના બહોળા સાથીસમુહ સાથે વાર્ષિક અધિવેશન ભરવું ઘણી સામાન્ય વાત હતી. ૧૯૩૧ના કરાંચીના અધિવેશનમાં મારા પિતાજી માત્ર મને અને મદદનીશને લઈ ગયા અને આ રીતે એમણે સ્વાગત સમિતિના બહોળા ખર્ચ પર કાપ મુક્યો.

મારા પિતાજીનું દષ્ટિબિંદુ પંડિત નહેરુના દષ્ટિબિંદુ કરતાં ઘણું જુદું હતું. તેઓ બન્ને આ ભેદભાવને સ્વીકારતાં પણ ખરા. તે છતાં બંનેએ સાથે મળીને ભારતની આઝાદી માટે કામ કર્યુ. મારા પિતાજી અને નહેરુ વચ્ચે ખાઈ માટે નેહરુ ઉપર મુદુલા સારાભાઈ તથા રફી અહમદ કીડવાઈનો પ્રભાવ મહદ્‌ અંશે જવાબદાર હતો.

પિતાજીએ સરકાર તેમજ પાર્ટી બન્ને બાબતે ઘણા અપ્રિય નિર્ણયો લીધા અને છતાંય એમના એ નિર્ણયો સ્વીકાર્ય હતા કારણ કે એમાં એમનો કોઈ અંગત સ્વાર્થ નહોતો. તેઓ ક્યારેય ધાક્ધમકીથી ગભરાયા કે દબાયા નહિં. એમની પાસે પોતાની માલિકીની કોઈ મિલકત ન્હોતી. એમની પાસે ગુમાવવાનું કશું જ ન્હોતું કે ન એમને સત્તાનો મોહ કે મહત્ત્વાકાંક્ષા હતી.

એક વખત યરવડા જેલમાં ગાંધીજીએ ખુશમિજાજમાં એમને પૂછ્યું કે સ્વતંત્રતા પછી એમને ક્યો હોદ્દો ગમશે? મારા પિતાએ જવાબ આપ્યો, એમને સાધુ થવું ગમશે. ૧૯૪૫માં જ્યારે આઝાદની જગ્યાએ કોંગ્રેસ પ્રમુખની વરણી કરવાની હતી ત્યારે પિતાજી ને કાર્યકારી સમિતિમાં સૌથી વધુ મતો મળ્યા હતા. પરંતુ ક્રિપલાનીએ નહેરુના પક્ષમાં પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી અને સાથે સાથે પિતા સામે પણ ઉમેદવારી પાછી ખેંચવાનો કાગળ સહી માટે મુકી દીધો, જેથી નહેરુ સર્વાનુમત્તે ચુંટાઈ આવે.

ગાંધીજી પાસે વાત પહોંચી. ગાંધીજીએ નહેરુને કહ્યું, “જો લોકો તમારી તરફેણમાં ન હોય તો મારે તમને મારા ટેકેદાર નથી બનાવવા.” નહેરુ ચૂપ રહ્યા, પરંતુ પ્રમુખ તરીકે પસંદ થઈ ગયા. ગાંધીજીએ વડાપ્રધાન તરીકે નેહરુને પસંદ કર્યાં કારણ કે તેઓ (નેહરુ) ભારત બહાર પણ જાણીતા હતા. ગાંધીજી પિતાજી અને નેહરુને ગાડા સાથે જોડાયેલા બે બળદો સાથે સરખાવતા. તેમને લાગ્યું કે જો નેહરુને વડાપ્રધાન બનાવશે તો દેશની આંતરિક બાબતોમાં રમત રમતા એ અટકશે.

પિતાજી જ્યારે ગૃહમંત્રી અને ત્યાર પછી નાયબ વડાપ્રધાન બન્યા ત્યારે સવારે ૪:૩૦ થી ૬:૩૦ મોર્નિગ વોક કરતાં અને એ દરમિયાન કોઈ પણ એમને મળી શકતું. તેઓ ખુબ ઝડપથી ચાલતાં અને બહુ થોડાં લોકો એમની ઝડપ સાથે તાલ મિલાવી શક્તાં. તેઓ મોટે ભાગે સાંભળતા અને ખુબ ટુંકમાં જવાબ આપતા. પાર્ટીના કાર્યકર્તા માટે તેમજ બીજાઓ માટે પોતાનું હદય એમની આગળ ખોલવાની આ તક હતી. તેઓ જરૂર પડે પાર્ટીના અત્યંત નાના કાર્યકર્તાને પણ મદદ કરતાં માઉન્ટબેટનના પ્લાન પ્રમાણે ભાગલાની સમિતિમાં ત્રીસથી ચાલીસ અફસરો હતા. તેઓ બધા અમારા ઘરે આવતા અને બપોરના ભોજન સુધી પિતાજી એમને સુચનાઓ આપતા. વળી સાંજે પાછા બધા સભ્યો પિતાજીને અહેવાલ આપતાં. એમના દરેક હુકમનું ચોવીસ કલાકમાં પાલન કરવાનું રહેતું. તેઓ જરૂર પડે અડધી રાત્રે પણ રાજ્યના વડાને ફોન કરી મુદ્દાની ચર્ચા કરતા.વળી અગત્યની ન હોય એવી બાબતો માટે ફોન કરી પૈસા વેડફવાનો વિરોધ કરતા એમના અંગત ટ્રંક કોલની હું ડાયરીમાં નોંધ રાખતી અને એના પૈસા તેઓ પોતાના ખિસ્સામાંથી આપતા.

માઉન્ટબેટન પિતાજીની મહાનતાને ઓળખી ગયા હતા. ગાંધીજીની હત્યાને દિવસે સાંજે ચાર થી પાંચ વચ્ચે પિતાજી અને ગાંધીજી વસ્ચેની વાતોની એકમાત્ર સાક્ષી હું હતી. પિતાજીના આગ્રહને કારણે ગાંધીબાપુએ પ્રધાનમંડળમાંથી એમને મુક્ત કરવાનું કબૂલ્યું હતું. પરંતુ માઉન્ટબેટને આનો સજજડ વિરોધ કર્યો. કારણ કે તેઓ માનતા હતા કે “પિતાજીના પગ જમીન પર હતા જ્યારે નહેરુનાં પગલાં હવામાં હતાં.” માઉન્ટબેટને ગાંધીજીને કહ્યું કે તેઓ સરદારને છુટા ન કરી શકે. ગાંધીજી એમની સાથે સંમત થયા અને પોતાનો નિર્ણય બદલ્યો હતો.

૩૦ જાન્યુઆરીની બપોરની વાતચીતમાં એવું નક્કી થયું હતું કે ગાંધીજી નહેરુ અને પિતાજી સાથે બેસીને પોતાના મતભેદો દુર કરશે. પરંતુ એ મિટિંગ થઈ જ ન શકી. પિતાજી કોંગ્રેસ અને સરકારના અમુક વર્તુળોમાં એમની વિરૃદ્ધની ખોટી નિંદાકુથલીથી ઘણા વ્યથિત હતા. ગાંધીજીએ આવા ખોટા આક્ષેપો સામે એમનો સતત બચાવ કરવો પડતો એનું એમને ઘણું દુઃખ હતું.

અગાઉ જ્યારે નહેર યોર્ક રોડ પર અને પિતાજી સામે જ ઔરંગઝેબ રોડ પર રહેતા હતા ત્યારે તેઓ રોજ મળતા. પછી ભલેને માત્ર થોડી મિનિટો માટે હોય તો પણ. ક્યારેક નહેરુ બપોરે જમ્યા પછી આવે, તો ક્યારેક સાંજની ચા માટે, તો ક્યારેક રાત્રે જમ્યા પછી. ક્યારેક પિતાજી એમને યોર્ક રોડ સુધી વળાવવા પણ જતા. બંને જણા સાથે ચાલતા અને અગત્યની બાબતોની ચર્ચા કરતા.

આ રોજની મિટિંગ અને વાતોથી ગેરસમજો દુર થતી. પરંતુ જ્યારે નેહરુએ તીનમૂર્તિ માર્ગ પરના ઘરે સ્થાળાંતર કર્યું ત્યારે આ સંવાદ ઘણો નહિવત્‌ બન્યો. જો નહેરુએ માઉન્ટબેટનની સલાહથી આ સ્થાળાંતર ન કર્યું હોત તો બન્ને વચ્ચે પાછળથી ઉદ્ભવેલા ઘણા મતભેદો ન ઉદ્ભવ્યા હોત. પિતાજી એમની માંદગીને કારણે નહેરુના તીનમૂર્તિના ઘરે ઓછું જઈ શક્તા.

પિતાજીને ભારતના વડાપ્રધાનપદ અથવા બીજા ઉચ્ય પદનો મોહ ક્યારેય નહોતો. એમણે એક વાર કહ્યું હતું જો ભારતને સ્વતંત્રતા દસ વર્ષ વહેલી મળી હોત તો એમણે જે રીતે રાજાઓનાં રાજ્યોનો પ્રશ્ને ઉક્લ્યો તે જ રીતે ભારતની અન્નની સમસ્યા પણ ઉકેલી હોત.

એમણે ઉમેર્યું હતું કે “… પણ હવે મારામાં એ શક્તિ નથી.” અન્નની તંગીને તેઓ દેશનો સૌથી મોટો અને તાકીદનો પ્રશ્ન માનતા.

તેઓ મુળે કામના કરવૈયા હતા. એમને લખવાનો અણગમો હતો. એમની જીવનની ફિલસુફીનો સાર આ શબ્દોમાં કહી શકાય : “ઈતિહાસ લખવામાં સમય બગાડવા કરતાં શું કામ ઈતિહાસનું સર્જન ન કરીએ !”

[મુક્તાનુવાદ: અમીષા શાહ, સાભાર: “થેંક્યુ પપ્પા”, સંપાદન: અમીષા શાહ-સંજય વૈદ્ય]