સર્વ શ્રેષ્ઠ શોધો

એઇલીન કેડી

| 3 Minute Read

તમારા હૃદયને ઉન્નત બનાવો અને નવા વર્ષમાં પ્રવેશ કરો. એ જ્ઞાન સાથે કે સાચે જ એક અદ્ભૂત વર્ષ તમારી સામે આવીને ઊભું છે. દરેક બાબતમાંથી સર્વશ્રેષ્ઠને શોધી કાઢો. હું કહું છું કે આ વર્ષ અતિશય પ્રકાશમય હશે. પણ જ્યાં સુધી તમે કૃતજ્ઞતાભર્યા ભરપુર હૃદયે હું જે કહું છું તે નહીં સ્વીકારો, ત્યાં સુધી કશું નહીં બને. મારા શબ્દોમાં વિશ્વાસ મુકી શ્રદ્ધાપૂર્વક સર્વશ્રેષ્ઠની આશા નહીં સેવો ત્યાં સુધી કશું નહીં બને.

એને સાકાર થવામાં તમારી મદદ જોઈશે. મારાં અદ્ભૂત વચનોને માનો અને હૃદયમાં ઉતારો. ફક્ત બુદ્ધિથી તેને માનવાથી પૂરું નહીં થાય, તમારી સહજ સ્ફુરણા, તમારા અંતરજ્ઞાનથી પરમોચ્ચ સત્તા તરફથી - મારા તરફથી આવાં આંદોલને ઓળખો. જુઓ કે હું તમારી આગળ તમારા માટે માર્ગ તૈયાર કરતો ચાલું છું. સઘળી અશક્યતાઓને શક્યતામાં બદલી નાખું છું. સર્વશ્રેષ્ઠ, પરિપૂર્ણનું વરદાન એવા લોકો માટે જ છે, જે મને પ્રેમ કરે છે અને હંમેશાં મને અગ્રસ્થાને મુકે છે.

અન્ય પ્રેરક સૂચનો વાંચો:
👉 પ્રેમ કરો સાચા હૃદયથી
👉 દરેક બાબતે કૃતજ્ઞતા અનુભવો
👉 શ્રધ્ધાથી નાના મક્કમ પગલાં ભરો
👉 ખાલી થાવ
👉 ઝુકી ન પડો, બળવાન બનો
👉 અન્ય લોકોના આધ્યાત્મિક પ્રગતિની ઇર્ષ્યા ન અનુભવો


નોંધ: ઉપરનો લેખ એઇલીન કેડી લિખિત ‘ઓપનીંગ ડોર્સ વીધીન(Opening Doors Within)’ લેવામાં આવ્યો છે જે એક વાર્ષિક ડાયરી/રોજનીશી સ્વરૂપના પુસ્તકમાંનું એક પાનું છે.

પુસ્તકમાં તમારા રોજિંદા આધ્યાત્મિક વિકાસ અને ઉન્નતિ માટે સરળ અને સચોટ શૈલીમાં અપાયેલાં વ્યાવહારિક અને પ્રેરક માર્ગદર્શનનાં વિશેષ સૂચનોનો સંગ્રહ છે.

તમે ઇચ્છો તો દિવસની શરૂઆત તે દિવસ માટેનું સૂચન વાંચીને કરી શકો અને તે રીતે તમારા આવનારા દિવસ માટેનું સર્વાંગી માર્ગદર્શન મેળવી શકો કે પછી સવારે ચા-નાસ્તો કરતી વખતે પરિવારના સભ્યો વારાફરતી તેને વાંચે તેવું ગોઠવી શકો અથવા રોજ સવારના નિયમિત ધ્યાનના પાયા તરીકે જે તે દિવસના સૂચનનું વાચન કરી શકો અને રાત્રે વીતેલા દિવસનું મૂલ્યાંકન કરવા ફરી તે જ સૂચનની મદદ લઈ શકો.

તમે તમારી પસંદગી અને ઇચ્છા મુજબ આ સૂચનોનો ઉપયોગ ભલે કરો, પણ એ સૂચનોને તમારી ચેતના સાથે વણતા જાઓ. આજે, કાલે અને દરરોજ. આ વર્ષે, આવતા વર્ષે, હંમેશાં - જ્યાં સુધી તે સૂચનો તમારા અસ્તિત્વનો અંશ બની તમારામાં આત્મસાત્‌ ન બની જાય. જ્યાં સુધી તે અંતરના દ્વાર ખોલવાનું મૌન, મૃદુ અને પ્રેમપૂર્ણ કાર્ય પૂરું ન કરી લે ત્યાં સુધી.

[ભાવાનુવાદ : ઉઘડયાં દ્રાર અંતરના - સોનલ પરીખ, પ્રકાશક : આર.આર.શેઠ એન્ડ કંપની પ્રા.લી., ખાનપુર, અમદાવાદ]