શેતાનની ચાલબાજી

ડૉ. આઈ. કે. વીજળીવાળા

| 4 Minute Read

એક વખત શેતાને મિટીંગ બોલાવી! માણસોમાં વધી રહેલી ભગવાનને પામવાની ભુખ અંગે એણે પોતાના સાગરીતો સમક્ષ ચિંતા વ્યક્ત કરી. માણસોને ભગવાનના રસ્તે જતાં રોકવા માટે શું કરી શકાય એની ખુબ ચર્ચાઓ કર્યાં પછી થોડાક મુદ્દાઓ નક્કી કર્યા. પોતાના દરેક સાગરીતને ત્યાર બાદ તરત જ દુનિયાના ખુણેખુણે જઈ કામે લાગી જવાનું એણે ફરમાન દીધું. શેતાન અને એના સાગરીતોએ નક્કી કરેલા મુદ્દાઓ હતાં :

  • માણસને વ્યસ્ત, અતિવ્યસ્ત બનાવી દો. અને હા, સાવ ફાલતુ વસ્તુઓમાં જ એને વ્યસ્ત બનાવવો!

  • એને ખુબ ખર્ચ કરવા પ્રેરવો. કામની કે નકામી વસ્તુઓ ખરીદી ખરીદીને એને ઘર ભરવાદો !

  • અનહદ અને ગજા બહારના ખર્ચાઓને પહોંચી વળવા માટે એને લોન લેવી પડે તેવું કરો. અઠવાડિયે એક વખત આંટો મારવા નીકળતો હોય તો પણ એની પાસે મોંઘીદાટ મોટર ખરીદાવો. એનું બાકીનું જીવન આમ જ ખોટા ખર્ચા કરવામાં અને લોનના હપ્તા ભરવામાં પસાર થવું જોઈએ !

  • એમનાં બાળકોને ખુબ ઠઠારાવાળી શાળાઓમાં દાખલ કરવા પ્રેરો. દરેક વિષયના ટયુશન માટે હજારોની ફી પડાવતા કલાસીસમાં ભરતી થવાનો એમનાં બાળકો આગ્રહ રાખે તેવું કરો.

  • આ ખર્ચાઓને પહોંચી વળવા એ માણસને લાંચ લેતો કરી દો. બાળકોની માતાઓને પણ કમાવા જવું પડે તેવી કૃત્રિમ આર્થિક તંગી ઘરમાં ઊભી કરો. દિવસનો મોટા ભાગનો સમય મા-બાપ ઘરની બહાર જ રહે તેવું કરો જેથી સંસ્કારસિંચન જેવી કોઈ પ્રક્રિયા ઘરમાં થઈ શકે જ નહિં !

  • ટેલિવિઝન, વીડિયો, ટેપ, ફિલ્મો મલ્ટિપ્લેક્સ થિયેટર્સ એમના મગજમાં એવાં ભરાવી દો કે એના વગર એને ચાલે જ નહિ. દેશી-વિદેશી સંગીત કે ગીતોના ઘોંઘાટથી એના ઘરના તેમજ આસપાસના વાતાવરણને એવું ભરી દો કે શાંત ચિત્તમાં ઊઠતા આત્માના નાજુક અવાજને એ પારખી શકે જ નહિં. એની શાંતિને વિશુબ્ધ બનાવી દો.

  • કોમ્પ્યુટર અને ઈન્ટરનેટનું અજાયબ વળગણ ઊભું કરો. ઈ-મેઈલ, વોઈસ-મેઈલ અને ચેટિંગનું એને બંધાણ કરાવી દો. કલાકોના કલાકો એ ચેટિંગમાં કે ઈન્ટરનેટ સર્ફિંગમાં વેડફી નાખે એવી રચના કરી દેવી.

  • ટેલિવિઝનમાં એને ભ્રમિત કરી નાખે તેવા કાર્યક્રમો બનાવડાવો. સંબંધોની વિચિત્ર માયાજાળવાળી અને ભપકાઓની ઝાકમઝોળવાળી સિરિયલો શરૂ કરાવો. ઉચ્ચ અને સંસ્કારી સંબંધોની હસ્તીનો છેદ જ ઊડી જાય તેવું જ ટેલિવિઝનના માધ્યમથી પીરસો એકેએક ઘરને એનાથી પ્રભાવિત કરી નાખો.

  • ચોવીસ કલાસ આડા-અવળા, કામના-નકામા તેમજ ઢંગધડા વિનાના સાચા-ખોટા સમાચારો આપતી ન્યુઝ ચેનલો રચો. પક્ષપાતોથી રાચતાં છાપાંઓના ઢગલા દરેક વ્યક્તિના ટેબલ પર કરી દો.

  • ધાર્મિક મંડળો, વાડાઓ, સંપ્રદાયો તેમજ ધર્મોને અંદરો-અંદર ઝઘડાવો. પોતે તેમજ પોતાનો ધર્મ કે સંપ્રદાય જ બીજાથી ઊંચો તેવા મિથ્થા ખ્યાલથી એમના મનને બરાબર પ્રદુષિત કરી દો. એ બધું એ હદે કરી નાખો કે ધર્મની નિર્મળ શાંતિ, પ્રેમ કે સમાનતાના ભાવનો એમને વિચાર સુધ્ધાં ન આવી શકે.

  • લોટરી, જુગાર, સટ્ટો, શેરબજાર વગેરેની માયાજાળમાં એ શાના માટે આ બધું કરી રહ્યો છે, એ પણ ભુલી જાય એવું કરી નાખો.

  • ટુંકમાં પોતાની અંદરનો ખાલીપો એને જરાય ન દેખાય એવી ભ્રમની જાળ રચી દો, જેથી એને પોતે સાચી રીતે અને સારાં કારણ માટે જ જીવી રહ્યો છે એવું હંમેશાં લાગ્યા કરે. ભગવાનની સાચા ધર્મની કે આતમ-તત્ત્વની ઓળખની એને જરા પણ જરૂરિયાત જ ન લાગે!

બસ ! આટલા મુદ્દાઓની યાદી પાકી કરીને શેતાનનાં સાગરીતો દુનિયાને ખૂણેખૂણે પહોંચીને કામે લાગી ગયા. ભગવાને ઉપરથી દષ્ટિ ફેંકી. એમની આંખમાં આંસુ આવી ગયાં, એમનું હૈયું દ્રવી ગયું, કારણ કે શેતાન અને એના સાગરીતો મહદંશે સફળ થઈ ચૂક્યા હતા. દુનિયાની શરૂઆત પછી કદાચ પ્રથમ વાર !…

[ડૉ. આઈ. કે. વીજળીવાળા સંપાદિત “અંતરનો ઉજાસ” માંથી સાભાર]