શિક્ષિત સમાજ અને વૃદ્ધાશ્રમ

કિર્તીકુમાર કે. પટેલ

| 2 Minute Read

જિંદગીની આ સફરને પૂરી કરવા મંજિલ સુધી દોડયા કર્યો છું
થોભ્યો ત્યારે ખબર પડી કે વૃદ્ધાશ્રમ સુધી પહોંચી ગયો છું

અત્યારે શાળાઓની અંદર અંતિમ દિવસો પસાર થઈ રહ્યા છે. ધોરણ ૧૦-૧૨ ના વિધાર્થીઓના વિદાય સમારંભ અને પછી લગ્નની મોસમ.

આવા દિવસોમાં મારે એક સ્કુલની અંદર ધોરણ-૧૨ના વિદ્યાર્થીના વિદાય સમારંભમાં જવાનું થયું. આ સ્કુલ ખુબ મોટી છે. બરાબર ટાઈમે પહોંચી ગયો. આચાર્ય થોડા જાણીતા હતા. તેમની કેબિનમાં અમે બધા વાતો કરતા હતા. ત્યાં યુવાન ટ્રસ્ટી સરસ મજાની શેરવાની અને જોધપુર મોજડી સાથે અંદર પ્રવેશ કરે છે. આચાર્યે મારી ઓળખાણ કરાવી. મોટી સંસ્થા અને યુવાન ઉંમરે આ સંભાળ્યું જાણી આનંદ થયો. આચાર્ય એમની જ વાતો કર્યે જતા હતા. આ વર્ષે આ કર્યું, ગયા વર્ષે આ કર્યું. ખૂબ વાતો કરી પછી સમારંભના બીજા વક્તા આવી ગયા એટલે અમે બધા બાળકોના વિદાય માટે ગયા. સરસ આખો પ્રોગ્રામ લગભગ દોઢ કલાક ચાલ્યો, વિધાર્થીઓને આનંદ કરાવી અમે બધાં ભોજનખંડમાં ગયા.

સરસ ખંડ બનાવેલ છે. ત્યાં દાતા અને ટ્રસ્ટીઓના ફોટા અને નામાવલી મૂકેલ હતી. ત્યાં આ યુવાન ટૂસ્ટીના ફાધરનું નામ પ્રમુખ તરીકે બોલતું હતું. મારાથી આચાર્યને અજાણતા પુછાઈ ગયું તેઓ હજી હયાત છે. તો આચાર્યશ્રીએ મને કહ્યું સાહેબ પછી ચર્યા કરીએ છીએ. ધીમે ધીમે ભોજન પતાવી બધા જવા લાગ્યા. ટ્રસ્ટીઓ, કારોબારી સભ્યો પણ છુટા પડ્યા. પછી આચાર્યને હું બંને સાથે બેઠાં અને તેમણે વાત શરૂ કરી.

સાહેબ છેલ્લાં કેટલાંય વર્ષોથી આ સાહેબના ફાધર વૃદ્ધાશ્રમમાં રહે છે. જે મા-બાપે પુત્રને ભણાવ્યો-ગણાવ્યો, અરે આ ક્ષેત્ર સુધી લાવવામાં જેણે ચામડી ઘસી નાખી એ પોતે શિક્ષક હતા. જેટલી મુડી, જેટલું ફંડ, ઈન્ક્રીમેન્ટ જે કાંઈ હતું તે બધું દીકરાને ભણાવવામાં અને દીકરાના લગ્નની અંદર ખર્ચી નાખ્યું. પુત્રવધુ પણ ભણેલી છે. પણ બંને ભણેલા હોવાથી થોડી ખટરાગ ચાલતી. પોતાનો દીકરો પોતાના હાથથી થોડો સરક્તો જોઈ પિતાને ચિંતા થાય. બાપ શિખામણના બે બોલે કહે પણ દીકરાને કોઈ અસર થાય નહિં. દીકરાની મા નહોતી. બાપ કહે તે જ કરવાનું, પણ વિધિની વક્રતા જુઓ આ જ દીકરો બાપની જગ્યા પર સંસ્થાના સિંહાસન પર બેસી ગયો પતિ-પત્ની બંનેએ ભેગા મળી બાપને સમજાવી વૃદ્ધાશ્રમ સુધી લઈ ગયા.

[સાભાર :- “અભિદ્રષ્ટિ” એપ્રિલ-૧૩ , કિર્તીકુમાર કે. પટેલ]