શ્રધ્ધા

રાજુ અંધારિયા

| 2 Minute Read

પોઝિટિવ પર્સનાલિટી માટે એક ખૂબ મોટી મૂડીની જરૂર પડે છે. આ મૂડી છે ઈશ્વર ઉપરની શ્રદ્ધા.

ઈશ્વર પ્રત્યેની નિષ્ઠાથી આપણામાં અપાર બળનું સિંચન થાય છે. માની ગોદમાં હૂંફ મેળવતું બાળક કેટલું નિશ્ચિંન્ત થઈ જાય છે ! એને ખાતરી હોય છે કે એના હિતની ચિંતા એના કરતાં એની માને વધારે છે. આવી ભારોભાર શ્રદ્ધાને લીધે જે આંતરિક શક્તિ મળે છે એની તોલે બીજી કોઈ શક્તિ ન આવે.

જગતમાં જેમણે પણ નાની-મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી છે એમનામાં આ ગુણ તો અવશ્ય જોવા મળે જ છે.

એક વાર મહંમદ પયગંબરની પાછળ દુશ્મન પડ્યા. એમણે જોયું કે દુશ્મનો એમનાથી સાવ નજીક પહોંચી ગયા હતા, પકડાઈ જવાની ઘડી આવી પહોંચી હતી. પરંતુ ત્યારે જ એમણે એક અવાવરૂં વાવ જોઈ. એ તો એમાં ઉતરી ગયા.

એમની સાથે બીજા બે સાથીદાર હતા. એ તો ખૂબ જ ડરી ગયા હતા. એમણે મહંમદ સાહેબને કહ્યું કે દુશ્મનોની આવડી મોટી ફોજ સામે આપણે તો ફક્ત ત્રણ જણ છીએ. આપણે હવે કેવી રીતે બચીશું ?

પરંતુ મહંમદ પયગંબર તો એકદમ શાંત હતા. એમના સાથીદારોને શાંતિથી સમજાવતાં એમણે કહ્યું, “આપણે ત્રણ કયાં છીએ ? ચાર છીએ. અલ્લાહ આપણી સાથે જ છે અને એ જ્યાં સુધી આપણી સાથે જ છે ત્યાં સુધી આપણને શેનો ભય ?”

ખરેખર એમનો વાળેય વાંકો થયો નહીં. અવાવરૂં વાવની પાસે દુશ્મનો આવ્યા ત્યારે વાવની આસપાસ કરોળિયાનાં જાળાં જોઈ મહંમદ સાહેબ ત્યાં નથી એમ માનીને આગળ જતા રહ્યા.

કોઈ પણ વ્યક્તિની જીત ઈશ્વરની અટલ શ્રદ્ધામાં સમાયેલી છે.

પૂજ્ય રવિશંકર મહારાજે આવી શ્રદ્ધાને પુલનું રૂપક આપ્યું છે. એ કહે છે કે કોઈ ખૂબ મોટી નદી હોય, ધસમસતો પ્રવાહ હોય, છતાં જો એના પર પુલ બાંધ્યો હોય તો આપણે એ પુલ વાટે ખૂબ જ સહેલાઈથી સામે પાર જઈ શકીએ છીએ.

શ્રદ્ધારૂપી પુલ મારફત આપણે ઈચ્છિત મંઝિલ સુદી પહોંચી શકીએ છીએ.

[રાજુ અંધારિયા લિખિત “જસ્ટ એક મિનટ” માંથી સાભાર, પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર]