શ્રધ્ધાથી નાના મક્કમ પગલાં ભરો

એઇલીન કેડી

| 3 Minute Read

શ્રદ્ધાપૂર્વક જીવવાનો અર્થ તમે શો કરો છો? તમારી સલામતી શામાં છે? - લોકોમાં? બેંકના ખાતામાં? કે પછી તમારી સલામતીનાં મૂળ મારામાં રોપાયેલાં છે - તમારી અંદરના ઈશ્વરમાં, તમારી અંદરની દૈવી ચેતનામાં?

આને શોધવાનો પ્રયત્ન કરો અને તમને શંકાના જરા પણ ઓછાયા વિના સમજાશે કે ખરેખર કઈ જગ્યાએ તમારી શ્રદ્ધા અને સલામતી રહેલાં છે.

શું તમે આનંદપૂર્વક અને નિર્ભયપણે, કોઈ દેખીતી સલામતીની ખાતરી વગર જીવનનું કોઈ મોટું પગલું ઉઠાવી શકો? જો તમને ખ્યાલ હોય કે અમુક વસ્તુ સાચી છે તો તેને નિ:સંકોચપણે અમલમાં મુકી શકો?

શું તમે પૂર્ણ વિશ્વાસથી તમારો હાથ મારા હાથમાં મૂકી કહી શકો કે “તમારી ઈચ્છા પુર્ણ થાઓ?” આ કહેતી વખતે તમે સમગ્ર હૃદય-મનથી તેનો પૂરો અર્થ સમજી, જે થાય તેના સ્વીકાર સાથે નવા અજ્ઞાતમાં પગલાં માંડી શકો?

શ્રદ્ધાને વિકસાવવાનો એક જ રસ્તો છે - નાનાં મક્કમ પગલાં ભરતાં જાઓ, ક્યારેક ભલે થાકી જાઓ, પણ છેવટે શ્રદ્ધા મજબુત થશે અને તમે મોટાં પગલાં ભરી શકશો, વિરાટ કુદકો મારી શકશો. અજ્ઞાતમાં ઝંપલાવી શકશો, કેમ કે તમને ખ્યાલ આવે છે તે હું હંમેશાં તમારી સાથે જ છું

અન્ય પ્રેરક સૂચનો વાંચો:
👉 પ્રેમ કરો સાચા હૃદયથી
👉 દરેક બાબતે કૃતજ્ઞતા અનુભવો


નોંધ: ઉપરનો લેખ એઇલીન કેડી લિખિત ‘ઓપનીંગ ડોર્સ વીધીન(Opening Doors Within)’ લેવામાં આવ્યો છે જે એક વાર્ષિક ડાયરી/રોજનીશી સ્વરૂપના પુસ્તકમાંનું એક પાનું છે.

પુસ્તકમાં તમારા રોજિંદા આધ્યાત્મિક વિકાસ અને ઉન્નતિ માટે સરળ અને સચોટ શૈલીમાં અપાયેલાં વ્યાવહારિક અને પ્રેરક માર્ગદર્શનનાં વિશેષ સૂચનોનો સંગ્રહ છે.

તમે ઇચ્છો તો દિવસની શરૂઆત તે દિવસ માટેનું સૂચન વાંચીને કરી શકો અને તે રીતે તમારા આવનારા દિવસ માટેનું સર્વાંગી માર્ગદર્શન મેળવી શકો કે પછી સવારે ચા-નાસ્તો કરતી વખતે પરિવારના સભ્યો વારાફરતી તેને વાંચે તેવું ગોઠવી શકો અથવા રોજ સવારના નિયમિત ધ્યાનના પાયા તરીકે જે તે દિવસના સૂચનનું વાચન કરી શકો અને રાત્રે વીતેલા દિવસનું મૂલ્યાંકન કરવા ફરી તે જ સૂચનની મદદ લઈ શકો.

તમે તમારી પસંદગી અને ઇચ્છા મુજબ આ સૂચનોનો ઉપયોગ ભલે કરો, પણ એ સૂચનોને તમારી ચેતના સાથે વણતા જાઓ. આજે, કાલે અને દરરોજ. આ વર્ષે, આવતા વર્ષે, હંમેશાં - જ્યાં સુધી તે સૂચનો તમારા અસ્તિત્વનો અંશ બની તમારામાં આત્મસાત્‌ ન બની જાય. જ્યાં સુધી તે અંતરના દ્વાર ખોલવાનું મૌન, મૃદુ અને પ્રેમપૂર્ણ કાર્ય પૂરું ન કરી લે ત્યાં સુધી.

[ભાવાનુવાદ : ઉઘડયાં દ્રાર અંતરના - સોનલ પરીખ, પ્રકાશક : આર.આર.શેઠ એન્ડ કંપની પ્રા.લી., ખાનપુર, અમદાવાદ]