શુભ સંદેશ

જલાલુદ્દીન રૂમી

| 2 Minute Read

ઈરાનના એક વેપારીને અવારનવાર ભારત આવવા-જવાનું થતું. ભારતથી તે એક સુંદર પક્ષી લઈ આવ્યો હતો. પક્ષીને તેણે એના ઘરે પાંજરામાં પૂરી રાખ્યું હતું.

વેપારીને ફરી ભારત જવાનું થયું, તેણે પક્ષીને પૂછ્યું “ભારતથી તારે માટે કંઈ લાવવાનું છે ?”

પક્ષીએ તો ઈચ્છા વ્યક્ત કરી, “મને મુક્ત કરો અને ભારત લઈ જાવ”.

વેપારીએ કહ્યું, “તે તો બની શકે એમ નથી.”

પક્ષીએ નિસાસો નાખ્યો અને વિનંતી કરી “તો પછી મારી જાતિના કોઈ પક્ષીને મારી પરાધીનતાની કથની કહેજો.”

વેપારીએ ભારત પહોંચી પોતાનાં કામ પતાવ્યાં. એ પછી તે જંગલમાં ફરવા નીકળ્યો. જંગલમાં તેણે પોતાના ઘરે હતું એવું જ પક્ષી જોયુ. વેપારીએ એ પક્ષીને પોતાના ઘરના પક્ષીની વાત કરી. એ વાત સાંભળી જંગલનું પક્ષી તરત જ ઝાડની ડાળી પરથી નીચે પડો ઢળી પડ્યું. વેપારીને લાગ્યું કે આ પક્ષી પોતાને ત્યાંના પક્ષીનું કોઈ સગુંવહાલું હશે. પોતાને ત્યાંના પક્ષીની દુઃખભરી કહાણી સાંભળી બિચારું મરી ગયું લાગે છે.

કામ પુરું થયું હોઈ વેપારી ઈરાન પાછો વળ્યો. પાંજરાના પક્ષીએ તેને પૂછ્યું મારી વાત તમે પહોંચાડી હતી કે ? મારા માટે શા ખુશખબર લાવ્યા છો ? વેપારીએ અફસોસ સાથે કહયું,

“તારે માટે ખુશીના કોઈ સમાચાર તો નથી પણ એક દુઃખદ સમાચાર છે.”

“એમ ! શા સમાચાર છે ?” પક્ષીએ ગભરાટથી પૂછ્યું.

વેપારીએ જવાબ આપ્યો, “મેં તારી વાત તારી જાતિના એક પક્ષીને કરી.તરત જ તે પક્ષી દુઃખનું માર્યું મૃત્યુ પામ્યું અને નીચે પડ્યું કદાચ એ તારું કોઈ સગું હશે.”

વેપારીની વાત સાંભળી પાંજરામાંનું પક્ષી પણ પાંજરામાંના તેના ઝુલા પરથી નીચે ઢળી પડ્યું.

વેપારીને પક્ષીના મૃત્યુથી બહુ દુઃખ થયું તેણે પાંજરું ખોલ્યું અને પક્ષીને બહાર કાઢ્યું. તરત જ પક્ષી ઊડીને સામેના ઝાડ પર પહોંચી ગયું. વેપારી આશ્ચર્યથી જોઈ રહ્યો.

પક્ષીએ વેપારીને કહ્યું, “તમે જેને દુ:ખદ ઘટના સમજતા હતા તે મારા માટે સારા સમાચાર હતા. તે પક્ષીએ મને મુક્ત થવા માટેનો માર્ગ બતાવ્યો હતો.”

જલાલુદ્દીન રૂમીની સૂફીકથા દર્શાવે છે કે અજ્ઞાનને કારણે એક જણ જેને દુઃખની ઘટના સમજતો હોય છે તે બીજાને માટે શુભ સમાચાર હોય છે. ઈશ્વરની લીલા આવા શુભ સંકેતોથી ચાલે છે.

[“પાંદડે પાંદડે જયોતિ” માંથી સાભાર, સંક્ષેપ અને સંકલન: મહેશ દવે, પ્રકાશક : ગુર્જર સાહિત્ય પ્રકાશન, અમદાવાદ]