સ્ત્રી – સીરિયલ અને બાકીના સાડા ત્રેવીસ કલાક

અંકિત ત્રિવેદી

| 5 Minute Read

સરોજિની નાયડુને એક વિદેશી મહિલા પત્રકારે પ્રશ્ન પૂછ્યો હતો કે, “ભારતમાં સ્ત્રીઓ આટલી બધી બંગડીઓ કેમ પહેરે છે?”

અને સરોજિની નાયડુએ વિદેશી મહિલા પત્રકારને જવાબ આપ્યો કે, “સાસુને ખબર પડે કે વહુ રસોડામાં કામ કરી રહી છે માટે…!”

સ્ત્રીએ એક જ જિંદગીમાં ઘણી બધી જિંદગીઓ જીવવાની હોય છે. ચોર્યાસી લાખ ફેરાઓનો અર્થ જેટલો જલદી સ્ત્રીઓને સમજાય છે તેટલો આપણને નથી સમજાતો. આપણે તો લગ્નના ફેરામાંય વચ્ચે ઈન્ટરવલ હોવો જોઈએ એવું સુચન કરવાળા આત્મસ્વાર્થી માણસો છીએ!

સ્ત્રી પાસે બધું જ હોય છે અને પોતાનું કહી શકાય એવું કશું જ નથી હોતું ! એણે પિતાના વ્હાલની ઈજ્જત અને પતિના પ્રેમની આબરૂ સાચવવાની હોય છે. આંસુ જેટલાં સ્ત્રીઓની આંખોમાં શોભે છે એટલા પુરુષની આંખોમાં નથી શોભતાં. સ્ત્રીએ ઘણા બધા રોલને અનુરૂપ જીવવાનું હોય છે. હજુ તો એ દીકરી બનીને જિંદગીના બાળપણને પ્રેમ કરતી હોય ત્યાં જ એણે પત્નિ બનીને બીજા રોલમાં ઢળવું પડે છે અને સ્ત્રીઓને પોતાને ગમતો રોલ એની પાસે બહુ લાંબા સમય સુધી ટકી નથી શકતો ! પિયરથી સાસરે જતી દીકરી જ્યારે સાસરામાં પગ મુકે ત્યારે “પત્ની’ બની જાય અને એ જ “પત્ની’ જયારે દીકરા કે દીકરીને જન્મ આપે છે ત્યારે માતા બની જાય છે અને દીકરી, પત્ની, માતા એકાએક સ્ત્રી બની જાય છે.

હવે પોતાનું બાળપણ પોતાના જ દીકરા કે દીકરીના ઊછરતા બાળપણમાં શોધી લેવું પડે છે. હવે છોકરાંઓને ઉછેરતાં ઉછેરતાં દીવાલ પર ફોટો બની ગયેલી મમ્મીની શિખામણો યાદ કરીને જન્મ આપનારી જનેતાને જીવાડવી પડે છે. હવે દીકરો પોતાની પત્નીની ચિંતા કરે છે ત્યારે પોતાના પરનો પ્રેમ ઓછો થઈ જશે એની મુંઝવણમાં ઘરના મંદિરમાં માળા ફેરવતી હોય છે અને સાસુનો જન્મ થતો હોય છે. પોતાનો દીકરો એની પત્નીનાં વખાણ કરે એવા સમયે પોતાના પ્રેમમાં જે સ્થિતપ્રજ્ઞ રહી શકે તે સાચી મા! અને માતૃત્વ એ સ્ત્રીનાં સ્વરૂપોની ભૈરવી છે.

હવે જમાનો બદલાઈ ચુક્યો છે. પોતે સ્ત્રી હોવાની સાથે સાથે મનુષ્ય પણ છે, એના હકો સ્ત્રીઓ માગી રહી છે. એનો જીવનમંત્ર રસોડાના અંધકારમાથી બહાર નીકળીને વિશ્વ સાથે મૈત્રીકરાર કરવા નીકળી ચુક્યો છે. સ્ત્રીઓએ અનહદના આકાશમાં ઊડવાનું શરૂ કર્યું છે. લોભામણી શરતોની ભુલભુલામણીમાં ફસાઈ જાય એ જમાનાને સ્ત્રીઓએ ક્યારનોય અલવિદા કહી દીધો છે. છોકરાને બાઈકની પાછળ બેસાડીને છોકરીઓ ફરવા નીકળે છે ત્યારે રસ્તો પણ મુડમાં આવી જતો હોય એવું લાગ્યા કરે છે!

સ્ત્રીએ ઘણું મનગમતું જતું કરવાનું હોય છે, પણ એનો સ્વભાવ એ ક્યારેય જતો નથી કરી શકતી. એક જ સળી હોય તોપણ માળાને હુંફાળો બનાવી શકે છે. પાંદડું તુટે તો લોહી નીકળવાની વેદનાની એને ચિંતા થાય છે. અને તોરણ બાંધવાનું પણ માંડી વાળે છે. એની ડેલી આમ સૂની અને આમ અવસરિયાથી ભરીભાદરી…! એ કોઈના પણ રડતાં છોકરાને જોઈને હાલરડું ગાઈ શકે છે. ચારણીમાં લોટ ચળાય ત્યારે દરેક આંકામાંથી પસાર થતાં લોટની જેમ સ્ત્રીએ પોતાની હયાતીનો પુરાવો દરેક ભાવસંવેદનમાંથી પસાર થતાં થતાં આપવો પડે છે. લોટ ચળાતો હોય છે ત્યારે થોડોક લોટ હવામાં ઊડી જાય છે. એમ સ્ત્રીનું જીવતર પણ થોડુંક ઊડે છે અને છતાંય એનાથી માયા નથી છુટતી. સીરિયલના અડધો કલાકના વાતાવરણમાં બાકીના સાડા ત્રેવીસ ક્લાક સાથેનું સમાધાન એ સ્ત્રીઓ માટે ફાવટનો વિષય છે. વૃક્ષ પરથી પાંદડું ખરી પડયાના અર્થનો અનુવાદ સ્ત્રીઓના જીવનમાં અલગ અલગ ભુમિકાઓ પરથી થયો હોય છે. કવિ અનિલ જોશીએ આ જ વાતને પોતાના એક ગીતમાં અનુભવી છે….

ઝીણા ઝીણા રે આંકેથી અમને ચાળિયા
કાચા લોટ થઈને ઊડી
માયા તોય હજી ના છૂટી
ડંખે સુખી મેડી ને સુનાં જાળિયાં!

સૂની ડેલીને જઈ પૂછશો ન કોઈ કે
અવસરિયા કેમ નથી આવતા
પાંદડું તુટે તો લોહી નીકળશે ડાળને
એટલે તોરણે નથી બંધાતાં
ઝીણા ઝીણા…

છાપરે ચડીને મારું જીવતર બોલે તો
ઈને કાગડો જાણીને મા ઉડાડજો,
કાયાની પૂણીમાંથી નીકળે જે તાર ઈને
ખાંપણ લગી રે કોઈ પુગાડજો.
ઝીણા ઝીણા…

એક રે સળીને ચકલી માળો માને તો
ઈને રોકી શકાય નહીં,
ઈ રે માળામાં કોઈ ઈંડું મુકે તો
ઈને ફોડી શકાય નહીં.
ઝીણા ઝીણા…

વરસવાની કલા જરૂરી છે પરંતુ વરસ્યા પછીનો ઉઘાડ ભુલવા જેવો નથી. વરસાદ પછીનું ટપક્તું ઝાડ કેટલું બધું બોલકું હોય છે! ઉઘાડ મને ગમે છે. આકાશમાં સંતોષ અને ધરતીના પરિતોષથી વાતાવરણમાં ઠંડક જામે છે. ઋષિના ચહેરા પરની શાંતિ જેવું વાતાવરણ છવાઈ જતું હોય છે. વરસવાનાં બધા જ પ્રકારો માનવજીવન સાથે વણાઈ ગયા છે. સ્ત્રીનો વરસાદ એની આંખોમાં છે. પુરુષનો વરસાદ એના ડૂમામાં છે. સંબંધોના વરસાદને “દીકરી’ કહેવાય છે. ધરતીનો વરસાદ આકાશના ખોળામાં છે. ઋણાનુબંધના વરસાદને “માતા’ કહેવાય છે.

[સાભાર : ઓફબીટ, લેખક: અંક્તિ ત્રિવેદી, પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ]