સુખ વિશે

ખુશવંતસિંહ

| 4 Minute Read

મેં ખુબ જ સંતુષ્ટ જીવન ગાળ્યું છે. ઘણી વાર વિચાર કર્યો છે કે કઈ બાબતો છે જે લોકોને સુખ આપે છે અને વ્યક્તિએ સુખને પામવા શું શું કરવું જોઈએ.

સૌથી પહેલું સુખ છે - સારી તંદુરસ્તી. જો તમે સારી રીતે તંદુરસ્ત નહિ હો તો તમે ક્યારેય સુખી નહીં થઈ શકો. કોઈપણ બીમારી પછી તે નાની હોય કે મોટી તમને સુખથી દુર કરી દેશે.

બીજું સુખ છે - સારું કહી શકાય તેવું બેન્ક-બેલેન્સ. તે કરોડો રૂપિયાનું નહીં હોય તો ચાલશે પરંતુ તે એટલું તો હોવું જોઈએ કે તમે આરામદાયક જીવન જીવી શકો અને આનંદ-વિનોદ પણ કરી શકો. જેમકે બહાર જમવા જઈ શકો, ફિલ્મો જોઈ શકો, ટેકરીઓ પર કે સમુદ્રકિનારે રજાઓ ગાળવા જઈ શકો. નાણાંની અછત વ્યક્તિને નીતિભ્રષ્ટ કરી દેતી હોય છે. ઉધાર કે ઊછીના પૈસા લઈને જીવન જીવવું તેનો કોઈ અર્થ નથી અને વ્યક્તિ પોતાની નજરમાંથી નીચે ઊતરી જાય છે.

ત્રીજું સુખ છે - તમારું પોતાનું ઘર. ભાડાનું ઘર ક્યારેય તમને આશાયેશ કે સલામતી આપી નહિ શકે, જે તમને તમારૂં પોતાનું ઘર આપી શકે છે. જો તે ઘર સામે બગીચાની જગ્યા હશે તો તો ભયોભયો. તમને મનગમતાં વૃક્ષો અને ફૂલો વાવજો, તેને ફૂલ્યાફાલ્યા થતા જોજો અને તેની સાથે ઘરોબો કેળવજો.

ચોથું સુખ છે - સમજુ સાથીદાર, પછી તે પત્ની હોય કે મિત્ર. જો તમારી અને તમારા સાથીદાર વચ્ચે વધુ પડતી ગેરસમજો હશે તો તે તમારા મનની શાંતિ હણી લેશે. આખો વખત ઝઘડા અને કકળાટ કર્યા કરતાં સમજીને છુટાછેડા લઈ લેવા બહેતર વાત બનશે.

પાંચમું સુખ છે - ઈર્ષા કરતાં અટકી જજો. જીવનમાં જેમણે તમારા કરતાં સારુ કર્યું હોય, ઉચ્ય પદવી મેળવી હોય, વધુ નાણાં એકઠા કર્યા હોય અથવા વધુ પ્રસિદ્ધિને પામ્યા હોય તેઓની ઈર્ષા ન કરતા. ઈર્ષાથી તમારૂં મન કાટ ખાઈ જશે માટે બીજાઓ સાથે તમારી સરખામણી કરવાનું ટાળજો.

છઠ્ઠું સુખ છે - તમારી પાસે ખાલીખાલી ગામગપાટા મારવા જે લોકો આવવા માંગતા હોય તેમને આવવા ન દેતા. આવા લોકો જ્યારે ગામ ગપાટા મારીને જાય તે પછી તમને ભયંકર થાક લાગશે અને તેઓની વાતો તમારા મનમાં ઝેર ફેલાવશે.

સાતમું સુખ છે - તમને વ્યસ્ત રાખે તેવી એકાદ બે હોબી-ધૂન વિકસાવજો જેમ કે બાગકામ, વાંચન, લેખન, ચિત્રકામ, સંગીત બજાવવું કે સાંભળવું. કલબો કે પાર્ટીઓમાં જઈને મફતિયા પીણાં પીધા કે પછી કહેવાતા મોટા માણસોને મળવું એ સમયને બરબાદ કરવા બરાબર છે. જે તમને વ્યસ્ત રાખે તેવી કોઈ વસ્તુ કે વાત પર ધ્યાન કેન્દ્રીત કરવું એ મહત્ત્વની વાત છે. મારા જ કેટલાંક કુંટુંબીઓ અને મિત્રો એવા છે જેઓ પોતાનો આખો દિવસ રખડતા કુતરાઓની ચિંતા કરવામાં, તેઓને ખાવાનું આપવામાં અને તેઓને દવાદારૂ આપવામાં વિતાવે છે. બીજા કેટલાંક એવા છે જેઓ હરતું ફરતું (મોબાઈલ ક્લિનિક) ચલાવે છે. અને માંદા મનુષ્યો અને પ્રાણીઓને વિના મૂલ્યે સેવાઓ આપે છે.

આઠમું સુખ છે - રોજ સવારે અને સાંજે પંદર મિનિટ આંતરનિરીક્ષણમાં ગાળજો. રોજ સવારે દસ મિનિટ મનને તદ્દન શાંત અને સ્થિર કરવામાં ગાળવી જોઈએ અને પાંચ મિનિટ તે દિવસે તમારે કરવાનાં કામોની યાદી બનાવવામાં ગાળવી જોઈએ. રોજ સાંજે પાંચ મિનિટ મનને શાંત અને સ્થિર રાખવામાં અને દસ મિનિટ તમે કરવા ધારેલા કામકાજને તપાસી જવામાં ગાળવી જોઈએ.

નવમું સુખ છે - ક્યારેય ગુસ્સે થતા નહિ. પ્રયત્ન કરીને ગુસ્સાબાજ કે વેરભાવનાં રાખવાવાળા ન બનતા. અરે, જયારે ખાસ મિત્ર ઉદ્ધત વર્તન કરે ત્યારે જાણે કશું બન્યું નથી તેમ કરીને દુર જતા રહેજો. વ્યવહાર સાચવીને સારી રીતે જીવવા માટે કાંઈ તમારે ધનવાન હોવું કે સામાજિક રીતે મોભાદાર થવું એ જરૂરી નથી. સારી તંદુરસ્તી અને થોડો આર્થિક સ્થિરતા મહત્ત્વની બાબતો છે, પરંતુ તે વાત તમારે સતત ધ્યાનમાં રાખવી રહી.

[સાભાર : લે. ખુશવંત સિંહ]