સુખી માણસની શોધમાં

રાજ ભાસ્કર

| 2 Minute Read

સીતાપુર નામના એક ગામની બહાર એક હનુમાનજીનું મંદિર હતું. ત્યાં એક બાવો રહે. હનુમાનજીનો ભક્ત, સુખી - સંતોષી અને મસ્તરામ.

એક દિવસ મંદિરે આવેલા એક શ્રીમંતની સુખ સાહ્યબી જોઈને એને ઈર્ષા આવી. એણે દુઃખી થતાં એમને કહ્યું, “તમે ખરે ખર નસીબદાર છો. આટલું સુખ મેં ક્યારેય જોયું નથી.”

શ્રીમંતે જવાબ આપ્યો, “મારે સંતાનો નથી. મારા કરતાં તો ગામના માધવલાલ શેઠ સુખી છે. એમને બે દીકરાઓ છે.”

બાવો માધવલાલનું સુખ જોવા એમની પાસે પહોંચ્યો તો એમણે દુઃખી થઈને જવાબ આપ્યો, “ભાઈ, હું પોતે દુઃખી છું. મારા બંને દીકરા આળસુ અને વ્યસની છે. સુખી તો ગામના વિઠ્ઠલભાઈ શેઠ છે. એમના દીકરા વિદ્વાન, સદાચારી અને મહેનતુ છે.”

બાવો સુખી માણની શોધમાં વિઠ્ઠલભાઈ પાસે પહોંચ્યો એમણે કહ્યું, “ભાઈ મારા દિકરા વિદ્વાન ખરા પણ લક્ષ્મીની કૃપા નથી. એના વગર બધું નકામું. તમે બાજુના ગામના આગેવાન ચીમનભાઈને જુઓ. એમને તો પૈસાની રેલમ છેલ છે. સુખી તો એ છે.”

બાવો ચીમનભાઈ પાસે પહોંચ્યો તો એ પણ રોદણાં રોવા લાગ્યા, “ભાઈ પૈસા છે પણ સંતોષ નથી. દીકરાઓ સાચવતા નથી અને લોકો પણ પીઠ પાછળ ખોદણી કરે છે. હું તો જીવનથી કંટાળી ગયો છું.”

“તો પછી તમારી દષ્ટિએ કોણ સુખી છે?” બાવાએ ચીમનભાઈને પૂછ્યું.

એમણે જવાબ આપ્યો, “સીતાપુર ગામના પાદરે હનુમાનજીનું મંદિર છે. ત્યાં એક બાવો રહે છે. સાંભળ્યું છે કે એ એકદમ મસ્તરામ છે. સંતોષી અને સુખી છે. તમે એને મળો.”

આમ બાવાની સુખી માણસની શોધ સ્વયં પર જ પુરી થઈ.

ટુંકમાં…

સુખ જો ક્યાંય છે તો સ્વયંમાં જ છે બીજે ક્યાંય નથી.
જ્યારે માણસ બીજાઓ માટે સુખ શોધે છે ત્યારે એ પોતે પણ સુખી તો હોય છે.

[સાભાર : સુખ, લેખક: રાજ ભાસ્કર]