સુખી વૃદ્ધત્વ

દિનેશ પટેલ

| 2 Minute Read

પીંપળ પાન ખરંતા, હરતી કૂપળીયાં,
મુજવીતી તુજ વીતશે, ધીરી રહો બાપૂડીયાં !

ઉપરની કાવ્યપંક્તિ મુજબ દરેકના જીવનમાં વસંત અને પાનખર આવતી જ હોય છે.

તો પાનખરમાં ખરવા લાયક પાને, વસંતની નવી કુંપળોને માગ્યા વગર કોઈ સલાહ કે શિખામણ ન અપીને સુખરૂપે તે ઋતુ પસાર કરવી જોઈએ. બસ, આવી જ કંઈક વાત ગ્રીક તત્વચિંતક સોક્રેટીસને એક વૃદ્ધ પાસેથી શીખવા મળી; તે આપની સમક્ષ પ્રસ્‍તુત છે….

ગ્રીક તત્વચિંતક સોક્રેટિસ લોકોને ઉપદેશ આપતા અને લોકોના અનુભવો સાંભળતા અને એમાંથી કોઈ નવું જ્ઞાન પ્રાપ્ત કરતા.

એકવાર તેમણે એક વૃદ્ધ વ્યક્તિ સાથે વાતચીત કરવા માંડી. વૃદ્ધે પોતાના જીવનની ઘણી-ઘણી વાતો સૉક્રેટિસને કહેવા માંડી, અત્યાર સુધીના પોતાના જીવનમાં બનેલી નાની-મોટી, સારી-ખરાબ અને લાભકારક-બિનલાભકારક ઘટનાઓનું વૃદ્ધે સુંદર રીતે બયાન કર્યું. આથી સૉક્રેટિસને એમાંથી ઘણું ઘણું જાણવાનું મળ્યું.

પોતાનો આનંદ વ્યક્ત કરતાં સૉક્રેટિસે વૃદ્ધને કહ્યું : “ખરેખર, આપના ભૂતકાળની આ ઘટનાઓમાંથી મને ઘણું બધું જાણવા મળ્યું ! પણ હવે મારે આપની પાસેથી એ જાણવું છે કે, અત્યારે આપ આપની આ વૃદ્ધાવસ્થામાં શું કરો છો?”

વૃદ્ધ બોલ્યો : “જિંદગીભરની મારી તમામ કમાણી મેં મારા પુત્રોને આપી દીધી છે. હવે હું પુત્રો જેમ કહે તેમ કરૂં છું. એ બેસાડે ત્યાં બેસું છું. અને સુવાડે ત્યાં સૂઈ જાઉં છું, એ ખવડાવે તે ખાઉં છું. છોકરાઓનાં છોકરાઓને રમાડીને દિવસ ગાળું છું. પુત્રોના કોઈ કામને આડે હું આવતો નથી. પુત્રો કંઈ ભૂલ કરે તો યે મૌન બેસી રહું છું.

હા, જો તેઓ મારી સલાહ લેવા આવે તો તેમને સલાહ જરૂર આપું છું. સલાહ આપતાં હું મારી જિંદગીના અનુભવો તેમને કહી સંભળાવું છું, જેના પરથી તેઓ પોતાના જીવનમાં કશોક ધડો લઈ શકે !

મારી સલાહનો અમલ થાય છે કે નહિ તે હું કદી જોતો નથી. તેઓ મારા કહ્યા મુજબ જીવન ગુજારે એવી મને કોઈ અપેક્ષા નથી. તેઓ કશીક ભૂલ કરે તોયે તેમને હું કશું કહેતો નથી.

હા, તેઓ એવી ભૂલ ફરીથી ન થાય તે માટે શું કરવું એની સલાહ લેવા મારી પાસે આવે તો હું તેમને એ બાબતે યોગ્ય સલાહ આપું છું.

આ બધાથી હું કોઈને અપ્રિય બનતો નથી; બલ્કે, બધાનો પ્રિય બન્યો છું, મારી વૃદ્ધાવસ્થા આ રીતે સુખમાં પસાર થાય છે.”

સોક્રેટિસને એ દિવસે સુખી વૃદ્ધાવસ્થાનું સાચું રહસ્ય જાણવા મળ્યું !

[દિનેશ પટેલ લિખિત “જીવન સાફલ્યની વાટે” માંથી સાભાર, પ્રકાશક : સંસ્કૃતિ પબ્લિકેશન, પાલનપુર, બનાસકાંઠા]