સ્વદેશી ધર્મ - પડોશીધર્મ

કાકાસાહેબ કાલેલકર

| 1 Minute Read

બાપુ જેની સાથે વાતચીત કરે તેની રહેણીકરણી, તેનો ધર્મ, તેની રુચિઅરુચિ એ બધાનો બહુ ખ્યાલ રાખતા.

એક દિવસ એક ખ્રિસ્તી ભાઈનો પત્ર આવ્યો હતો. તેમાં તેમણે સ્વદેશી વિશે પ્રશ્ન પૂછ્યો હતો.

બાપુએ જવાબમાં લખ્યું, “સ્વદેશીધર્મ એ બાઈબલના ઉપદેશનું એક અમલી સ્વરૂપ છે. ઈસુ ખ્રિસ્તે કહ્યું છે ને કે પોતાની જાત પર જેટલો પ્રેમ રાખો તેટલો જ તમારા પડોશીઓ પર રાખો. કોઈ માણસ પોતાની પડોશના દુકાનદારને છોડી કોઈ દુરના દુકાનદાર પાસેથી ખરીદી કરે તો તે પોતાનો પડોશીધર્મ ચુકીને સ્વાર્થને વશ થઈ એટલે દુર જાય છે. તેના પડોશીએ પોતાની આજુ બાજુના ગ્રાહકોને આશરે જ દુકાન ખોલી હશે ને? સ્વદેશી ધર્મ કહે છે કે, પડોશીનો તમારા પર અધિકાર છે. તેનો તમે દ્રોહ ન કરશો.”

“તમારા પડોશી પર પ્રેમ રાખો” નો પૂરો અર્થ બાપુનો આ પત્ર વાંચ્યા પછી જ હું સમજ્યો.

[સાભાર: “બાપુની ઝાંખી”, લેખક: કાકાસાહેબ કાલેલકર]