તકનો ઉપયોગ

નિલેષ મહેતા

| 2 Minute Read

ગામની એક ઊંચી જગ્યા ઉપર શિવજીનું મંદિર હતું. ઘણું પૌરાણિક હતું અને સુપ્રસિદ્ધ હતું. તેના પૂજારીની શિવજી ઉપર ખૂબ શ્રદ્ધા હતી. પૂરી શ્રદ્ધાથી મંદિરનું સંચાલન કરતા હતા અને શિવજીની પૂજા કરતા.

એક ચોમાસામાં ઘણો વરસાદ પડ્યો. ગામનાં તળાવ, નદી, ડેમ બધાં ભરાઈ ગયાં પણ વરસાદ પૂર જોશથી વરસતો હતો. ઉપરવાસમાં ખૂબ જ વરસાદ પડવાથી ડેમમાં ઘણું પાણી ભરાઈ ગયું અને ડેમ તે પાણી ઝીલી શક્યો નહીં અને ડેમ તુટી પડ્યો. મંદિરના પૂજારીએ પણ જોયું કે ડેમ તૂટી પડ્યો છે. થોડી જ વારમાં ગામ જળબંબાકાર થઈ ગયું. પૂજારીને પણ થોડી બીક લાગી પણ શિવજી ઉપર પૂરી શ્રદ્ધા હતી કે તેને કોઈ મુશ્કેલી નહીં પડે.

ગામમાં ખૂબ જ મોટી હોનારત આવી. ખૂબ જ પાણીનું પૂર આવ્યું. ઘણા લોકો ગામ મૂકી નાસી છુટ્યા હતા. બીજા કેટલાક બચવા માટે હોડીમાં બેસી ભાગતા હતા.

પાણી મંદિર આજુબાજુ કરી વળ્યું. ત્યારે એક હોડી પસાર થઈ. તેમાં બેઠેલા લોકોએ પૂજારીને કહ્યું, “હોડીમાં બેસી જાઓ.”

પૂજારીએ શાંતિથી જવાબ આપ્યો, “મારે બેસવાની જરૂર નથી. મને વિશ્વાસ છે કે શિવજી મને બચાવશે.”

હોડી તો વહેતી થઈ. પાણી સતત વધતું ગયું અને મંદિરની અંદર ફરી વળ્યું તેટલી વારમાં બીજી હોડી પસાર થઈ. તેમાં બેઠેલા લોકોએ પણ પૂજારીને હોડીમાં આવી જવા કહ્યું પણ પૂજારીએ ના પાડી, “હું મંદિર નહીં છોડું, મને શિવજી ઉપર પૂરો ભરોસો છે. તે જ મારૂં રક્ષણ કરશે.”

પછી તો પાણી ખૂબ જ વધતું ગયું. સરકારે પૂજારીને બચાવવા માટે હેલીકોપ્ટર મોકલ્યું પણ પૂજારી મંદિરની ધ્વજાની ટોચ પર ચડી ગયા ત્યાં પાણી વધતુ ગયું. પૂજારીએ ફરી તે જવાબ આપ્યો કે મારે મંદિર નથી છોડવું મને શિવજી જરૂર બચાવશે પણ પાણી ખૂબ જ ઝડપથી વધતું ગયું અને પૂજારી ડૂબી ગયા.

પૂજારી સ્વર્ગમાં ગયાં. તેમણે શિવજીને ફરિયાદ કરી “મેં તમારામાં કેટલો બધો વિશ્વાસ રાખ્યો હતો. તમે મને કેમ ન બચાવ્યો ?”

શિવજીએ કહ્યું, “મેં તને બચાવવા માટે ત્રણ ત્રણ તક આપી હતી.”

ભગવાન મનુષ્યને તક આપે છે તે તકનો સમય મુજબ ઉપયોગ કરવો જોઈએ. હાથ જોડીને બેસી રહીએ તો ભગવાને મોકલેલી મદદ પણ કામ ન આવે.

[નિલેષ મહેતા લિખિત “ક્ષણે ક્ષણે ઉજાસ” માંથી સાભાર, પ્રકાશક : નવયુગ પુસ્તક ભંડાર, રાજકોટ]