...તો એ મિથ્યા છે
કુન્દનિકા કાપડીઆ
હું વ્રત, એકટાણાં, ઉપવાસ કરૂં
અને મારા મનમાંથી ગુસ્સો ઈર્ષ્યા ડંખ નિર્મૂળ ન થાય,
તો મારૂં એ તપ મિથ્યા છે.
હું મંદિરે જાઉં, ફૂલ ચડાવું, માળા ગણું
અને મારાં કર્મમાંથી સ્વાર્થ લોભ મોહ નિર્મૂળ ન થાય,
તો મારી એ પૂજા મિથ્યા છે.
હું જપ કરું, સત્સંગ કરૂં, ધ્યાન કરૂં
અને મારા ચિત્તમાંથી અહંકાર અભિમાન મોટાઈનો ભાવ નિર્મૂળ ન થાય,
તો મારી એ ઉપાસના મિથ્યા છે.
હું એકાંતમાં જાઉં, વૈરાગ્ય ગ્રહું, મૌન પાળું
અને મારી ઈચ્છાઓ-વૃત્તિઓનું શમન ન થાય,
મારો દેહભાવ ઢીલો ન પડે,
તો મારી એ સાધના મિથ્યા છે.
હે પરમાત્મા, હું પ્રાર્થના કરું ને તમારૂં નામ લઉં
અને મારા જીવનમાં પ્રેમ કરૂણા મૈત્રી આનંદ પ્રગટ ન થાય,
તો મારો તમારી સાથેનો સંબંધ મિથ્યા છે.
પ્રાર્થના કરવી એટલે ફરી ફરી શબ્દો ઉચ્ચારવા એમ નહિ; પ્રાર્થના એટલે પરમાત્મા સાથે ગોઠડી, પરત્માનું ચિંતન અને અનુભવ.
— સ્વામી રામતીર્થ
[કુન્દનિકા કાપડીઆ લિખિત “પરમ સમીપે” માંથી સાભાર]
હૃદયસ્પર્શી પ્રાર્થનાઓનો અદ્ભુત સંગ્રહ. જીવનમાં આવતા પ્રસંગો અને જુદી જુદી અવસ્થામાં આસ્થા જગાડતું, ટકાવતું અને સંવર્ધિત કરતું ખુબજ સુંદર પુસ્તક.
[પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર, ગાંધીરોડ, જૈન દેરાસર સામે, અમદાવાદ]