તું જ કાશી, તું જ કાબા...

સુધા મૂર્તિ

| 17 Minute Read

રહેમાન બી.પી.ઓ.માં કામ કરતો એક મૃદુભાષી યુવાન હતો. શનિ-રવિની રજાના દિવસોમાં એ અમારા ફાઉન્ડેશનના કામમાં મદદ કરતો. અકારણ એ કાંઈ બોલતો નહીં અને પોતાની સિદ્ધિઓ વિશે તો ક્યારેય નહિં. અનાથાશ્રમનાં બાળકો માટે હંમેશાં પોતાના ખિસ્સાના ખર્ચીને ચોક્લેટ લાવતો. મને એ ઘણો ગમતો.

અમે ઘણું કામ સાથે કરતાં. એટલે એ જાણતો હતો કે હું ઉત્તર કર્નાટકના ધારવાડ જિલ્લાની છું. મારી બોલીમાં એ છાંટ અમસ્તીયે વર્તાય. મારો ધારવાડી ભોજનપ્રેમ પ્રખ્યાત હતો. એટલે એક દિવસ રહેમાન મને કહે “મેડમ આ રવિવારે જો તમે ખાસ વ્યસ્ત ન હો તો ઘરે આવશો? મારી મા બહેન આવવાનાં છે.”

જોગાનુજોગ મારી મા પણ ધારવાડ બાજુની છે. એ લોકોએ તમારા લગભગ બધા કન્નડ લેખો અને પુસ્તકો વાંચ્યાં છે. એમને ખબર પડી કે હું તમારી સાથે કામ કરું છું તો એ લોકો ખુશ થઈ ગયાં.

“એ લોકો તમને મળવા માગે છે, તો શું તમે અમારી સાથે ભોજન લેશો?”

“શું તું મને સ્વાદિષ્ટ ધારવાડી જમણની ખાતરી આપે છે?”, મેં મજાક કરી.

“હા, સો ટકાની ખાતરી આપું છું. મારી મા ખૂબ જ સરસ રસોઈ બનાવે છે.”

“જવા દે રહેમાન, એમ તો દરેક વ્યક્તિ પોતાની માનાં વખાણ જ કરે, ભલેને પછી એ ગમે તેવું બનાવતી હોય. એ તો માનો પ્રેમ છે, જે કોઈ પણ વાનગીને સ્વાદ બક્ષે છે.”

“એવું નથી. એ ખરેખર શ્રેષ્ઠ રસોઈ બનાવે છે, એવું મારી પત્ની પણ સ્વીકારે છે.”

હવે તો મારે માન્યે છૂટકો, કારણ કે કોઈ પુત્રવધૂ પોતાની સાસુની રસોઈનાં વખાણ અકારણ તો ન જ કરે.

“બાકી, એ ધારવાડમાં ક્યાંનાં છે?”

એણે રાણે બેન્નુર નજીકના કોઈ ગામનું નામ તો કહ્યું પણ મને સાંભર્યું નહીં. ખેર ભોજનનું નિમંત્રણ મેં પ્રેમથી સ્વીકાર્યું.

એ રવિવારે હું થોડાં કુલ લઈને એમને ઘેર ગઈ. બન્નેરઘટ્ટા રોડ પર ઝુની નજીક એમનું નવું મકાન આવેલું હતું. ઘરમાં દાખલ થતાં જ એની પત્ની સલમા મળી. સલમા આકર્ષક ને હોશિયાર લાગતી હતી. નજીકના બાલમંદિરમાં એ શિક્ષકા હતી.

પછી રહેમાને એની અવ્વા ને બોલાવી. ઉત્તર કર્ણાટકમાં માને અવ્વા કહે છે. ધોળાવાળવાળી એક વૃદ્ધ સ્ત્રી રસોડામાં થી બહાર આવતાં જ રહેમાને કહ્યું, “આ મારી મા.” મને થોડું અચરજ થયું એમણે કપાળે ચારઆનીના સિક્કા જેવડો મોટો ચાંદલો કર્યો હતો. જથ્થાબંધ લીલી બંગડિઓ ને ઈલ્ક્લ સાડીમાં એ સજ્જ હતાં, અને સાડીનો છેડો માથા પર ઓઢેલો હતો. એમના ચહેરા પર સંતોષપૂર્ણ સ્મિત ફરકતું હતું. મને જોતાં જ એમણે હાથ જોડીને નમસ્તે કહ્યું…!

બીજા રૂમમાંથી રહેમાનની બહેન બહાર આવી. એ રહેમાનથી સાવ જુદી દેખાતી હતી. રહેમાન રૂપાળો ને દેખાવડો જ્યારે એની બહેન ઊંચી ને શ્યામવર્ણી. એણે સુતરાઉ સાડી પહેરી હતી ને એની મા કરતાં થોડો નાનો ચાંદલો કર્યો હતો અને હાથમાં સોનાની બે બંગડીઓ પણ પહેરી હતી. રહેમાને ઓળખાણ આપી આ મારી બહેન ઉષા. એ હીરેકરુર ગામમાં રહે છે. એ અને એના પતિ બંને શાળામાં શિક્ષક છે.

રહેમાની મા અને બહેનને જોઈને હું થોડી ગુંચવાઈ. દેખાવને લીધે જ તો. પણ કાંઈ બોલી નહીં.

હું બેઠી. પછી ઉષાએ કહ્યું,”મેડમ અમને તમારી વાર્તાઓ ખૂબ ગમે છે. એ ક્યાંક અમને અમારી પોતાની વાત લાગે છે. તમારી કેટલીક બાળવાર્તાઓ હું તો શાળામાં શીખવું છું.”

સલમાએ પણ એની વાતમાં સુર પુરાવ્યો, “અરે, મને પણ એ બહુ ગમે છે. પણ મારા વિદ્યાર્થી એ માટે હજી થોડા નાના પડે છે.”

હવે રહેમાને વાતનો દોર પોતાના હાથમાં લીધો અને એની દિશા બદલતાં કહ્યું, “મારી મા અને બહેન ને જોઈને તમને નવાઈ લાગી હશે ખરું ને? હું આજે તમને મારી જિંદગીની કહાણી કહેવા માગું છું.”

એની મા રસોડામાં ગયાં. સલમા એમની મદદમાં જોડાઈ. ઉષા અમારા માટે ટેબલ સાફ કરવામાં પરોવાઈ ને હું રહેમાનની વાર્તામાં…

“બહેન તમે એમ વિચારો છો ને કે હું મુસ્લિમ છું તો મારી મા અને બહેન હિન્દૂ કેમ?! માત્ર તમે જ મારી જીવનકથનીને સાચી રીતે સમજી શકશો. કેમ કે મેં તમને કોઈ પણ જાતના પૂર્વગ્રહ વગર બધાય ધર્મના લોકોને સહાય કરતાં જોયાં છે. મને બરાબર યાદ છે, તમે મને જે કહ્યું હતું કે આપણો જન્મ કઈ જ્ઞાતિમાં થાય એ આપણા હાથમાં નથી. એટલે આપણી જ્ઞાતિને ક્યારેય આપણી ઓળખ માનવી નહીં.”

થોડું અટકીને એણે કહ્યું, “બહેન હું પણ એમ જ માનું છું. કેમ કે મારો ઉછેર જ એવી પરિસ્થિતિમાં થયો છે. આજે વાત જ નહીં પણ મારા વિચાર પણ તમારી સાથે વહેંચવા માગું છું.”

ને એણે વાત શરૂ કરી…

“ત્રીસ વર્ષ પહેલાંની વાત છે. કાશીબાઈ ને દત્તુરામ એમની છ મહિનાની ઉષા સાથે અમારા ગામની ભાગોળે રહેતાં. મુંબઈ રહેતા શ્રીકાંત દેસાઈની દસ એકર જમીનની એ સંભાળ રાખતા. શ્રીકાંત વર્ષમાં ખાલી એક વાર મહેસૂલ લેવા આવતા. ખેતર ખુબ મોટું હોવાથી કાશીબાઈ ને દતુરામને એની દેખરેખ રાખવામાં મુશ્કેલી પડવા લાગી. એમણે જમીનદારને એમની મદદ માટે વધુ એક પરિવારને લઈ આવવા કહ્યું. કોઈ સાથે હશે, એ વિચારથીય આ લોકો ખુશ હતા. શ્રીકાંતે થોડી તપાસને અંતે એક કુટુંબની ભાળ મેળવી. ફાતીમાબીબી ને હુસેનસા’બ આવી પહોંચ્યાં. કાશીબાઈ ને દત્તુરામ જે ઘરમાં રહેતાં, એના જ અર્ધા ભાગમાં હવે આ લોકો રહેવા લાગ્યાં. હુસેનસા’બ ને દત્તુરામને સારું ભળી ગયું પણ… ફાતીમાબીબી ને કાશીબાઈનું કેમેય કરી જામે નહીં. બેય એકબીજાનું મોઢું સુધ્ધાં જોવા તૈયાર નહીં. બેમાંથી કોઈ ખરાબ નહોતું પણ બેય સ્વભાવે સાવ જુદાં. કાશીબાઈ ખુબ બોલકાં મળતાવડાં ને મહેનતું. જ્યારે ફાતીમાબીબી ચૂપચાપ, એકલસૂડાં ને આળસું. આમ ઝઘડો અનિવાર્ય ને એના મૂળમાં હતી એક મરઘી. કાશીબાઈની મરઘી ફાતીમાબીબીના આંગણામાં જઈને ઈંડાં મૂકી આવે. ફાતીમાબીબી એ પાછાં ન આપે એને મન તો એની મરઘીનાં ઈંડા હતાં એ. કાશીબાઈએ એના ઈલાજ તરીકે પોતાની મરઘીને રંગી નાખી.એટલે પછી આ પ્રશ્ન ન રહે પણ પ્રશ્ન એમ થોડો પતે છે ! ઘર વચ્ચે કૂવો એક જ તો બંનેનો વાસણ-કપડાં ધોવાનો સમય પણ… આટલું ઓછું હોય તેમ બંનેના બકરીબાઈ… ફાતીમાબીબીની બકરી જઈને કાશીબાઈની પૂજાનાં ફુલ ને પાંદડાં ચાવી જાય, તો કાશી બાઈની બકરી જાણે વેર વાળવા ફાતીમાબીબીનાં આંગણાને પાવન કરી આવે… ને એનો પ્રસાદ (!) પણ ફાતીમાબીબી જ રાખી લે…! હા, એ પ્રસાદ એટલે બકરીની લીંડી…

“અરે પણ એ લીંડી શું કામની?!”, હું વચ્ચે બોલી પડી.

“એનું ખાતર બહુ સારું થાય.”

“ઓહ! હવે સમજી. પછી?”, મને વાત સાંભળવાની અધીરાઈ હતી.

એમના ઝઘડા આમ ને આમ ચાલતા રહ્યા. કાશીબાઈને થયું કે જમીનદારને પાડોશી લઈ આવવાનું જ એણે ખોટું કહ્યું. ફાતીમાબીબી વગર જ એ વધુ ખુશ હતી. આ બાજુ ફાતીમા પણ અહીંથી જવા માગતી હતી, પણ હુસેનસા’બ તૈયાર નહોતા, તમે બંને સ્ત્રીઓ નકામી બાબતોમાં ઝઘડ્યા કરો છો. આપણા માટે પૈસા કમાવાની અહીં સારી તક છે. આ જમીન ઉપજાઉ છે અને અહીં પાણીય પુષ્કળ છે. આપણા જમીનદાર સારા માણસ છે ને ક્યારેક જ આવે છે. એટલે આપણે ધારીએ તો સરળતાથી અહીં શાકભાજી ઉગાડી શકીએ. આવું બીજે ક્યાં મળે? તું પણ કાશી બાઈની જેમ થોડી કામે વળગ ને તારો અહમ્‌ છોડ. થોડું વિચારીને સમજપૂર્વક રહેવાનો પ્રયત્ન કર. મકાનની બીજી તરફ પણ આજ માહોલ. દત્તુરામ કાશીબાઈને સમજાવતો હતો, આટલી બધી જબરી ન થા. ફાતીમાની જેમ થોડી ટાઢી પડ. એ આળસુ છે એ ખરું પણ સ્વભાવની સારી છે. પણ આ તો રહી વહુઆરુઓ… વરનું કીધું તે કાંઈ કરે…!

સમય જતાં કાશીબાઈની ઉષા બે વર્ષની થઈ. ફાતીમાને છોકરાં બહુ ગમતાં, એટલે ઉષાને એ આંગણામાં રમતી જોઈ રહેતી. એમને મહેંદી લગાવવીયે ગમતી. મહેંદીના પાન વાટીને એ પોતાના હાથ રંગતી ને સાથે ઉષાને જોડતી એને મહેંદીનો નાંરગી રંગ ખુબ આકર્ષતો. ઘરે આવી એ એની માને કહેતી મા તુંય કેમ ફાતીમા કાકુની જેમ હાથે રંગ નથી લગાડતી? એમની ભાષામાં કાકુ એટલે કાકી, માસી કે ફઈ.

કાશીબાઈ આ સાંભળીને અકળાઈ જતી. એ ફાતીમાને હાથે મહેંદી રંગીને આમ બેસી રહેવું પોસાય. એને તો શું છે? કામે તો એનો વર જાય છે, રસોઈમાં પણ એ મદદ કરાવે છે. પોતે તો ખાલી બેઠી-બેઠી રેડિયો સાંભળ્યા કરે છે. જો તારા બાપા મને આ બધું કરાવવાના હોય તો હુંય મારા હાથે મહેંદી લગાવું. આ બધું સાંભળતી હોવા છતાં ફાતીમાનો નાનકડી ઉષા માટેનો પ્રેમ યથાવત્‌ રહેતો.

ફાતીમા મા બનવાની હતી. હવે એ વધુ આળસુ થઈ ગઈ ને આ વખતે કારણ હતું એની પાસે. બાળક આવવાનો સમય નજીક હતો એટલે એના એક સંબંધી બહેન એની સંભાળ લેવા આવ્યાં હતાં. થોડા દિવસો પછી ગામડામાં કોઈ તહેવાર હતો, એટલે દત્તુરામનો પરિવાર એમાં ભાગ લેવા ગયો હતો. ત્યાંથી પાછા ફરતાં સમાચાર મળ્યા કે ફાતીમાને ત્યાં પુત્ર જન્મ થયો પણ એની પોતાની તબિયત સારી નહોતી. બધાં હોસ્પિટલમાં હતાં. ઘરમાં સૂનકાર હતો. એ સૂનકાર કાશીબાઈ માટે અસહ્ય થઈ પડ્યો. ફાતીમાની તબિયત વિશે સાંભળીને એ ચિંતામાં રડવા માંડી… ને બીજે દિવસે સમાચાર આવ્યા કે ફાતીમા હવે આ દુનિયામાં નથી રહી.

હવે પાછળ એકલા રહ્યા હુસેનસા’બ ને એનો આ કુમળો દીકરો. પેલી સંબંધી બહેન તો થોડા દિવસોમાં જતી રહી. આવડા નાના બાળકને સંભાળવું હુસેનસા’બ માટે દુષ્કર થઈ પડ્યું અને એ લોકોનાં આર્થિક રીતે સધ્ધર હોય એવાં કોઈ સગાં પણ નહોતાં કે જે આ બાળકને સાચવી શકે. મોટા ભાગના મજુરી કામ કરીને પોતાની રોજી પણ માંડ રળી શકતાં ત્યાં આ નાનકડા છોકરાનો બોજ કેમ ખમી શકે? દત્તુરામ દયાળુ હતો. એ હુસેનસા’બ ના ભાગનું ખેતરનું ઘણું ખરું કામ પોતે કરી લેતો, પણ છોકરું ઉછેરવું ને તેય એક્લા હાથે. એ કાંઈ ડાબા હાથનો ખેલ થોડો છે?!

છોકરું એક વાર કજિયે ચડ્યું. આખી રાત રોયા કર્યું. કાશીબાઈથી હવે સહન ન થયું. આખરે એ તો છોકરું ને ગમે તેમ તોય પુરુષ એ પુરુષ અને સ્ત્રી એ સ્ત્રી. છોકરુંય હાથ તો વરતે ને… એની અંદરની મા જાગી ઊઠી. વરને કહેવાનીય રાહ જોયા વગર એ હુસેનસા’બ ના દરવાજે જઈ પહોંચી. “હુસૈની, છોકરો મને આપી દે, હું એક મા છું, ને હું સારી રીતે જાણું છું કે એને કેમ સંભાળવો.” છોકરાને તેડી ફરતે સાડીનો છેડો વીંટાળી છાતીસરસો ચાંપીને એને પોતાના ઘરે તેડી આવી ને છોકરોય શાંત થઈ ગયો! કેટલાય વખતે આજે પહેલી વાર હુસેનસા’બ શાંતિથી આખી રાત સૂઈ શક્યા.

સવાર પડતાં જ કાશીબાઈએ હુસેનસા’બને કહ્યું, “તમે બીજા નિકાહ નહી પઢો ત્યાં સુધી છોકરાને હું સંભાળીશ. તમે નચિંત થઈ જાઓ.” કાશીબાઈના મનમાંથી ફાતીમા માટેની કડવાશ સાવ ઓસરી ગઈ હતી. ઊલટાનું એને પોતાની જાત ઉપર શરમ આવી કે ફાતીમા સાથે થોડું સદ્વ સદ્દવર્તન દાખવ્યું હોત તો… હવે એને ફિકર નહોતી બકરીનાં લીંડાં કે મરઘીનાં ઈંડાંની… એને પરવા હતી તો માત્ર નાના છોકરાની…

છોકરાનું નામ પાડ્યું રહેમાન. હુસેનસા’બ કાયદો અને પરિસ્થિતિ સાનુકૂળ હોવા છતાં ફરી વાર ન પરણ્યા…! રહેમાન કાશીઅવ્વા અને ઉષાઅક્કાના પ્રેમ વચ્ચે ઊછરવા લાગ્યો. રાતે એ પિતા સાથે સૂતો અને સૂરજ ઊગતાં જ કાશીબાઈ પાસે દોડી આવતો. ઉષા જાતે નહાઈ લેતી ને નાનકડા રહેમાનને કાશીબાઈ નવરાવતી. પછી બંનેને નાસ્તો ખવરાવી બપોરનું જમવાનું ડબ્બામાં દઈને કાશીબાઈ એમને શાળા એ મૂકી આવતી. ઉષા બે વર્ષ મોટી હતી છતાં એને રહેમાનની સાથેના જ વર્ગમાં કાશીબાઈએ દાખલ કરી હતી… (આ તે કેવી મા, જેણે પોતાની દીકરીનાં ભણતરનાં બે વર્ષનીય પરવા ન કરી…!) એ બંને બપોરે ભણે એ દરમિયાન કાશીબાઈ ખેતરે કામ કરતી, ને સાંજે વળતાં બેયને શાળાએથી પાછાં લઈ આવતી. રાતનું જમવાનું રહેમાન એના અવ્બા સાથે લેતો અને ત્યાં જ રહી જતો.

આ જીવન ચક્ર આમ ને આમ દસ વર્ષ ચાલ્યું. હવે રહેમાન દસનો ને ઉષા બારની થઈ હતી. એવામાં હુસેનસા’બ બીમાર પડ્યા એમની તમામ પૂંજી દવામાં ખરચાતી ગઈ. આ બાજુ કાશીબાઈએ બે ભેંસ ખરીદી ને દુધની આવકને લીધે એ એના વર કરતાં વધુ કમાવા લાગી.

એ જ વર્ષમાં હુસેનસા’બ ક્ષયની બીમારીથી મરણ પામ્યા. રહેમાન સાવ એક્લો થઈ ગયો. હુસેનસા’બની દફનવિધિમાં માત્ર એક જ દુરના સગા આવ્યા ને એમણે મુલ્લાને કહ્યું કે રહેમાનની સંભાળ હવે એ રાખશે… સંભાળવાની વાત તો દુર, એ રહેમાનને લેવા પણ ન આવ્યા. ને કાશીબાઈ-દત્તુરામે એક પળનોય વિચાર કર્યા વગર એને પોતાને ત્યાં લઈ લીધો. રહેમાન પણ રાજી થયો.

કાશીબાઈ રહેમાનના ધર્મ બાબતે ખૂબ જાગૃત હતી. દર શુક્રવારે એ રહેમાનને નમાઝ પઢવા મોકલતી અને રજાના દિવસોમાં મસ્જિદમાં કુરાન પઢવા… ગામમાં મુસ્લિમ બહુ ઓછા હતા, તેમ છતાં તેના બધા તહેવારોમાં એ રહેમાનને અચૂક ભાગ લેવડાવતી અને હા, ઘરના બધાં હિન્દુ તહેવારો માં તો રહેમાન સાથે જ… એ લોકોએ બંને છોકરાંઓ માટે જુદી-જુદી સાઈકલ ખરીદી. હવે બેય છોકરાંઓ સાઈકલ પર શાળાએ જતાં ને એ જ સાઈકલ લઈને બંને કોલેજે જતાં થયાં.

જોતજોતામાં બેય સ્નાતક થઈ ગયાં. એ દિવસે કાશીબાઈએ રહેમાનને પોતાની પાસે બોલાવ્યો, “કમનસીબે, તારાં અબ્બા - અમ્મીનો એકે ફોટો આપણી પાસે નથી પણ વાંધો નહીં. તું મક્કા તરફ જોઈને અલ્લાહ પાસે દુઆ માગ, અને મનોમન હુસેનસા’બ ને ફાતીમાબીબીના આશીર્વાદ લે. તું હવે આત્મનિર્ભર થઈ ગયો છે. ઉષાનાં આવતા મહિને લગ્ન લેવાઈ જશે. આજે તમારા બેયની જવાબદારીમાંથી હું મુક્ત થઈ.”

કાશીબાઈની આવી લાગણી અને શ્રદ્ધાથી રહેમાન ગળગળો થઈ ગયો. એની મા તો એણે જન્મતાં જ ગુમાવી દીધી હતી. એટલે એનો ચહેરોય કેમ યાદ હોય…! એણે અલ્લાહ પાસે દુઓ માગીને કાશીબાઈને પગે લાગ્યો. “અવ્વા, મારાં તો તમે જ અમ્મી ને તમે જ મક્કા…”

અલ્લાહ ને અમ્મીના આશિષથી રહેમાનને બેંગ્લોરમાં એક બી.પી.ઓ.માં નોકરી મળી ગઈ. થોડાં વર્ષો એણે જુદી-જુદી કંપનીઓમાં કામ કર્યું. હવે અનુભવની સાથે-સાથે એનો પગાર પણ વધવા લાગ્યો. એક મિત્રના લગ્નમાં સલમાને જોતાંવેત એ એના પ્રેમમાં પડી ગયો. પણ પરણ્યો કાશીબાઈ ને દત્તુરામની મંજૂરી મેળવ્યા પછી જ…

વાતા પુરી કરતાં રહેમાનને ગળે ડુમો ભરાઈ આવ્યો.

હું દિગ્મુઢ. આ કાશીબાઈ અભણ?! ભલભલું ભણતર પણ એનાં આ અભણપણાં સામે નતમસ્તક… માનવતાનું જે મૂલ્ય એણે આંક્યું. એ ક્યાં બધાનાં ગજાંની વાત…! એના હૃદયની વિશાળતા તો જુઓ કે બીજાના બાળકને પોતાનાની જેમ ઉછેર્યો અને સાથે ઉછેર્યો એનો ધર્મ પણ…!

જમવાનું જો પીરસાયું ન હોત, તો હજીય આ માનસયાત્રામાંથી હું પાછી ન ફરત. સ્વાદિષ્ટ ભોજન આરોગનતાં મેં કહ્યું, “ઉષા અત્યારે તું અહિં કઈ રીતે?”

“મારે શાળામાં રજા હતી ને મેં થોડી વધુ જોડી દીધી જેથી પંચમીના હું અહીં આવી શકું.”

ઉત્તરમાં જેમ રક્ષાબંધન છે, તેમ લોકો અહીં પંચમી મનાવે છે. અહિં ખાસ કરીને પરણેલી બહેન પોતાના ભાઈને ત્યાં આવે અને બંને સાથે મળીને ભાઈ બહેનનો સ્નેહ ઊજવે. આજે મને હુમાયુ અને કર્ણાવિ યાદ આવી ગયાં…

અચાનક મારું ધ્યાન પડ્યું રહેમાનના ઘરના બેઠકખંડની એ દીવાલ ઉપર જ્યાં હતી બે છબીઓ સાવ પાસે-પાસે એક મક્કાની અને બીજી કૃષ્ણની…

[સાભાર: માણસાઈની થાપણ, લેખક: સુધા મૂર્તિ]