ટીવીની સનસનાટી અને સત્ય

ગુણવંત શાહ

| 7 Minute Read

પતિએ પત્નીને કહ્યું, “હું છાણના પોદળાની માફક લગભગ નિર્જીવ બનીને જીવતો રહેવા ઈચ્છતો નથી. મશીનના સહારે જીવતો રહીને ખાટલે પડીને સડવા માગતો નથી. જો એવી પરિસ્થિતિ આવી પડે તો તું મશીનનો પ્લગ ખેંચી કાઢજે.”

પત્નીએ તરત જ ટીવીનો પ્લગ ખેંચી કાઢયો !

રેને ડેસ્કાર્ડ(૧૫૯૬-૧૬૫૦) નામના ફિલસૂફે લેટિન ભાષામાં એક સૂત્ર આપેલું “ક્રોજિટો અર્ગો સમ” અર્થાત્‌ હું વિચારું છું માટે હું છું. આવા સચોટ વિધાનની જગ્યાએ હવે એવું કહેવું પડશે કે હું ટીવી જોઉં છું માટે હું છું. એવો વહેમ પડે કે જીવતો માણસ ધીરે ધીરે ફર્નિચર બનતો જાય છે.

ટીવીની ન્યુઝ ચેનલની લાડકી દીકરીનું નામ સનસનાટી છે. લોકોની બહેર મારી ગયેલી વિચારશક્તિને વારંવાર ટોનિકની જરૂર પડે છે. એ ટોનિક એટલે સનસનાટી. ટોનિકની અસર ઓસરી જાય ત્યાં તો બીજી સનસનાટી હાજર ! સન-સનાટીની મબલખ ફસલ માટે ભારતની ધરતી ખાસી ફળદ્રુપ છે. અહીં ગણપતિની મૂર્તિ પણ દુધ પીએ છે. અહીં ચમત્કારને કારણે માહિમની ખાડીમાં દરિયાનું પાણી પણ મીઠું બની શકે છે. અહીં નિર્ધન ફકીર એવા (શિરડીના) સાંઈબાબાને માટે સોનાના સિંહાસનની તજવીજ થઈ શકે છે. બહુરત્ના છે મધર ઈન્ડિયા !

ટીવી હુલ્લડ કરાવી શકે અને હુલ્લડ શાંત પણ કરી શકે. ટીવી અફવા ફેલાવી શકે અને અફવાને ટાઢી પણ પાડી શકે. ટી.વી. અંધશ્રદ્ધા વધારી શકે અને ઘટાડી પણ શકે. ટીવી પ્રામાણિક નેતા માટે ધિક્કાર ફેલાવી શકે અને ભ્રષ્ટ નેતાને લોકપ્રિય બનાવી શકે. ટીવી ઈચ્છે ત્યારે સતયુગ અને ટી.વી. ઈચ્છે ત્યારે કળિયુગ ! લોકો હરખભેર પોતાની વિચાર શક્તિ ટીવીમાતાને ચરણે ધરી દેવા તૈયાર છે. એવું પણ બનતું હોય છે કે જ્યારે ટીવીની સ્વિચ ઓન કરવામાં આવે ત્યારે આપોઆપ માણસના મગજની સ્વિચ ઓફ થઈ જાય છે. કાર્લ માકર્સ ધર્મને અફીણ સાથે સરખાવતો. જો એ આજે જીવતો હોત તો જરૂર કહેત કે ટીવી લોકોને ઘેનમાં રાખવા માટેનું અફીણ છે. ટીવી આપણી વિચારશૂન્યતાને આપણી સંમતિથી પંપાળતું રહે છે.

બીબીસી અને સીએનએન જેવી વિશ્વવ્યાપી ચેનલો ધારે તો ત્રીજું વિશ્વયુદ્ધ ભડકાવી શકે. ઈલેક્ટ્રોનિક યુગનો સ્વપ્નદ્રષ્ટા માર્શલ મેક્લુહાન કહેતો રહ્યો, “મિડિયમ ઈઝ મેસેજ” લોકો માધ્યમો દ્વારા જે સંદેશો રજૂ થાય તેને સાચો જ માની લે છે. ટીવી આપણને ગુલામ બનાવે તે ન ચાલે. ટીવી આપણા પર રાજ કરે તે ન ચાલે. ટીવી પર આવતી જાહેરાતો આપણને ઘેલા કરેતે ન ચાલે, કોકા કોલા પીવું કે ન પીવું તેનો નિર્ણય આપણે કરવાનો છે, આમીર ખાને નહિં. ક્યાં જવું છે તેનો નિર્ણય ઘોડેસવાર કરશે, ઘોડો નહિં કરે. તાલિબાન અને ટેલિબાન વચ્ચે હવે તફાવત ક્યાં રહ્યો ? તાલિબાન જે લોકોને બાનમાં રાખે, તેઓ છુટવા માટે અધીરા હોય છે. ટેલિવિઝને જેમને બાનમાં રાખ્યા છે એવા કરોડો લોકો તો બાનમાં રાજી રાજી !

પ્રત્યેક સમાચાર અંગે માણસે પોતાની જાતને પૂછવાનું છે ! મારો સહજ વિવેક મને શું કહે છે ? સદીઓથી જે કામ ધર્મગુરૂઓ કરતા આવ્યા છે તે કામ હવે ટીવી કરે તે નહિં ચાલે. ધર્મગુરૂઓએ તો અસ્પૃશ્યતા જેવી માનવવિરોધી બાબતને પણ સંમતિની મહોર મારીને સર્વસ્વીકાર્ય બનાવી દીધી હતી. જેઓ અસ્પૃશ્ય ગણાયા તેઓને પણ અસ્પૃશ્યતા ગેરવાજબી ન લાગે તેવી પરિસ્થિતિ ધર્મને નામે સર્જાયેલી. “સંશયાત્મા વિનશ્યતિ” જેવું ગીતાવાક્ય પણ હવે નવી રીતે મઠારવું પડશે “સંશયાત્મા વિચારયતિ.” હિન્દુ પરંપરા ગીતાના ઉપદેશ સાથે પણ આવી છુટ આપે છે. ડાઉટ ઈઝ ધ બીગિનિંગ ઓફ વિસ્ડમ. આજે જગતમાં ત્રણ પ્રકારનાં સત્યોની બોલબાલા છે. મારું સત્ય, તમારું સત્ય અને ટીવીનું સત્ય. લોકોની સામાન્ય બુદ્ધિનું સૌથી મોટું અપમાન ટીવી સિરિયલો દ્વારા થતું રહે છે. એમાં પ્રગટ થતી બદમાશ સ્ત્રીઓ લાખો પરિવારોને લુચ્યાઈની દીક્ષા આપી રહી છે. ટીવી સિરિયલની ખલનાયિકાઓ જેટલી ધૃણાસ્પદ એવી કોઈ સ્ત્રી હજી મને જોવા મળી નથી. સિરિયલનાં પાત્રો તુલસી અને મિહિરનાં સગાંઓનાં નામો ગૃહિણીઓને હોઠે રમે છે, પરંતુ એમને પોતોના પરિવારનાં બધાં સ્વજનોનાં નામો કદાચ યાદ નહીં હોય.

મેડિક્લ વિજ્ઞાનનું તાજેતરનું સંશોધન કહે છે, ટીવી જોતી વખતે માણસની જેટલી કેલરી બળે છે તેના કરતા વધારે કેલરી તો માણ સૂતેલો હોય છે ત્યારે બળે છે, કારણ કે મેટાબોલિઝમ (ચયાપચય)નો દર ટીવી જોતી વખતે સૌથી ઓછો હોય છે. રીમોટ કંટ્રોલ નામનું નાનકડું રમકડું આપણી પાસેથી દસપંદર ડગલાં ચાલવાની મજબુરી પણ ખૂંયવી લે છે. ઘણુંખરૂં ટીવી જોતી વખતે છાણનો પોદળો બની ગયેલો માણસ પેટમાં કંઈક ને કંઈક પધરાવતો રહે છે. બાળકો પણ જાડાંભમ બનતાં ચાલ્યાં છે. આવા મહામુર્ખો આગળ યોગાયાર્ય સ્વામી રામદેવજી પણ લાચાર !

ટીવીની શોધ થઈ ત્યારે દુનિયાના વિચારકોને એવું લાગ્યું હતું કે, શિક્ષણનું શ્રેષ્ઠ માધ્યમ ઘેર ઘરે પહોંચી જશે. એ વાત આજે પણ સાચી છે. આજે પણ મનોરંજન (એન્ટરટેઈનમેન્ટ) અને શિક્ષણ (એજ્યુકેશન) વચ્ચેના સુમેળ માટે “એજ્યુટેઈનમેન્ટ” શબ્દ પ્રચલિત થયો છે. કદાચ આજે ટીવી કુશિક્ષણનું પ્રબળતમ માધ્યમ બની ગયું છે. ટીવીના પ્રતાપે પ્રત્યેક ઘરમાં કેટલીય બિનજરૂરી ચીજો ઠલવાઈ ગઈ છે કે જેનો બીજીવાર ઉપયોગ ભાગ્યે જ થાય છે. મને તો ત્યાં સુધી કહેવાનું મન થાય છે કે પુસ્તકો હેલ્થ ફૂડ છે, પરંતુ ટીવી તો લગભગ જંક ફૂડ બની ચૂક્યું છે. ગ્રાઉચો માકર્સ સાચું કહે છે, “ટીવી મારે માટે ખરેખર જ્ઞાનવર્ધક છે કારણ કે જ્યારે પણ કોઈ ટીવી ચાલુ કરે ત્યારે હું ઊઠીને મારાં પુસ્તકો પાસે પહોંચી જાઉં છું.”

સતત ટીવી તરફ જોવાને કારણે પરિવારના સભ્યોનું એકબીજા તરફ જોવાનું ઓછું થઈ ગયું છે. માનવસંબંધો ઓછા અને આછા બનતા જાય છે. ટીવી જોતી વખતે ક્યારેક તો પતિ અને પત્ની વચ્ચે જોજનના જોજનનું અંતર પડી જાય છે કારણ કે બંને જુદી જુદી ચેનલો જોવા ઈચ્છે છે. એક જમાનામાં પતિ અને પત્ની વચ્ચેનાં રિસામણાં-મનામણાં વખતે થોડોક સમય વીતે ત્યાં સુલેહ થઈ જતી. હવે બેમાંથી એક જણ ટીવી પાસે જડાઈ જાય છે અને સુલેહ થાય તે માટેનો સમય ગાળો લાંબો થતો જાય છે. જીવનમા પેદાથતો ખાલીપો ભરવા માટેના ઉપાય તરીકે ટીવી અનિવાર્ય બની રહ્યું છે. લંડનમાં રહીને પાકિસ્તાનની ચિંતા કરનારી “પૂર્વની પુત્રી” બેનઝીર નવરાશની પળોમાં ટીવી જોતી હતી. એણે મૃત્યુના થોડાક દિવસો પહેલાં એક મુલાકાતમાં જણાવેલું કે અમિતાભ બચ્ચનની ભુમિકાવાળી “ચીની કમ” ફિલ્મ એને ખૂબ ગમી હતી.

નાનાં હતાં ત્યારે અમે ગિલ્લીદંડા, લખોટી સંતાકુકડી, પકડદાવ અને ચોરપોલીસ જેવી રમતોમાં ખોવાઈ જતા. આજે એ બધી રમતો ખોવાઈ ગઈ છે. ટીવી આંખ માટે ચ્યુઈંગમ બની જાય ત્યારે આપણી કેલરી સિવાય બીજું કશુંય વધતું નથી. ઘરનું બધું ફર્નિચર ટીવીને લક્ષમાં રાખીને ગોઠવાય છે. સમગ્ર વિશ્વનો કચરો પણ ઠલવાતો રહે છે. ટીવી મહાન આશીર્વાદ છે, પરંતુ આશીર્વાદનું શીર્ષાસન થાય ત્યારે અભિશાપ રોકડો !

[સાભાર: વૃક્ષમંદિરની છાયામાં, લેખક: ગુણવંત શાહ]