ઉપકાર લેવો ભૂંડો છે

કાંતિ ભટ્ટ

| 7 Minute Read

પરાન્ને પરવસ્ત્રં ચ પરશય્યા પરસ્ત્રીયઃ
પરવેશ્મ નિવાસશ્ય શક્ર સ્યાપિ શ્રિયં હરેત્‌
— ચાણક્ય

(બીજાનું અન્ન, પારકાનું વસ્ત્ર, પારકી સ્ત્રી - આ બધાનું સેવન કરનાર અને પારકે ઘરે વાસ કરનાર ઈન્દ્ર ભગવાનનો પણ મહિમા ઘટાડે છે.)

સુભાષચંદ્ર બોઝની દેશદાઝ અદ્દભુત હતી, પણ ધારો કે જાપાન અને જર્મનની લશ્કરી મદદથી આપણને સ્વતંત્રતા મળી હોત તો? એ ‘તો’ માં ઘણા પ્રશ્નો ખડા થાય છે અને પ્રશ્રો ખડા થાત. વ્યક્તિગત રીતે માણસે કોઈનો પણ ઉપકાર લેવો ભૂંડો છે. કશું જ મફત નથી આવતું. જેમ વ્યક્તિનું એવું રાષ્ટૂનું છે. આજે ઈરાકની પ્રજા દુઃખી-દુઃખી છે. શિયા અને સુન્ની વચ્ચેના ઝઘડાને કારણે અમેરિકા ફાવી ગયું છે. ઈરાકને અમેરિકાએ એની ભાષામાં સદ્દામ હુસેનથી આઝાદ કર્યું છે, પણ એ ખેરાતવાળી આઝાદી ઈરાકને આજે ભારે પડી રહી છે. આવા જ હાલ પાક્તિાનના થશે.

એન્દ્રે ગીદ નામના નવલકથાકારે ઈર્માટીલિસ્ટ નામની નવલકથા લખી છે. એ વાર્તાનું એક દશ્ય છે. વાર્તાનો હીરો બીમાર પડ્યો છે. તેની પત્નીએ બીમાર પતિને કહ્યું “હું દેવળમાં જઉં છું અને પ્રભુને તમારા સ્વાસ્થ્ય માટે આજીજી કરીશ.”

વાર્તાનો હીરો પત્નીને રોકે છે, “ના ના, તું મહેરબાની કરીને મારા માટે કોઈ પ્રાર્થના કરીશ નહીં.વળી દવાના પૈસા ન હોય તો કોઈના ઉછીના લઈને ઉપકાર ન ચઢાવીશ. મને દવા વગર પણ ચાલશે.”

પત્ની પૂછે છે, “કેમ?”

હીરો કહે છે, “ના હું તો ભગવાન પાસેથી પણ કોઈ ફેવર લેવા નથી માગતો. બીમાર પડ્યો છું. તંદુરસ્ત રહેવું એ મારી ફરજ છે. એ ફરજ ચુક્યો છું એની શિક્ષા મારે ભોગવવી જોઈએ.”

પત્નીને નવાઈ લાગે છે. ફરી પૂછે છે, “શું તમે ઈશ્વરની મદદનો પણ અસ્વીકાર કરો છો?”

પતિ કહે છે, “હું નમ્રપણે કહું છું કે મને કોઈ અહંકાર નથી, પરંતુ હું કોઈનું પણ ઓબ્લિગેશન લેવા નથી માગતો. મને કોઈનો ઉપકાર ચડાવવો નથી ગમતો. મારે મારી જાતે સ્વસ્થ થવું જોઈએ. કોણ જાણે મદદ લીધા પછી કેટલીયે જાતની ગુલામી ભવિષ્યમાં સ્વીકારવી પડે.”

એન્દ્રે ગીદની વાર્તાનો આ સંવાદ ટાંકીને હું કહેવા માગું છે કે કોઈની પાસે માગવું એ બહુ ભૂંડું છે. નવાઈની વાત છે કે ઘણી સ્ત્રીઓ કોઈ પુરુષમાં લપેટાય ત્યારે તેના પ્રેમની ભીખ શું કામ માગે છે? જ્યારે સગો ભાઈ કે સગો કાકો કે મિત્ર મદદ કરે છે એ ક્ષણે જ લેતીદેતીનો હિસાબ શરૂ થાય છે. પ્રેમમાં પણ શોષણ થાય છે એ વાત નોંધી લેવી.

પત્રકાર તરીકે મને યાદ છે કે ૧૮૮૩માં તાતા એન્જિનિયરિંગ કંપનીએ ૩૦ કરોડ રૂપિયાનાં ડિબેન્ચર બહાર પાડવાની યોજના ઘડેલી. એ માટે ટેલ્કોએ અખબારોમાં મફત છાપવાની એક પ્રેસનોટ અમૂક ચૂંટેલાં સામયિકોને મોકલી. સાથે તાતાના એડ્વર્ટાઈઝિંગ એજન્ટે મમરો મૂકેલો કે તમે આ પ્રેસનોટ પ્રગટ કરશો એટલે અમે ૩૦ કરોડ રૂપિયાનાં ડિબેન્યરો બહાર પાડીશું ત્યારે એની જાહેરખબર માટે તમને(અખબારને) પસંદ કરીશું. આ જાતના સોદા ભુતકાળમાં થોડા-થોડા થતા હતા. આજે અખબારો સાથે કંપનીઓના આ ઉપકારના પરસ્પરના સોદા ઉઘાડે છોગે થાય છે. પત્રકારોને ભેટસોગાદો નહોતી અપાતી ત્યારે કેટલાક રાજકારણીઓ અંદરખાને ઘણી રાજકીય માહિતી અમુક પત્રકારોને આપતા. એવી એક્સક્લુઝિવ માહિતી મેળવવાની કિંમત પણ પત્રકારોએ ચૂકવવી પડતી એવો મારો અનુભવ છે. વાચકોને ખબર ન પડે એવો ભ્રષ્ટાચાર દિલ્હીનાં મેગેઝિનો સાથે ચાલે છે.

અમેરિકા અને યુરોપના મૂડીવાદ પાસેથી આપણે આવી નાની ફેવર આપીને મોટું કામ કઢાવી લેવાની કમર્શિયલ કળા શીખ્યા છીએ. એ માટેના આડતિયા પણ ઊભા થયા છે. ઉપરના અંતિમ કક્ષાના દાખલામાં આદર્શવાદી લેખક એન્દ્રે ગીદ ઈશ્વરની પણ ફેવર કે કૃપા લેવા તૈયાર નથી ત્યારે આપણે મિત્રો, સગાં કે રાજકારણી પાસેથી નાની-નાની ફેવર લેતાં નથી અચકાતા. ગામડામાં કહેવત હતી કે નાનું બાળક કાંડામાં સોનાનું કડું પહેરતું હોય તો બાળકને પેંડો આપીને સોનાનું કડું કઢાવી લેવું. આજે પેંડો નહીં પણ સરકારી પૈસાની ભીખ અખબારો ખાય છે.

આજકાલ તો મોટી-મોટી દવા કંપનીઓ ડોકટરોને વિદેશી ટુરથી માંડીને કારની ભેટ આપે છે. શરત એટલી કે ર્ડાકટરોએ ટુર કરાવનારી દવાકંપનીની નવી દવાની બ્રાન્ડ જ દરદીને લખી આપવી. દરદીઓ ડોકટરોને ભગવાન માને છે, પણ આ ભગવાન દવાકંપનીને વેચાઈ ગયો હોય છે.

એક જુનું કવિત છે.

બગડી સુધરે નહીં, પાછળથી દેતાં લાખો દાન
વામનમાંથી વિરાટ થયો, તોય ગયું નહીં વામન નામ

આ પ્રકારે પોતાની આબરૂ વેચીને ઉપકાર લેનારા ડોકટરો પછી ચેરિટી કરે છે કે રોટરી કલબ કે લાયન્સ પ્રમુખ બનીને ગામડામાં ધર્માદા કરે છે, પણ એક વખત તે દવાકંપની સામે વામણો બન્યો તે આવો નાનો ધર્માદો કરીને વિરાટ નથી બનવાનો.

સંબંધોમાં પણ એક શોષણ થતું હોય છે. માલિક જ નોકરનું શોષણ નથી કરતો. પ્રેમને નામે પતિ કે પત્ની એકબીજાનું શોષણ કરે છે. ભ્રષ્ટાચારી રાજકારણી દેશસેવાને નામે જનતાનું શોષણ કરે છે.

આપણે કોઈને મદદ કરીએ અને તેને યાદ દેવડાવ્યા કરીએ એ પણ શોષણ છે. માણસને પરોપકારી બનવાનો શોખ હોય છે. રોટરી ક્લબ કે લાયન્સ ક્લબ કે બીજી કલબોમાં જનારા અમુકનું ધ્યેય હોય છે કે ત્યાં ઓળખાણો થાય. એમાંથી કામ કઢાવાય. મદદ લેનારો સતત તેના મિત્રની અહેસાનમંદીમાં રહે છે એથી તેની ખુશામત કરતો રહે છે. આમ આપણે મદદ લઈને મિત્રને બગાડીએ છીએ. ભાગ્યે જ મેં માણસો જોયા છે જે મદદ કરીને એને ભૂલી ગયા હોય.

પરોપકાર કરનાર પોતાના પરોપકારની કિંમત વસૂલતો જ હોય છે. ધીરે-ધીરે સમાજ લેવડદેવડના સંબંધો પર નભે છે. એક હિન્દી કવિએ કહેલું કે સારે રિશ્તે ક્રુર ઢંગ સે આર્થિક હૈં. દરેક માનવીને સ્વામાન વહાલું હોય છે. પણ તે જરૂતમંદ હોય ત્યારે લાચાર હોય છે. તેને વધું લાચાર ન બનાવાવો જોઈએ. આપણે જ્યારે પરોપકાર કરીએ છીએ ત્યારે સામી વ્યક્તિના સ્વમાનને પડકારીએ છીએ. ખરેખર તો સ્વમાની માણસને વધુ સ્વમાની બનાવવા તેને પોતાને પ્રતિકુળ સંયોગો સામે બાખડવા દો. ચુપચાપ તેને ખબર ન પડે એવી અદશ્ય મદદ કરો. નહીતર તમે મદદ કરનાને બદલે શોષક બની જશો. અમેરીકા આજે ઈરાકને મદદ કર્યાનો ગર્વ કરે છે, પણ ખરેખર તો તે જબ્બર શોષણ કરે છે.

[સાભાર : કાંતિ ભટ્ટ લિખિત પ્રેરણાના પરિજાતમાંથી ટુંકાવીને]