વાંચો પુસ્તકો અને માણસો!

મુકેશ મોદી

| 3 Minute Read

એક પ્રખ્યાત વિધાન છે કે,

હું એકલો એકલો બેસીને ક્યારેય વિચારી શક્તો નથી; પુસ્તકો મારે માટે વિચારો છે.

કહેવાનો આશય એવો છે કે માનવી એકલો એકલો વિચારે છે ત્યારે સ્વાભાવિક રીતે એના વિચારવાનું વર્તુળ સીમિત રહે છે. વ્યક્તિનો ભુતકાળ, અનુભવો અને સ્મૃતિઓ એ વ્યક્તિના વિચારવાની પેટર્ન ઉપર અસર કરે છે. ભુતકાળ, અનુભવો અને સ્મૃતિમાંથી છટક્વું સરળ નથી. આમ તો પુસ્તકો પણ મૌલિક વિચારવાની શક્યતા ઉપર લગામ મુકી શકે છે, અને છતાં વાંચતી વખતે વાચકની વિચારવાની ક્ષિતિજોનો વિસ્તાર થવાની શક્યતા રહેલી છે.

વાંચનની પ્રક્રિયા હંમેશાં થોટ પ્રોવોકિંગ(Thought Provoking) એટલે કે નવા વિચારોને જન્મ આપનારી હોય છે. એક વિચાર કે વાક્ય આપણને નવું વિચારતા કરી મુકી શકે છે, અને શક્ય છે કે એ કારણે જીવનની દશા અને દિશા બદલાઈ જાય. વિશ્વ ઈતિહાસમાં જાણીતા થયેલ સફળ અને અજાણીતા રહેલા સફળ લોકોની વાતો સાંભળીએ ત્યારે આ ધ્વનિ સ્પષ્ટ નીકળે છે. મારા માટે એવું કહી શકું કે, જે. કૃષ્ણમુર્તિના “ઓબ્ઝર્વર ઈઝ ઓબ્ઝર્વડ”(Observer is the Observed) વાક્યએ મારી સમગ્ર જીવનદૃષ્ટિ બદલી નાખી છે. વળી વાંચનની પ્રક્રિયામાં સતત વાદ-પ્રતિવાદની ઘટમાળ ચાલ્યા કરતી હોય છે. આજે તમે કોઈ એક વાતમાં માનો છો, આવતી કાલે કંઈક નવું વાંચો છો એટલો પ્રતિવાદનો જન્મ થાય છે; અને માન્યતા બદલાય છે. અને આ આખી પ્રક્રિયા દરમ્યાન આપણામાં થાય છે શાણપણનો સંચાર!

અને જીવનની મજેદાર વાત એ છે કે એમાં સ્થિરતાને અવકાશ નથી! જીવન એટલે ગતિ. સ્થિરતા એટલે મૃત્યુ. સ્થિર થયેલ જળ પણ કહોવાય ને વાસ મારે તો વૈચારિક દષ્ટિએ સ્થિર થયેલો માણસ તો કેવો ગંધ મારતો હોય! નવું વાંચન આપણને માની લીધેલી માન્યતાઓની બેડીઓમાંથી મુક્ત કરાવે છે! બીજી એક વાત ઉમેરવાનું મન થાય કે, નવું વાંચતી વેળા પણ, એ સભાનતા જો આવી જાય કે આ વાંચન કેવી રીતે મને પ્રભાવિત કરી રહ્યું છે, તો તો બેડો પાર. ચાર્લ્સ જેમ્સ કહે છે,

બે વસ્તુઓ તમને શાણા બનાવશે : એક જે પુસ્તકો તમે વાંચો છો, અને બીજા જે માણસોને તમે મળો છો.

પુસ્તકો પછી, આપણને શાણા બનાવનારા જો કોઈ હોય તો જેમ્સસાહેબ કહે છે એ મુજબ, એ છે માણસો. પુસ્તકોની જેમ માણસો પણ ભાતભાતના છે. એક દિવસ દરમ્યાન આપણે કેવા મસ્ત-લુચ્ચા-ઉદાર-મીંઢા-બિન્ધાસ્ત-મજેદાર-લઘુતાગ્રંથિવાળા-ગુરૂતાગ્રંથિવાળા-બહુ શાંત રહેવાવાળા-બોલ-બોલ કરવાવાળા-જ્ઞાની- અજ્ઞાની-અજ્ઞાની પણ જ્ઞાની હોવાનો ડોળ કરવાવાળા…. એમ વિવિધ માનવીઓના સંપર્કમાં આવીએ છીએ! જો આપણી આંખ અને કાન ખુલ્લા રાખીએ, જો ન્યાયાધીશ બનવાની ચળને અંકુશમાં રાખી શકીએ, જો માત્ર અને માત્ર માણસોને નિહાળ્યા કરીએ… તો આ ભાતભાતના લોકો આપણને ગમ્મત સાથે જ્ઞાન પણ આપી જ જતાં હોય છે. જરૂરી છે માણસો સાથે મજા કરવાનો અભિગમ. જરૂરી છે પૂર્વગ્રહ વિના માણસો જેવા છે એમને એ રીતે મળી શકવાની ક્ષમતા. આ અઘરૂં છે. પણ આ વલણ હોય તો જ માણસો સાથે મજા આવે. અને તો જ એ માણસો પરોક્ષ રીતે આપણને શાણા બનાવી જશે.

સો, સે થેક્સ ટુ ધ પીપલ યુ મીટ એન્ડ ધ બુક્સ યુ રીડ!

[સાભાર : ચિનગારી, લેખક: મુકેશ મોદી]