વર્ગ બને સ્વર્ગ !

ભાણદેવ

| 9 Minute Read

વર્ગ સ્વર્ગ બની શકે ?

હા, વર્ગ સ્વર્ગ બની શકે !

પણ કેવી રીતે ?

વર્ગની આગળ ‘સ્’ મૂકવાથી વર્ગ સ્વર્ગ બની જાય છે એમ કહો છો ?

એ તો માત્ર શબ્દના અક્ષરોની ગોઠવણીની બાબત છે. “વર્ગ” શબ્દમાંથી “સ્વર્ગ” શબ્દ બનાવવો હોય તો વર્ગ ની આગળ સ્ અક્ષર મૂકી દેવો એટલું જ પર્યાપ્ત છે. પરંતુ શાળાના વર્ગને સ્વર્ગ જેવો બનાવવો હોય તો બીજું ઘણું ઉમેરવું પડે તેમ છે.

એવા શિક્ષકો હોય છે, જેઓ વર્ગમાં પ્રવેશ કરતી વખતે ખચકાટ અનુભવે છે. તેમને વર્ગ પ્રત્યે કંટાળો, અણગમો અને કવચિત ભય પણ હોય છે. તેમના માટે વર્ગ અને વર્ગમાં શિક્ષણકાર્ય એક સજા કે એક ન છૂટકે કરવું પડતું કાર્ય હોય છે. તેમના માટે વર્ગ સ્વર્ગ નથી, પરતું સજાગૃહ છે. એવા શિક્ષકો પણ હોય છે, જેમને માટે વર્ગમાં પ્રવેશ સ્વર્ગમાં પ્રવેશ જેવી આનંદદાયક ઘટના હોય છે. વર્ગમાં પ્રવેશીને તેઓ ખીલી ઊઠે છે. વિદ્યાર્થિઓની સાથે હોવું, વિદ્યાર્થિઓને શીખવવું, તેમના જીવનવિકાસમાં સહાયક થવું - આ તેમના જીવનનો આનંદ હોય છે. આવા શિક્ષકો માટે વર્ગ સજાગૃહ નહિ, પરંતુ સ્વર્ગ બની જાય છે.

હવે આપણી સમક્ષ પ્રશ્ન આવે છે - વર્ગ સ્વર્ગ કેવી રીતે બને ?

૧. શિક્ષકના ચિત્તમાં એવી દૃઢ પ્રતીતિ હોવી જોઈએ કે શિક્ષણકાર્ય એક ઉમદા પૂણ્ય કાર્ય છે. વિદ્યાર્થિના જીવનવિકાસમાં સહાયક બનવાનું આ કાર્ય એક ગૌરવપૂર્ણ ઘટના છે અને શિક્ષક હોવું તે પૂર્વજન્મના પૂણ્યકાર્યનું સુફળ છે. આવી સમજપૂર્વક જે શિક્ષકને પોતાના કાર્યમાં હૃદયગત રસ છે, તેમને માટે વર્ગ સ્વર્ગ બની શકે છે.

૨. શિક્ષક જે વિષયનું શિક્ષણકાર્ય કરે, તે વિષય પર તેનું પ્રભુત્વ હોય તે ઉત્તમ શિક્ષણ માટે અનિવાર્ય છે. જે ભણાવવું છે તેનું પર્યાપ્ત જ્ઞાન ભણાવનારને ન હોય તો તેના શિક્ષણકાર્યમાં તેજ પ્રગટી શકે નહિ. ઘણી વાર તેના કારણમાં આ વિષય પરના પ્રભુત્વનો અભાવ પણ હોય છે.

વર્ગને સ્વર્ગ બનાવવા માટે આ એક અનિવાર્ય આવશ્યકતા છે - શિક્ષકનું વિષય પરનું પ્રભુત્વ.

૩. શિક્ષકનું વિષય પર પ્રભુત્વ હોય તે આવશ્યક છે, અનિવાર્ય છે અને છતાં પર્યાપ્ નથી. વિષયશિક્ષણની પદ્ધતિ પર શિક્ષકનું પ્રભુત્વ હોય તે આવશ્યક છે.

એક વિદ્ધાન માટે જ્ઞાન પર્યાપ્ત છે, પરંતુ શિક્ષક માટે જ્ઞાન પર્યાપ્ત નથી. શિક્ષકમાં તે જ્ઞાન વિદાર્થીના ચિત્તમાં સંકમિત કરવાની આવડત પણ હોવી જોઈએ. એક સમર્થ વિદ્વાન પણ,જો તેનામાં શીખવવાની આવડત ન હોય તો નિષ્ફળ શિક્ષક પૂરવાર થઈ શકે છે.

શિક્ષકને સારી રીતે શીખવતાં આવડે તો જ તેનો વર્ગ સ્વર્ગ બની શકે અન્યથા નહિ.

૪. ડાહ્યા શિક્ષકે પૂર્વ તૈયારી વિના કદી વર્ગમાં ન જવું શિક્ષક વિદ્વાન હોય અને પોતાના વિષયનો શિક્ષણ કાર્યનો દીર્ઘકાલીન અનુભવ હોય તો પણ તેઓ કોઈ પણ પ્રકારની પૂર્વ તૈયારી વિના વર્ગમાં પ્રવેશે તે ઉચિત નથી વર્ગમાં પ્રવેશતાં પહેલાં શિક્ષકે આટલી પૂર્વતૈયારી અચુક કરી લેવી જોઈએ.

(૧) વિદ્યાર્થિઓને જે ભણાવવું છે, તે વિષયવરતુ શિક્ષકના મનમાં હસ્તામલકવત સ્પષ્ટ હોવું જોઈએ.

(૨) જે ભણાવવું છે, તે વિષયવસ્તુ વિદ્યાર્થિ માટે પણ હસ્તામલકવત સ્પષ્ટ કેવી રીતે બને તે વિશે પણ શિક્ષક સ્પષ્ટ હોય તે આવશ્યક પૂર્વ તૈયારી છે.

(૩) જે વિષય ભણાવવો છે, તે વિષય અંગેના નવા નવા વિકાસથી શિક્ષકે સતત માહિતગાર રહેવું જોઈએ અને વિષય-શિક્ષણની નવી નવી પદ્ધતિઓ વિશે પણ તેણે જાણકાર રહેવું જોઈએ. આટલી પૂર્વ તૈયારી પછી જ શિક્ષકે વર્ગમાં પ્રવેશ કરવો જોઈએ.

પ. શિક્ષક ભણાવવા માટે સજ્જ અને આતુર હોય એટલું જ પૂરતું નથી. વિદ્યાર્થિ પણ ભણવા માટે આતુર હોય તે અનિવાર્ય છે. વિદ્યાર્થિઓની અભિમુખતા શિક્ષણની ઘટના માટે અનિવાર્ય છે. વિમુખ વિદ્યાર્થિ ઊંધો ઘડો છે. તેને નળની નીચે મૂકો અને નળ ચાલુ કરો તો પણ તે ઘડો ભરાઈ શકે નહિ. આ ઘડો નળની નીચે સવળો કરીને મૂકવો જોઈએ. તે જ રીતે વર્ગમાં વિદ્યાર્થિઓને અભિમુખ બનાવવાં જોઈએ.

વિદ્યાર્થિઓને અભિમુખ બનાવનાં કેવી રીતે ? વિદ્યાર્થિઓને શિક્ષણાભિમુખ બનાવવાની અને તેમની અભિમુખતા સાધંત જાળવી રાખવાની જવાબદરી શિક્ષકની છે.

તે માટે શિક્ષક આટલું કરી શકે:

(૧) વર્ગમાં કદી મોડા ન પડો.

(૨) પ્રસન્નતા અને સ્મિતપૂર્વક વર્ગમાં પ્રવેશો.

(૩) શિક્ષણકાર્યનો પ્રારંભ એવી સુંદર અને ચમત્કૃતિપુર્ણ રીતે કરો કે વિદ્યાર્થિઓ એક ક્ષણમાં અભિમુખ બની જાય.

(૪) ઉમંગપૂર્વક ભણાવો. શિક્ષકના ઉમંગ દ્વારા વિદ્યાર્થિઓમાં ઉમંગ જાગશે. ઉમંગ અને કંટાળો, બંને ચેપી હોય છે.

(૫) કઠિન વિષય સરળ બનાવીને ભણાવો. વિદ્યાર્થીઓને રસ પડે તેવી રીતે ભણાવો. પર્યાપ્ત દષ્ટાંતો આપો, જીવંત દષ્ટાંતો આપો.

(૬) તમારા હૃદયનો તાર વિદ્યાર્થીઓના હૃદય સાથે જોડાઈ જવો જોઈએ અને આ તાર સતત અખંડિત રહેવો જોઈએ.

તાનપુરો સૂરમાં મેળવતી વખતે સંગીતકાર જિવાળી ગોઠવે છે. જ્યાં સુધી જિવાળી બરાબર ગોઠવાય નહિ. ત્યાં સુધી તાનપૂરામાંથી સંગીત પ્રગટતું નથી. વર્ગશિક્ષણમાં પણ એક જિવાળી હોય છે. શિક્ષક અને વિદ્યાર્થિઓ વચ્ચે મધુર અને સુસંવાદી સંબંધો - આ વર્ગની જિવાળી છે. આ જિવાળી બરાબર ગોઠવાય તો જ શિક્ષણનું સંગીત પ્રગટે છે, અન્યથા નહિ.

આ ઘટના મહદ્‌ અંશે અનુભવગમ્ય છે. બધું જ શબ્દો દ્વારા સમજાવી શકાય નહિ. જાગૃત શિક્ષક અનુભવે આ સત્ય સમજી શકે છે.

(૭) વિષયશિક્ષણનું જીવન સાથે અનુસંધાન થવું જોઈએ. વિદ્યાર્થીઓને એવી પ્રતીતિ થવી જોઈએ કે તેઓ જે ભણી રહ્યા છે તે સર્વ તેમના જીવન માટે ઉપયોગી છે, મૂલ્યવાન છે. આમ બને તો જ વિદ્યાર્થિઓ ભણવા માટે નિષ્ઠાપૂર્વક આતુર બને છે. આ માટે શિક્ષક પોતે જે શીખવી રહ્યા છે, તેનું જીવન સાથે સતત અનુસંધાન દર્શાવતાં રહેવું જોઈએ. દા.ત. ગણિતના શિક્ષકે વિદ્યાર્થિઓને વારંવાર સમજાવતાં રહેવું જોઈએ કે ગણિતના અભ્યાસથી તેમના જીવનવિકાસમાં કેટલી અને કેવી સહાય મળે છે.

આ ઉપરાંત પ્રત્યેક મુદ્દાનુ જે તે સમગ્ર વિષય સાથે પણ અનુસંધાન જોડતાં રહેવું જોઈએ. કોઈ પણ વિષય જીવનથી ભિન્ન નથી અને વિષયનો કોઈ પણ મુદ્દો તે વિષયથી ભિન્ન નથી - આ સમજ વિદ્યાર્થીઓના શિક્ષણરસ માટે ખુબ મૂલ્યવાન છે.

(૮) શિક્ષણની ઘટનાની બે પેટા ક્રિયાઓ છે. શીખવવું અને શીખવું (Teaching and Learning)

શીખવવાની કૃતાર્થતા વિદ્યાર્થી શીખે તેમાં છે. શિક્ષક ગમે તેટલું સારું શીખવે પણ વિદ્યાર્થિમાં શીખવાની ઘટના ઘટે નહિ તો તે શીખવવાની ક્રિયા અકૃતાર્થ-વંધ્યા રહે છે. શીખવવાની ક્રિયાનો હેતુ ત્યારે જ સિદ્ધ થાય છે, જયારે વિદ્યાર્થિ શીખે છે.

શિક્ષણના કેન્દ્રમાં વિદ્યાર્થિ છે, શિક્ષક નહિ. શિક્ષણની ઘટનામાં શીખવું કેન્દ્રમાં છે, શીખવવું નહિ. શિક્ષક પોતાની રીતે શીખવતો રહે અને વિદ્યાર્થીઓ શીખી રહ્યા છે કે નહિ, તે વિશે બેદરકાર રહે તો તે શિક્ષણના હેતુને ન સમજવા બરાબર છે. શિક્ષકે સતત જાગૃત રહેવું જોઈએ કે વિદ્યાર્થી શીખી - સમજી રહ્યાં છે કે નહિ.

(૯) શિક્ષણની પ્રક્રિયામાં વિદ્યાર્થિઓની સક્રિય ભાગીદારી હોય તે આવશ્યક છે. વ્યાખ્યાતા અને શ્રોતાજનો નો જેવો સંબંધ છે તેવો સંબંધ શિક્ષક અને વિદ્યાર્થીનોન બની જાય તેવી કાળજી રાખવી જોઈએ. વિદ્યાર્થીઓ પ્રશ્રો પૂછે, ન સમજાય તો પોતાની મુંઝવણ રજુ કરે શિક્ષક વિદ્યાર્થિઓને પ્રશ્રો પૂછીને તેઓ સમજે છે કે નહિ, તેની ચકાસણી કરતા રહે. વિદ્યાર્થીની ભાગીદારી કેવી અને કેટલી હોઈ શકે, તેનો આધાર જે તે વિષય પર પણ રહે છે. વિદ્યાર્થિઓ વર્ગશિક્ષણમાં વધુ ને વધુ સામેલ થાય, તેવી જાગૃતિ રાખશે તો તેમની ભાગીદારીનું સ્વરૂપ તો આપોઆપ રચાઈ જાય છે.

(૧૦) વિદ્યાર્થીઓ સમજે છે કે નહિ ? વિદ્યાર્થિઓ અભિમુખ છે કે નહિ ? વિદ્યાર્થિઓને રસ પડે છે કે નહિ ? આ પ્રકારની જાગૃતિ શિક્ષકે સતત દાખવવી જોઈએ. શિક્ષકે વિદ્યાર્થિઓને ભણાવવાનું છે, દીવાલોને નહિ.

શાળા એક મંદિર છે, વિદ્યાર્થિ દેવ છે, શિક્ષક પૂજારી છે, સંચાલકો મંદિરના વ્યવસ્થાપકો છે અને શિક્ષણકાર્ય પૂજાકર્મ છે.

પ્રત્યેક શાળાના દ્વાર પર, પ્રત્યેક વર્ગના દ્વાર પર, પ્રત્યેક વર્ગની પ્રત્યેક દીવાલ પર સોનાના અક્ષરે લખાવો

“Students Are God”

[“કોડિયું”, જુન ૨૦૧૨ માંથી સાભાર. લેખક: ભાણદેવ]