વાવેતર અને વૃક્ષ

દિનકર જોષી

| 20 Minute Read

“જનરેશન ગેપ”

યાદ કરી જુઓ, ખાસ કરીને જેઓ સિકસ્ટી પ્લસનું વય ધરાવે છે. આ વરિષ્ઠ નાગરિકો જયારે એમની વીસી કે ત્રીસીમાં હતા ત્યારે એમની પાસે પણ એક જનરેશન આગળ હતી. આ જૂથના મોટા ભાગના લોકોએ ત્યારે આવો કોઈ શબ્દ સાંભળ્યો હોવાની સંભાવના ઓછી છે. આજે પંદર વર્ષનો કિશોર અને ત્રીસ કે પાંત્રીસ વર્ષનો યુવક એ બંને વચ્ચે જનરેશન ગેપ છે એ વાતથી તેઓ સભાન છે. ત્રીસ કે પાંત્રીસ વર્ષના આ યુવક કે યુવતી એમનાં માતાપિતા કે સાસુસસરા સાથે જનરેશન ગેપ તો હોય જ એવું અત્યંત સહજતાથી માને છે. જનરેશન ગેપ નામની આ જે વિભાવના છે એનાથી આપણે પચાસેક વર્ષ પહેલાં લગભગ અજાણ હતા, એને બદલે આ વિભાવના આટલી વ્યાપક કેમ થઈ ગઈ ?

“પપ્પા, તમને આમાં કંઈ સમજ નહિ પડે.”

“પપ્પા, તમે આમાં નહિ સમજો.”

“મમ્મી, તું કંઈ સમજતી નથી.”

આ અથવા આ પ્રકારના શબ્દગુચ્છો આજના અનેક વરિષ્ઠ નાગરિકોએ એમનાં પુત્રો કે પુત્રીઓ પાસેથી અનેક વાર સાંભળ્યા હોય છે. આ શબ્દગુચ્છ પાછળ જે કથન છે એ તર્કપૂર્ણ છે. બેન્ક એકાઉન્ટ ખોલવાથી માંડીને સ્મશાનમાં થતી દફનવિધિ સુધીની ક્રિયાઓમાં પહેલાં જે સરળતા હતી એને બદલે પાર વિનાનાં વિધિવિધાનો દાખલ થઈ ગયાં છે. મોબાઈલથી માંડીને લેપટોપ સુધીની સૃષ્ટિ વરિષ્ઠ નાગરિકો માટે મોટા ભાગે માયાવી જેવી લાગતી હોય છે. સમજવાની કોશિશ કરવા છતાં મોટા ભાગે એમાં ઝાઝી સફળતા મળતી નથી.

અંગ્રેજી મુદ્લ નહિ ભણેલી પણ અત્યંત વ્યવહાર-કુશળ અને કોઠાડાહી પાંસઠ વર્ષની માતાને જ્યારે ધંધાદારી ગૂંચની વાત આવે ત્યારે પુત્ર જો આમ કહે તો એનો ભાવ સમજવો જોઈએ. જોકે આ શબ્દગુચ્છોમાં જે તોછડાઈ છે એ ગમે એટલી ઉદારતા પછી પણ ડંખ્યા વિના રહેતી નથી. આમ છતાં આ કહેવાતી તોછડાઈ એ વર્તમાન પેઢીની સહજ લાક્ષણિકતા છે એમ મનોમન સમાધાન કરી લેવું જોઈએ. વર્તમાન પેઢીને ઉતારી પાડવાનો કોઈ ઈરાદો નથી, પણ આ વર્તમાન પેઢીનું ઘડતર આપણે કર્યું છે. આપણે એ ન ભૂલવું જોઈએ કે આપણાં સંતાનો જે કંઈ કરે છે કે વિચારે છે એમાં આપણાં પોતાનાં કર્મોનો પણ કશોક પરિપાક હોય છે.

સામાન્‍ય રીતે સંતાનને બૌદ્ધિક સ્તરે ઉપર ઉઠાવવાનું કામ પિતાનું છે. લાગણી અને વિવેકના સ્તરે આ કામ માતાએ કરવાનું હોય છે.સંતાન બુદ્ધિમાન થાય, જગતના સંઘર્ષો વચ્ચે સફળતાપૂર્વક ટકી શકે એ પિતાએ શીખવવાનું હોય છે. આ સંઘર્ષ નિતિમય બની રહે, સંતાન સ્નેહભાવયુક્ત થાય અને ક્યાંય વિવેક ન છોડે એવું રસાયણ એના રક્તકણોમાં માતાએ વહેતું કરવાનું હોય છે. પુરૂષ અને સ્રી બંનેમાં જે જન્મજાત પ્રકૃતિક રસાયણો છે એના આધારે જ સંતાનનું આવું ઘડતર માતાપિતા ધારે તો કરી શકે છે. જો આવું ન બન્યું હોય તો આ રસાયણોનું સિંચન કરવામાં બેમાંથી એક પક્ષે અવશ્ય ક્યાંક ઉણપ આવી હોવી જોઈએ.

અહીં સુધી તો બધું બરાબર છે. પણ મેં એવા પુત્રનેય જોયો અને સાંભળ્યો પણ છે કે જેણે પિતાને ઊંચા અવાજે કહી દીધું હોય : “તમે સાવ અક્કલ વગરના છો !” પિતાએ પરિવારજીવનના પ્રાથમિક તબક્કે સહોદરો સાથે કેવું અને કેટલું જતું કર્યું હતું એની વાત કરી, એટલું જ નહિ, ધંધામાં પણ એક તબક્કે મોટો ફાયદો થઈ શકે એવી તક એમણે જતી કરી હતી, કારણ કે એ ફાયદો અનીતિમય હતો અને મૃત્યુ પામેલા ભાગીદારનો દ્રોહ કરવા જેવો હતો. આ સાંભળીને પુત્રે પિતાને ઉપરના શબ્દગુચ્છોથી મઢેલું પ્રમાણપત્ર આપ્યું હતું.

આમાં વિવેકનો ભલે અભાવ દેખાતો હોય, પણ મૂળ વ્યથા આ અવિવેકની ન હોવી જોઈએ, પણ પુત્રના સંસ્કારોમાં જે સંયોજનો દૃઢ થઈ ગયાં છે - નીતિઅનીતિ વિશે એનાં જે ધોરણો છે એ વધુ પીડાદાયક છે. સમાજમં સાર્વત્રિક ધોરણે નવી પેઢીમાં આ ધોરણો અને મૂલ્યોનો જે હ્રાસ થયો છે એનો વિયાર કરવો જોઈએ. આ સંતાનો આપણાં જ છે, એટલે આપણે એમનામાં હ્રાસ પામેલાં મૂલ્યોની જવાબદારીમાં થી સાવ છટકી શકીએ નહિ.

વરિષ્ઠ નાગરિકોને એમની બાલ્યાવસ્થા, તરૂણાવસ્થા અને યુવાવસ્થા બરાબર યાદ હશે જ. માતાપિતાની હયાતીમાં અથવા તો એમના મૃત્યુ પછી પરિવારના ભાઈઓ પરસ્પર સમજૂતી કરીને પોતપોતાનાં કુટુંબો સાથે અલગ રહેતા થઈ જતા હોય છે. આ સ્વાભાવિક અને ઈચ્છનીય પણ છે. પણ મોટા ભાગે આપણા સરેરાશ પરિવારોમાં વયસ્ક માતાપિતા સાથે બેત્રણ પુત્રો અને કયારેક બેત્રણ પુત્રવધૂઓ સુધ્ધાં થોડો સમય સાથે રહેતાં હોય છે. આમાં વખત જતાં પૌત્રો અને પૌત્રીઓ પણ ભળે, ક્યારેક કુંવારી દીકરી પણ આમાં ભળે, પરિણીત પુત્રીઓ પણ સારામાઠા પ્રસંગે એમના પરિવારો સાથે આવતી જતી હોય : આમ જાણ્યે-અજાણ્યે પણ એક મોટું વહીવટી માળખું ઊભું થઈ જતું હોય છે.

પિતા કે માતા આર્થિક રીતે સધ્ધર હોય અને કડેધડે પણ હોય ત્યારે શરૂઆતમાં આમાં અસંતોષ નજરે પડતો નથી પણ પિતા કે માતાને મન ચાર દીવાલોવાળું એમનું એ ઘર જેટલું પોતીકું હોય છે. એટલું કોઈ પુત્રો પુત્રવધુઓ કે પુત્રીઓને હોતું નથી એ નઠોર સત્ય કડવું લાગે તોપણ ગળે ઉતારવા જેવું છે. આવા પરિવારોમાં પ્રત્યેક વ્યક્તિ એકસરખી સમર્થ હોતી નથી. ટીવી જોવાથી માંડીને ખાવાપીવાની દરેક ચીજમાં સુધ્ધાં દરેકની પસંદગી અને સમય જુદાં પડી જતાં હોય છે. ઉદારતા પૂર્વક પરસ્પર માટે જતું કરવાની વૃત્તિનો પણ ક્યાંક ને કયાંક અંત આવી જતો હોય છે. પછી અણગમો અને કડવાશનો આરંભ થાય છે.

કુટુંબના વડા તરીકે માતાપિતાએ એ ક્ષણને ઓળખી લેવી જોઈએ અને એ ક્ષણ કથોરી બની જાય એ પહેલાં જ સમજદારીપૂર્વક કટુંબનું વિભાજન પણ કરી દેવું જોઈએ. જોકે આમાં સમજદારી એકલાં માતાપિતામાં જ હોય એ પૂરતું નથી. માતાપિતાની સમજદારી કદાચ નજીક આવી રહેલા પોતાના અંતની જાણકારીને લીધે પણ હોય છે. પુત્રો પોતાના અંતને દુર માનતા હોય છે. એટલે અનાયાસે પણ એમની સમજદારી જુદી હોય છે. આમ થતાં માતાપિતા પોતાની હયાતીમાં પૂરેપૂરો નહિ તો પણ કેટલોક પ્રભાવ પાથરીને તૂટી પડતાં કટુંબને બચાવી શકે છે.

આજના વરિષ્ઠ નાગરિકોએ એક બીજી વાત પણ યાદ કરવા જેવી છે. તમે જયારે સ્વતંત્રતાપૂર્વક પહેલી વાર તમારો પગાર અથવા કમાણી મેળવી ત્યારે શું કર્યું હતું ? એ પછી જયાં સુધી તમારા પિતા ઘરમાં કડેધડે હતા ત્યાં સુધી તમારી આ કમાણી તમે સ્વતંત્ર રીતે વાપરતા હતા કે પછી એનો હિસાબ પિતાના હાથમાં સોંપતા હતા ? હવે આજે આ દ્રશ્યની સંભાવના કલ્પીને જો તમે અજંપ થશો તો તમારા અજંપાને કોઈ મદદ નહિ કરી શકે. આજે રૂપિયો ચલણનું એકમ નથી. હવે વાતો હજારો અને લાખોમાં થાય છે. તમે જિંદગીભર જે બચત કરીને ફિક્સ ડિપોઝિટો જમા કરી હશે એ રકમ કદાય હવે તમારા દીકરાનું વાર્ષિક પે-પેકેજ હશે. એ પેકેજ એ તમારા હાથમાં સોપે એવી અપેક્ષા શા માટે ? તમારી જરૂરિયાતો સંતોષવા માટે તમારે એના પેકેજની રાહ ન જોવી પડે એ આત્મનિર્ભરતા એ જ તમારો સંતોષ.

આપણામાં એક એવી કહેવત છે કે વાસણ હોય તો એ ખખડેય ખરાં. ગમે એટલી સમજદારી અને સ્નેહભાવ હોય તોપણ કોઈ ને કોઈ મુદ્દા ઉપર ઘરમાં મતમતાંતર અવશ્ય થવાનાં. સૂવા કે ઊઠવાના સમયથી માંડીને અતિથિઓના આગમન સુધીના મુદ્દે પરિવારના દરેક સભ્યે તડજોડ કરવી પડે છે. આવી તડજોડ માટે આપણે જેને કોમન વેવલેન્થ કહીએ છીએ તે સહજ ઉપલબ્ધ નથી હોતી.

સામાજિક સ્તરે પ્રતિષ્ઠિત અને સંપન્ન કહી શકાય એવા એક પરિવારના પતિ-પત્ની બંને સાથે મારે એક વાર આ વિષયમાં વાત થયેલી. મેં એમને પેટછુટો પ્રશ્ન કરેલો કે તમારા પરિવારમાં પુત્રો, પુત્રવધુઓ અને કુંવારી દીકરી પણ સાથે છે. બધાં જ પોતાની સ્વતંત્ર અને સારી કહી શકાય એવી આવક પણ મેળવે છે. ઘરમાં ક્યારેક કોઈ મુદ્દા ઉપર મતભેદો નથી થતા ? આનો જવાબ મિત્રે નહિ પણ પેલાં મિત્ર-પત્નીએ વાળેલો : “મતભેદ તો થાય જ. કોઈક ઊંચા અવાજે બોલે અને ક્યારેક બોલચાલ થઈ જાય એવુંય બને છે. પણ હજુ સુધી સહુએ એક ચોક્કસ નિયમ શિસ્તપૂર્વક માન્ય રાખ્યો છે. કોઈપણ મતભેદનાં મુદ્દે આ તમારા ભાઈ (એટલે કે કુટુંબના વડા) જે કંઈ નક્કી કરે એની સામે પછી કોઈએ દલીલો કરવાની નહિ. એમણે જે કહ્યું હોય એ સહુએ સ્વીકારી લેવાનું”

મિત્રપત્નીએ આ જે શિસ્તની વાત કરી છે એ થોડાક ઉંડાણપૂર્વક સમજવા જેવી છે. શિસ્ત એ આપખુદી નથી, શિરત એ સંસ્કારનો એક ભાગ છે. સંસ્કાર એ માત્ર ઉપરછલ્લું વર્તન નથી. ડ્રોઈંગરૂમમાં મહેમાનો સામે થતી વાતચીત કે એમની સાથે થતું વર્તન એ બાહ્યોપચાર છે. એના આધારે તમે સંસ્કારનું મૂલ્યાંકન કરી શકો નહિ. વાતવાતમાં અને વગર વાતે પણ પરસ્પર ઘુરકિયાં કરતાં, ડાચિયાં કરતાં અને કરડતાં કૂતરાં જેવાં અતિ ઉચ્ય શિક્ષણ પામેલાં પતિ-પત્ની પણ ડ્રોઈંગરૂમમાં મહેમાનો સમક્ષ “ડાર્લિંગ ડાર્લિંગ’ કરતાં હોય છે “આ “ડાલિંગત્વ’ ભારે દંભી હોય છે. પરિવારનાં બાળકો સુધ્ધાં આ દંભથી ટેવાઈ ગયાં હોય છે.

શિસ્ત આવો દંભ નથી. દરવાજામાં દાખલ થતાંવેંત પગરખાં ઉતારીને ક્યાં મુકવાં એનાથી માંડીને સ્નાન કરતી વખતે પોતાનો ટુવાલ પોતે જ લઈ લેવો આ સહજતા એ શિસ્ત છે. સુવું, બેસવું, બોલવું આ બધામાં મર્યાદા કોને કહેવાય અને પ્રસન્નતા કોને કહેવાય એ સમજવું એ શિરત છે. માતાપિતાની અને ખાસ કરીને માતાની એ પ્રથમ ફરજ બની જાય છે કે બાળકોને એ આ પાયાની શિસ્ત શીખવે. આરંભનાં વર્ષોમાં કોઈપણ બાળક માટે માતા જ સર્વજ્ઞ અને સર્વોપરી હોય છે. આ રીતે જેને ગળથૂથીમાં શિસ્ત પ્રાપ્ત થઈ છે એને હવે જે શિસ્ત શીખવવાની હોય છે એ પિતાનો ધર્મ હોય છે.

વયસ્ક પુત્રો કે પુત્રીઓ સાથે માતાપિતા ચર્ચા જરૂર કરે, બધાં જ પોતાના મત અને એ મતના સમર્થનમાં પોતાનો તર્ક પણ રજૂ કરે, પણ પરિવારની દરેક વ્યક્તિમાં એ શિસ્ત તો હોવી જ જોઈએ કે મતભેદ એ વિવાદ કે વિખવાદનું કારણ ન બને. અહીં પિતાનું પ્રાધાન્ય આવે છે. અને પોતાના આ પ્રાધાન્યનો પિતા જો ઉપયોગ કરે તો એને શિસ્તના માળખામાં કર્યું કહેવાય - આપખુદી કે રેજિમેન્ટેશન કહેવાય નહિ. પારિવારિક સંબંધોમાં સ્વતંત્રતા એક વાત છે અને સ્વાતંત્ર્યના નામે સ્વચ્છંદ સ્વીકારવો એ સાવ બીજી વાત છે. આ ભેદરેખા કુટુંબના વડીલે જ દોરવી પડે અને એમણે પોતાની શ્રેષ્ઠ સુઝ-સમજથી આવી જે રેખા દોરી આપી હોય એનો સહુએ સ્વીકાર કરવો જોઈએ. જયાં સુધી પુત્રોનો સ્વતંત્ર પરિવાર કે વહેવાર અંક્તિ થાય નહિ ત્યાં સુધી આ શિસ્તનો જ અમલ થવો જોઈએ.

જે કુટુંબો તુટ્યાં છે અથવા કદરૂપાં થીગડાં મારીને સંધાયેલાં રહ્યાં છે એમાં બીજુ બધું હોય છે. ચેતના હોતી નથી, સદ્ભાવ કે સ્નેહ હોતા નથી. ક્યારેક તો પરસ્પર વચ્ચેનો અમગમો એવો વધી જાય છે. કે વહેવારિક બોલચાલ પણ રહેતી નથી. જે કુટુંબોમાં વડીલે આવી શિસ્ત થોડી સખતાઈથી પણ શીખવી નથી અથવા તો જે પરિવારના યુવાન સભ્યોએ માતાપિતાની મૃદુતા અથવા સૌમ્ય પ્રકૃતિનો ગેરલાભ લઈને સ્વચ્છંદને સ્વતંત્રતા માની લીધો છે, એવા પરિવારો સામાજિક પ્રદુષણોમાં વધારો જ કરે છે.

વડીલોની અપેક્ષાઓ વિષે પણ થોડીક વાત કરવા જેવી છે. હું ઘરનો વડીલ છું એટલે ભોજનવેળાએ ડાઈનિંગ ટેબલ ઉપર પીરસાયેલી થાળીની સાથે જ પીવાના પાણીનો ગ્લાસ પણ બીજા કોઈકે જ તૈયાર રાખવો જોઈએ એવી અપેક્ષા રાખનારા વડીલો પોતાના દુર્ભાગ્યને શાપે તો એમાં આશ્ચર્ય પામવા જેવું નથી. પોતા પૂરતાં જે સાહજિક કાર્યો છે એ બને ત્યાં સુધી વડીલોએ જાતે જ કરી લેવાં એમાં ડહાપણ છે. અમુક કામો એવાં હોય છે કે પોતે વર્ષોથી કર્યા ન હોય એવો સંભવ છે. આમ છતાં આવા કામો કરવાની ટેવ પાડી દેવી એમાં જ ભવિષ્યના સંભવિત ઉચાટને શમાવી દેવાનું રહસ્ય રહેલું છે. નાણાકીય વહેવારોમાં પણ બહુ ઝીણવટભરી ચીકાશ ન કરીએ તોપણ કેટલીક જાડી સમજૂતીથી વડીલોએ શક્ય હોય ત્યાં સુધી ગૃહખર્ચનો ચોક્કસ હિસ્સો આપવો જોઈએ. આમ કરવાથી જે ખર્ચ કરી રહ્યા છે એમને પણ એક ધરપતનો અહેસાસ થશે. જેમની પાસે આવી વ્યવસ્થા નથી એમની આ વાત નથી.

વરિષ્ઠ નાગરિક જ્યારે એનું શારીરિક સ્વાસ્થ્ય ખોઈ નાખે છે ત્યારે એની ઊઠબેસ કે અવરજવર મર્યાદિત થઈ જાય છે ત્યારે કહેવાય પણ નહિ અને સહેવાય પણ નહિ એવા વિકટ પ્રશ્નો પેદા થઈ જતા હોય છે. હવે એ લગભગ ચોવીસ કલાક ઘરમાં જ પડી રહે છે. દુર્ભાગ્યે એણે જો વાચન, સંગીત કે એવા કોઈક રસના વિષયો કેળવ્યા નહિ હોય તો આ પડી રહેવું એને માટે વિકરાળ બની જાય છે. ઘરમાં નાનીમોટી દરેક વ્યક્તિને-જીવનસાથી સુધ્ધાંને પોતપોતાના કામો હોય છે. વડીલનું પથારીવશ હોવાનું કાયમી થઈ ગયું હોવાથી એની સાથે વાતો કરવા કે સમય ગાળવાની ફૂરસદ દરેક પાસે હોતી નથી, ખાસ કરીને પથારીવશ વરિષ્ઠજનની અપેક્ષા પ્રમાણે. હવે એને એવું લાગવા માંડે છે. કે કોઈને મારી કશી પડી નથી.

“People Use Each Other” નામના એક પુસ્તકમાં લેખકે માનવપ્રકૃતિનાં વિવિધ પાસાંઓનો ગહન અભ્યાસ કરીને એવો સારાંશ કાઢયો છે કે આ જગતમાં પ્રત્યેક માણસ પોતાની તત્કાલીન જરૂરિયાત પ્રમાણે જ બીજા માણસનો ઉપયોગ કરે છે. પરસ્પરની જરૂરિયાતો પરસ્પરથી પામવાના હેતુથી જ સંબંધો, પરિવારો અને સમાજોનું નિર્માણ થયું છે એવું આ લેખક કહે છે. અતિશય આકરૂં લાગે એવું આ બ્રહ્મવાક્ય છે, પણ જો થોડાક ઊંડા ઊતરીને આપણા તથા અન્યોના અનુભવોને ધ્યાનમાં લઈએ તો અકળામણ ઓછી થાય છે ખરી. આમાં દાહકતા એટલા માટે લાગે છે કે વરિષ્ઠ નાગરિક એવા છેડે છે કે પરિણામ એણે જ ભોગવવું પડે છે. હવે એણે એ હંમેશાં સુપેરે યાદ રાખવું જોઈએ કે એ પીચ ઉપર નથી ઊભો. બાઉન્ડ્રીલાઈન ઉપર ઊભો છે.

ધંધાદારી વરિષ્ઠો વિશે પણ એક નિરીક્ષણ કરવા જેવું છે. નોકરિયાતો સત્તાવાર રીતે નોકરીમાંથી નિવૃત્ત થઈ જાય છે. પણ જેઓ વ્યાવસાયિક કે ધંધાદારી છે અને પોતાના વ્યવસાય કે ધંધા ઉપર સાઠ-સિત્તેર પહોંચ્યા પછી પણ પકડ જાળવી રાખી છે એમના વિશે વાત કરવા જેવી છે. છેલ્લા અનેક વર્ષોથી ધંધાનો કારોબાર એમના હાથમાં હોય છે. સંતાનો વયસ્થ થતા જાય એમ પિતાના ધંધામાં જોડાતા જાય છે. પણ એમને સ્વતંત્ર નિર્ણયનો કોઈ અધિકાર પિતા આપતા નથી. તિજોરીની ચાવી સુધ્ધાં પિતા પાસે હોય છે. પુત્રોને ચોક્કસ રકમ ખિસ્સાખર્ય તરીકે અપાતી હોય છે. પણ આ રકમનો હિસાબ સુધ્ધાં પિતા માગતા હોય છે.

આનું પરિણામ એ આવે છે કે પુત્રોમાં ધંધાકીય આત્મવિશ્વાસ વિકસતો નથી અને પોતાનું આર્થિક અવલંબન એમને સતત ડંખ્યા કરે છે. આ અવલંબનમાંથી મુક્ત થવા કયારેક છાની રીતે અયોગ્ય માર્ગ પણ અપનાવતા હોય છે. આ પરિસ્થિતિ હિતાવહ નથી. ખરેખર તો પિતાએ ધંધાનું વિભાગીકરણ કરીને પુત્રોને ચોક્કસ વિભાગ વિશે જાતે નિર્ણય કરવાનો, ખર્ચ કરવાનો અને પછી એના પરિણામ વિશે પિતાને જાણ કરવી એવો આગ્રહ રાખવો જોઈએ.

જે પરિવારમાં ગઈકાલ સુધી પોતે નંબર વન હતા એ પરિવારમાં એણે હવે જ સામેથી અપ્રભાવક થઈ જવું એવું કહેવાનો મુદલ આશય નથી. ગઈકાલ સુધી ગૃહવ્યવસ્થામાં તમે પ્રભાવક હતા. આજે હવે તમારૂં પ્રભાવક્ષેત્ર તમે જાતે જ બદલી કાઢો અને રોજિંદી ગૃહવ્યવર્થામાં પ્રભાવ પાથરવાનો પ્રયાસ અપરિપક્વ છે એટલું સમાધાન કેળવી લેવું જોઈએ.પ્રભાવ એ અહંકારની જ વિભાવના છે. અહંકારના વિગલનની પ્રક્રિયા જેટલી વહેલી શરૂ થાય એટલી જ ચિત્તની હળવાશ વધશે.

કેટલાક વરિષ્ઠો આ કરી શકતા નથી. એમણે સમજી લેવું જોઈએ કે આ પરિવર્તન નબળાઈ નથી, વધુ સબળ યાત્રાનાં પગરણ જ અહીંથી મંડાય છે. પ્રભાવક્ષેત્રો ઓછાં કરીને કોઈક ચોક્કસ બિંદુ ઉપર જ આત્મિક પ્રભાવ પાથરવાનો આરંભ કરવાની આ ક્ષણ છે. આ ક્ષણ જો ચુકાઈ જશે અને કાંઠા ઉપર જ છબછબિયાં કર્યા કરીશું તો એનાથી માથાબોળ સ્નાનનો આનંદ પ્રાપ્ત નહિ થાય, માત્ર હાથમોઢું ધોવા જેટલી સજજતા જળવાઈ રહેશે.

દરેક માણસને પોતાના જીવનમાં ચોક્કસ અગ્રતાક્રમ હોય છે. આ અગ્રતાક્રમો સમયાંતરે બદલાતા પણ હોય છે. સિત્તરે કે પંચોતેર વર્ષે એક વરિષ્ઠ નાગરિકનો પોતાના જે અગ્રતાક્રમો હોય છે એથી સાવ વિરૂદ્ધ ત્રીસ કે પાત્રીસ વર્ષના એમના સંતાનોને હોય છે. નોકરી, ધંધો, ધન-ઉપાર્જન, સામાજિક પ્રતિષ્ઠા, પત્ની તથા સંતાનોની અપેક્ષાઓ- આ બધા અગ્રતાક્રમો ત્રીસ કે પચાસ વર્ષની વય વચ્ચે પ્રધાન્ય ભોગવે જ. આવા સંજોગોમાં સંતાનો પાસેથી પોતાની સાથે વધુ સમય ગાળવાની અથવા વધુ નિરાંતે પોતાની સાથે વાતો કરવાની ઝાઝી અપેક્ષા રાખવી એમાં ભૂલ થવાનો સંભવ છે.

સંતાન જ સ્વયં એવી ભૂમિકા ઉપર હોય કે માતાપિતા એના અગ્રતાક્રમમાં ઉપરના સ્થાને હોય તો એ મોટું સદ્ભાગ્ય છે. સદ્ભાગ્ય સહુને સદૈવ એક્સરખું પ્રાપ્ત થતું નથી. આવા સંજોગોમાં સંતાનો ઉપેક્ષા કરે છે એમ કહેવું એ કરતાં, એમના અગ્રતાક્રમોમાં આપણે નથી એવું સમજીને સમાધાન કરી લેવામાં ડહાપણ છે. જો તમે સંતાનોનાં લાંબા ગાળાના હિતનો વિચાર કરતા હો તો એમના અગ્રતાક્રમોમાં પરાણે પ્રવેશ કરવાનો પ્રયત્ન નહિ કરતા.

જીવન કેટલું લંબાશે કે કયારે સમાપ્ત થશે એ વિશે કોઈ કશી જ ધારણા કરી શકે નહિ. પણ એંસી વરસની ઉંમરે આવતા દશકાનું આયોજન ગોઠવવામાં જે સમય અને શક્તિ બંને વપરાય છે એ કદાચ હવે એનો શ્રેષ્ઠ વિનિયોગ નથી. અત્યંત ગતિશીલ આ યુગમાં એંસી વર્ષની ઉંમરે આવતા દશકાને જોઈ શકે, સમજી શકે એવી તળભૂમિ જ હવે રહી ન હોય. એવી તળભૂમિ યુવાનો પાસે હોય એટલે તમારા અનુભવનો લાભ આપીને એમને આયોજન કરવા દો. હવે વૃક્ષો એમને ઉગાડવા દો, તમે વાવેતર બની જાઓ. અને યાદ રહે કે ઉત્તમ વાવેતર હોય તો જ ઘેઘુર વૃક્ષનું નિર્માણ થાય છે.

[દિનકર જોષી લિખિત “સોહામણો સૂર્યાસ્ત”, પ્રકાશક : પ્રવિણ પ્રકાશન, ઢેબર રોડ, રાજકોટ]