વિધાયક દ્રષ્ટિકોણ

ભાણદેવ

| 7 Minute Read

એક હોટેલના માલિક પોતાની પત્નીને વારંવાર કહયા કરે છે - “હમણાં ધંધામાં મંદી છે. હમણાં ધંધામાં બરક્ત નથી.”

પત્નીએ તપાસ કરી તો ખબર મળી કે હોટેલ તો દરરોજ સંપૂર્ણત: ભરાઈ જાય છે. કોઈ રૂમ ખાલી રહેતા નથી.

પત્નીએ પતિને કહયું - “ધંધો તો બરાબર ચાલે છે. અને દરરોજ લગભગ સો માણસો પાછા જાય છે અને તમે કહો છો કે હમણાં મંદી છે, હમણાં ધંધામાં બરકત નથી. આ શું છે?”

પતિદેવ ઉત્તર આપે છે, “અરે ! તને ધંધાની આંટીઘૂંટીની ખબર ન પડે. જો, પહેલાં દરરોજ બસોથી અઢીસો, ત્રણસો માણસો પાછા જતાં હતાં. હવે સો જ માણસો પાછા જાય છે. બોલ, આ મંદી કહેવાય કે નહિ?”

હોટેલમાં કોઇ રૂમ ક્યારેય ખાલી રહેતો નથી. દરરોજ લગભગ સો ગ્રાહકો પાછા જાય છે. હા, પાછા જનારાની સંખ્યા ઘટી છે. પરંતુ કોઈ રૂમ ખાલી તો રહેતા જ નથી.

આમ કેમ દેખાય છે?

આ નિષેધક દષ્ટિકોણ છે. હોટેલના બધા જ રૂમ દરરોજ પૂર્ણત: ભરાયેલાં જ રહે છે, તે જોવાને બદલે તેઓને એટલું દેખાય છે કે હમણાં પાછા જનારની સંખ્યા ઘટી છે.

માનવીને જે છે, તે નથી દેખાતું, જે નથી તે દેખાય છે, માનવીને જે આવે છે, તે નથી દેખાતું જે જાય છે, તે દેખાય છે આમ કેમ બને છે?

આ નિષેધક દષ્ટિકોણ છે.

એક વેપારી સતત ફરિયાદ કરતા ફરે છે - આ વર્ષે દશ લાખ રૂપિયાની ખોટ છે ! સાચી વાત એ છે કે તેમને એક કરોડનો નફો થવાનો હતો, તેને બદલે નેવું લાખનો નફો થયો. તેઓ કેટલો નફો મળ્યો, તે જોવાને બદલે અંદાજ કરતાં કેટલો ઓછો નફો થયો, તે જુએ છે. આમ કેમ બને છે?

આ નિષેધક દષ્ટિકોણ છે.

શું છે, શું મળ્યું, કેટલું સારૂં છે, કેટલી અનુકૂળતા છે - તેના તરફ દષ્ટિ રાખવી, તે વિધાયક દષ્ટિકોણ છે. અને શું નથી, શું ન મળ્યું, કેટલું નઠારું છે, કેટલું દુ:ખ છે, કેટલી પ્રતિકૂળતા છે - તેના તરફ દષ્ટિ રાખવી, તે નિષેધક દષ્ટિકોણ છે.

નિષેધક દષ્ટિકોણ માનવીને દુ:ખ તરફ દોરી જાય છે, વૈફલ્ય આપે છે અને જીવનને સંઘર્ષ તરફ દોરી જાય છે. વિધાયક દષ્ટિકોણ જીવનને ઉલ્લાસથી ભરી દે છે, જીવન ઊમંગ અને ઉત્સાહથી છલકાઈ જાય છે.

સમાન પરિસ્થિતિ હોય અને છતાં બે વ્યક્તિઓને તે જ પરિસ્થિતિ ભિન્ન ભિન્ન સ્વરુપે પ્રતીત થાય છે. આમ કેમ બને છે? દષ્ટિકોણની ભિન્નતાને કારણે આમ બને છે. સાચી વાત તો એ છે કે સુખ દુઃખ, પ્રતિકૂળતા અનુકૂળતા, સારું નઠારૂં પરિસ્થિતિમાં નહિ, પરંતુ દષ્ટિકોણમાં હોય છે. કોઈપણ પરિસ્થિતિને આપણે જે દષ્ટિકોણથી જોઈએ છીએ, તે પ્રમાણે તે પ્રતીત થાય છે.

કોઈપણ વ્યક્તિ સન્મુખ આવે ત્યારે તેનામાં જે સારૂં છે, તે જે કહે છે, તેમાં શું સારૂં છે, તે જે વ્યવહાર કરે છે, તેમાં શું સારૂ છે, તે સર્વ તરફ દષ્ટિ રાખીએ તો તે વિધાયક દષ્ટિકોણ છે. તેથી ઊલટું તેનામાં જે નઠારૂં છે, તે જે કહે છે, તેમાં શું ખોટું છે, તે જે વ્યવહાર કરે છે, તેમાં શું અનુચિત છે, તે સર્વ તરફ દષ્ટિ રાખીએ તો તે નિષેધક દષ્ટિકોણ છે. આ વિધાયક દષ્ટિકોણ આપણને જીવનની સફળતા તરફ દોરી જાય છે અને નિષેધક દષ્ટિકોણ આપણને જીવનની નિષ્ફળતા તરફ દોરી જાય છે.

વિધાયક દષ્ટિકોણથી દુશ્મનો પણ મિત્રો બનવા માંડે છે અને નિષેધક દષ્ટિકોણથી મિત્રો પણ દુશ્મનો બનવા માંડે છે.

પ્રત્યેક માનવીમાં સારાં અને નઠારાં બંને પ્રકારના તત્વો હોય છે. વિધાયક દષ્ટિકોણ અને તદ્નુસાર વ્યવહારથી સારાં તત્વો સક્રિય બને છે, બહાર આવે છે અને નિષેધક દષ્ટિકોણ અને તદ્નુસાર દષ્ટિકોણથી નઠારાં તત્વો સક્રિય બને છે અને ઉપર આવે છે. પસંદગી આપણે કરવાની છે!

પ્રાથમિક શાળામાં આનંદી કાગડાની એક વાર્તા ભણ્યાનું યાદ આવે છે. એક કાગડાનો કાંઈક અપરાધ થયો. રાજાએ કાગડાને સજા કરી - તેને કાદવમાં ફેંકી દો. કાગડાએ આ પ્રતિકૂળ જણાતી સજારૂપ પરિસ્થિતિનો વિધાયક ઉપયોગ કરવા માડયો. કાગડો કાદવમાં લપસણાંની રમત રમતો જાય અને બોલાતો જાય -

લપસણું કરતાં શીખીએ છીએ રે ભાઈ ;
લપસણું કરતાં શીખીએ છીએ!

કાગડાએ સજાને શિક્ષણમાં બદલી નાખી! રાજાએ કાગડાને તળાવમાં ફેંકાવી દીધો. કાગડાએ તે સજાનો વિધાયક ઉપયોગ કર્યો. કાગડો તરતો જાય અને બોલતો જાય -

તરતાં શીખીએ છીએ રે ભાઈ;
તરતાં શીખીએ છીએ!

રાજાએ ફરી સજા કરી - કાગડાને છાપરા પર ફેંકાવી દીધો.

આનંદી કાગડાએ સજાનો પણ વિધાયક ઉપયોગ કર્યો. કાગડો નળિયા ચાળતો જાય અને ગાતો જાય -

નળિયા ચાળતાં શીખીએ છીએ રે ભાઈ;
નળિયા ચાળતાં શીખીએ છીએ!

હવે કહો,આવા આનંદી સ્વભાવના અર્થાત વિધાયક દષ્ટિવાન કાગડાને સજા કેવી રીતે કરવી?

રાજાએ કાગડાને મુક્ત કરી દીધો! સાચી વાત તો એ છે કે સુખદ કે દુ:ખદ, સારાં કે નઠારા, અનુકૂળ કે પ્રતિકૂળ પ્રત્યેક પ્રસંગ જીવનવિકાસના સોપાન બની શકે તેમ છે, જો આપણે તે પ્રસંગને વિધાયક દષ્ટિકોણથી લઈ શકીએ તો !

સમગ્ર જીવન વિકાસની પ્રક્રિયા છે, પ્રત્યેક પ્રસંગ વિકાસનું એક એક સોપાન છે. આ છે જીવન પ્રત્યેનો વિધાયક દષ્ટિકોણ !

જીવનમાં દુઃખ, વિટંબણા, અપમાન, નિંદા, બદનક્ષી, બદનામી, આરોપ, ગૂંચવણ આદિ નઠારાં લાગતાં તત્વોનું પણ વિધાયક મૂલ્ય છે. તેમના દ્રારા જીવનનો વિકાસ સિદ્ધ થઈ શકે તેમ છે.

પ્રશંસા મિષ્ટાન્ન છે, નિંદા કડવાણી છે. એક્લું મિષ્ટાન્ન ખાઈએ અને કડવાણીનું સેવન ન કરીએ તો ડાયાબિટીસ થઈ જવાનું જોખમ છે. નિંદારૂપી કડવાણી આપણને આ માનસિક ડાયાબિટીસથી બચાવી લે છે. તે માટે આપણે નિંદા કરનારનો આભાર માનવો જોઈએ.

તેથી જ તો ક્બીર સાહેબ કહે છે:

નિંદક નિયરે રાખીએ, આંગણ ફૂટી છવાય,
બિન પાની, સાબુન બીના, નિર્મલ કરે સુભાય.

આ જ દષ્ટિકોણથી આપણે જીવનના પ્રતિકૂળ જણાતાં સર્વ તત્વોને જોઈએ તો જીવનમાં પ્રતિકૂળ તત્વોનું અનુકૂળ તત્વોમાં રૂપાંતર થવા માંડે છે. અહીં કશું જ પ્રતિકૂળ નથી; બધું જ અનુકૂળ છે.

તેથી જ તો સવામી રામતીર્થ કહે છે:

રાજી હૈ હમ ઉસમેં જીસમેં તેરી રજા હૈ;
યાતો યૂંભી વાહ વાહ હે યા તો વૂં ભી વાહ વાહ હૈ.

જો આપણે જીવનને વિધાયક દષ્ટિથી જોતાં થઈએ તો જીવન એક તદન જુદા જ સ્વરૂપે આપણી સમક્ષ પ્રગટ થશે અને પછી જીવન જીવવા જેવું લાગશે, જીવન પ્રભુનો પ્રસાદ બની જશે !

[સાભાર: કોડિયું , લેખક: ભાણદેવ]