વૃક્ષોપનિષદ્

કૃષ્ણપ્રસાદ પટેલ

| 8 Minute Read

કુમળા છોડ, રોપા ને બાળક;સાથે ઊછરે,
જતને ઊઝરે, માગે પ્રેમ-વારિના સિંચન

પ્રત્યેક શાળાએ, ખાસ કરીને ગામડાંની શાળાએ રોપ-ઉછેર કેન્દ્રો શરૂ કરવાં જોઈએ. બાળકોને આ કામમાં ખૂબ રસ પડશે. રોપાનો ઉછેર અને બાળકોનો ઉછેર સાથોસાથ થતો જશે તો બાળકોને રોપાઓ સાથે આત્મીયતા જાગશે. વૃક્ષ-ઉછેર પ્રત્યે પ્રેમ જાગશે. વૃક્ષ-જતન માટેની ભાવના એમના અંતરમાં ઊગશે. એ સાથે આવાં કેન્દ્રો બાળકો અગર તો શાળા માટે નાની આમદાની પણ ઊભી કરશે.

બાળપણથી જ વૃક્ષો પ્રત્યે પ્રેમ જાગ્યો હશે તો ધીરે ધીરે બાળક જેમ મોટું થતું જશે તેમ તેમ આ વૃક્ષ-પ્રેમ તેના હૈયામાં સ્થિરતા ધારણ કરશે. આવતી કાલના નાગરિકમાં વૃક્ષો માટેનો પ્રેમ બેઠો હશે તો રાષ્ટ્રનું ભાવિ હરિયાળું બનશે. બાળક અને વૃક્ષ, બંને પ્રેમ-વારિના સિંચનથી પાંગરે છે.

બાળકોને વિવિધ વૃક્ષોનો પરિચય આપવો જોઈએ. નિસર્ગ-પ્રેમ અને વૃક્ષો વિશેનું જ્ઞાન વધારવા માટેનાં પર્યટનો યોજવા જોઈએ. અને પ્રત્યેક બાળકને એકાદ વૃક્ષના ઉછેરની જવાબદારી સોંપવી જોઈએ. નાની લાગતી આ વાત એક દાયકામાં વિરાટ રૂપ ધારણ કરશે.

નાનાં નાનાં ભૂલકાં ને નાના નાના રોપા,
સાથે ઊછરે, સાથે ખેલે, બન્ને રાષ્ટ્રની શોભા.

વૃક્ષારોપણ સાચી સ્મૃતિ
વાર-તહેવારે, ટાણે-કટાણે

આડેધડ વૃક્ષો કાપી નાખવાની આપણને ખરાબ આદત પડી ગઈ છે. કહો કે, એક રોગ આપણને લાગી ગયો છે. આ રોગ કેટલો જીવલેણ છે તેનો જરાય ખ્યાલ આપણને નથી. આમાંથી બચવું હશે તો આપણે આપણી આદતને ઉલટાવવી પડશે, વૃક્ષો આડેધડ કાપ્યા કરવાને બદલે નવાં વૃક્ષો વાવવાની અને ઉછેરવાની આદત રાષ્ટ્રીય ધોરણે અપનાવવી પડશે.

વાર-તહેવારે, ઘરમાં સારા-માઠા પ્રસંગે ખોટા ખર્ચ કરવાને બદલે વૃક્ષો વાવવા- ઉછેરવાનું કામ કરીશું તો આપણા સમૂહ જીવનમાં હરિયાળી ક્રાંતિ આવશે. તહેવારોની ઉજવણી વૃક્ષો વાવીને કરીએ, મોંઘેરા મહેમાનોનું સ્વાગત એની મીઠી યાદગીરી રૂપે વૃક્ષ રોપીને કરીએ. ઘરમાં લગ્નોત્સવ, જન્મોત્સવ હોય તો તે શુભ દિવસે વૃક્ષ વાવી આપણે સ્મૃતિ તાજી રાખીએ. મૃત સ્વજનની પવિત્ર યાદગીરીમાં પણ વૃક્ષ વાવીએ. આ નવા પ્રકારના સ્મૃતિવનો ઠેરઠેર ઊભાં કરીશું તો નબળી જમીનને પણ નંદનવનમાં ફેરવી શકીશું.

વૃક્ષો તાજીમાજી રાખે સ્મૃતિ વહાલુડાંની,
સારે-નરસે ટાણે રાખો ટેવ ઝાડ ઉઝેરવાની.

શહીદ-સ્મારક ન ઈંટ-પથ્થરનાં,
સાચું તર્પણ વૃક્ષારોપણ.

શહીદ-સ્મારક ઈંટ-પથ્થરનાં ખેંચે ન કોનું ધ્યાન,
સાચું સ્મારક વૃક્ષ વાવો ને ઉછેરો કરી જતન.

રાષ્ટ્રને ખાતર પ્રાણનું બલિદાન આપનાર અસંખ્ય શહીદો પૈકી પ્રત્યેકનું સ્મારક ઊભું કરવાનું શક્ય નથી, અને તેથી “અનામી સૈનિક સ્મારક” ઊભાં કરવાની એક પ્રથા છે. આવાં ઈંટ-પથ્થરનાં સામૂહિક સ્મારકો કરવાને બદલે આપણા પ્રત્યેક શહીદના નામ સાથેનું જીવંત સ્મારક ઊભું કરીએ તો? એની યાદગીરીમાં એકાદ વૃક્ષ ઉગાડીએ તો તે લાંબા સમય સુધી સૌને પ્રેરણા તો આપશે જ. ઉપરાંત, આપણા રાષ્ટ્રની વૃક્ષસંપત્તિ વધારશે.

વિદ્યાર્થીઓ પણ વૃક્ષરોપણ અને વૃક્ષઉછેર અપનાવી લે તો ગામેગામ વિદ્યાર્થીવન આકાર લેશે. આ રીતે આપણે ગ્રામવન, વિદ્યાર્થીવન, શહીદવન, સ્મૃતિવન-અનેક પ્રકારનાં વન જમીનની પ્રાપ્યતા અનુસાર ઊભાં કરી શકીએ. ગામેગામ આવાં વૃક્ષવન લહેરાતાં થશે તો ગામનું સ્વાસ્થ્ય સુધરશે, એની ખેતી સુધરશે, ગામને માટે ઇમારતી અને જલાઉ લાડડાંની જરૂરિયાતો સંતોષાશે, સ્વજનોની અને શહીદોની મીઠી યાદ જળવાશે, જીવનના બીજા સારા-માઠા પ્રસંગોની યાદ પણ સચવાશે. વૃક્ષો દ્વારા આવી યાદ ચિરંજીવી કરો.

વૃક્ષોનું જતન, આબાદ વતન,
ઝાડનું છેદન, બરબાદ વતન.

વૃક્ષોનું જતન નહીં તો સ્વનું નિકંદન. જે પ્રજા વૃક્ષોનું જતન કરી જાણે છે, એ આબાદીના પંથે આગળ વધે છે. જે પ્રજા વૃક્ષોનો આડેધડ વિનાશ કરે છે, એ પ્રજા આડકતરી રીતે પોતાનો વિનાશ નોતરે છે.

વૃક્ષ-ઉછેર જેટલું જ મહત્ત્વનું કાર્ય છે વૃક્ષનું જતન. નવાં વૃક્ષ તો ઉછેરવાં જરૂરી છે જ, પરંતુ હયાત વૃક્ષોનું જતન કરવું એટલું જ જરૂરી છે. એક હયાત વૃક્ષનું જતન કરવું એ ત્રણ નવાં વૃક્ષો વાવવા બરાબર છે. વૃક્ષ સજીવ છે, જીવંત છે, પરોપકારમાં જ જીવન વીતાવે છે, અંગે-અંગ પરોપકારમાં ખર્ચી નાખે છે. પોતાને માટે તેનો જરાય ઉપયોગ કરતું નથી. ફળ પણ આપી દે છે, પોતે તેમાંથી જરાય ખાતું નથી, આવા વૃક્ષને આડેધડ કાપી નાખવામાં આવે ત્યારે એ નિસાસો નાખે છે, મૂંગું છે, અબોલ છે, પણ વૃક્ષનો નિસાસો અવશ્ય નડે છે.

તુલસી હાય ગરીબકી કબૂ ન ખાલી જાય,
મૂએ ઢોર કે ચામસે લોહા ભસ્મ હો જાય.

નષ્ટ થયેલી સંસ્કૃતિઓ આ વાતની સાક્ષી પૂરે છે. વૃક્ષનું નિકંદન કાઢનાર પ્રજાનું પોતાનું જ નિકંદન નીકળી જાય છે.

ધર્મ સૌ નાગરિકોનો

વૃક્ષનું જતન કરવું એ સૌ કોઈની પવિત્ર ફરજ બની જાય છે. રાષ્ટ્રની સંપત્તિ સૌની સંપત્તિ છે. વૃક્ષોના જતન માટે નાગરિકોએ સંગઠિત થવાની જરૂર છે, માથા-ભારે, અસમાજિક તત્ત્વો સામે કામ લેવા માટે આ સંગઠન સબળ હોવું જરૂરી છે. ગામે ગામ અને પ્રત્યેક નાનાં-મોટાં શહેરોમાં વૃક્ષરક્ષક દળ અથવા વૃક્ષમિત્ર પરિવાર રચવાની તાતી જરૂરિયાત છે. આમાં આબાલવૃદ્ધ, સ્રી કે પુરુષ-સૌ કોઈ જોડાઈ શકે છે.

સત્તાવાર રજાચિઠ્ઠી વિના વૃક્ષનું છેદન કરવું એ ગુનો છે. આવી રીતે વૃક્ષ કાપનાર રાજ્યનો, રાષ્ટ્રનો, નાગરિકોનો ગુનેગાર છે. આ ગુનેગારને પકડવો એ પ્રત્યેક નાગરિકની જવાબદારી છે. સંગઠન હોય તો આ જવાબદારી વ્યવસ્થિત રીતે ઉપાડી શકાય.

અને વ્યવસ્થિત રીતે વૃક્ષોનું જતન થાય તો કોઈની મગદૂર નથી કે વૃક્ષોનું ગેરકાયદે છેદન કરે. વૃક્ષોનું જતન એ જાગ્રત રાષ્ટ્રનું ધોતક છે. જે જાગે છે તે મેળવે છે, ઊંઘે છે તે ગુમાવે.

વૃક્ષ કાપવું ગુનો થાય છે, દેશનો કાયદો એવો
સૌ નાગરિકની ફરજ એ કે વૃક્ષો કપાતાં અટકાવો.

ધર્મ સૌ અધિકારીઓનો

વૃક્ષોનો પ્રશ્ન ગુજરાત માટે પ્રાણપ્રશ્ન છે. કાળના એવા ત્રિભેટે આપણે આવીને ઊભા છીએ કે જ્યારે હવે આપણે બેમાંથી ક્યો રસ્તો પસંદ કરવો છે તેનો નિર્ણય કરી લેવાનો છે.

એક તો રસ્તો છે ગુજરાતને હરિયાળો, રળિયામણો, શસ્યશ્યામલ, સમૃદ્ધ એવો પ્રદેશ બનાવીને આપણી ભાવિ પેઢીને વારસામાં આપી જવાનો અને બીજો રસ્તો છે : કરાળ, વેરાન, ધોમધીખતા રણ પ્રદેશમાં પલટાતો જતો વિસ્તાર આપી જવાનો. આ પ્રશ્ન આપણા સૌનો છે, સરકારનો છે, પ્રજાનો છે; સરકારી અધિકારીઓ, અર્ધ-સરકારી અધિકારીઓ અને ખાનગી વ્યક્તિ-સૌનો છે.

સરકારનો છે એટલે કે સરકારના કોઈ એક જ ખાતાનો નથી, સમગ્ર વહીવટી તંત્રનો છે. અને તેથી જ વૃક્ષ-ઉછેર અને વૃક્ષ-જતનની બાબતમાં વન ખાતાના અધિકારીઓ જેવી જ અને જેટલી જ ચાંપ, જાગરૂકતા સઘળા ખાતાના અધિકારીઓએ રાખવી જરૂરી છે. વૃક્ષો એ સૌનું સહિયારું ખાતું છે.

ભાવિ પેઢીને વારસો - હરિયાળી કે રેગીસ્તાન?
શું અધિકારી કે શું જનતા, સૌ રાખો મનથી ધ્યાન.

ધર્મ સૌ ગોપાલકોનો

વૃક્ષો, ખેતીની સમૃદ્ધિ, ઘાસ ઉત્પાદન અને પશુસંવર્ધન એકમેકનાં ખૂબ જ પ્રેરક છે. પહેલાં ત્રણ વિના ચોથાનો વિકાસ સંભવી શકે નહિ. પરંતુ ટૂંકી દષ્ટિ રાખી આ ત્રણની ઉપેક્ષા કરવામાં આવે, અગર આ ત્રણ પ્રત્યે વિષમ અભિગમ રાખવામાં આવે તો પશુસંવર્ધન થઈ શકવાનું નથી. છતાં યે સર્વસામાન્ય ફરિયાદ છે કે માલધારીઓના ઢોર-ઢાંખર, ખાસ કરીને બકરીઓ કુમળાં વૃક્ષો અને ઊભા પાકનો વિનાશ કરે છે. વૃક્ષ-ઉછેર અને વૃક્ષ-જતનના અતિ આવશ્યક કાર્યમાં આ આડે આવે છે.

સરવાળે સૌનું નુકશાન છે. હરિયાળીના આડેધડ વિનાશ બાદ પણ પશુસંવર્ધનનો વિકાસ થયો નથી એ હકીકત છે. ઉલટાનું આપણું પશુસંવર્ધન કથળતું જાય છે. વૃક્ષ-વનરાજીનું જતન કરવું એ ગોપાલકોનો પણ ધર્મ છે. એ એમના જ હિતની વાત છે.

ભરવાડ, રબારી, સૌ ગોપાલકનો પવિત્ર એ છે ધર્મ;
વૃક્ષો બચાવો, વૃક્ષો વાવો, પશુસંવર્ધનનો હરિયાળી છે મર્મ

[સાભાર : વૃક્ષોપનિષદ્, લેખક: કૃષ્ણપ્રસાદ પટેલ (સુવિચાર અંક ૪-૫, જુલાઈ-ઓગસ્ટ ૧૯૭૭)]