યોગ, ભોગ, સંયોગ

મહેશ દવે

| 3 Minute Read

ભારતીય પરંપરામાં તત્વજ્ઞાનનાં છ દર્શનો ગણાવાયાં છે. તેમાં સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, મીમાંસા અને વેદાંતનો સમાવેશ થાય છે. તેમાં આજકાલ યોગની વધુ બોલબાલા છે.

જોકે અંગ્રેજોને અનુસરીને આપણા લોકો પણ યોગ, ને “યોગા” કહે છે. સાચો શબ્દ યોગ જ છે. યોગ દર્શન છે. એટલે કે એક જીવનની ફિલસૂફી છે. તે ઈશ્વર બ્રહ્મ, અધ્યાત્મ વગેરે દિવ્ય પ્રશ્નોની ચર્ચા કરી સત્ય શોધે છે. પણ હવે “યોગા” શીખીને લોકો સારા થવા માગે છે, તંદુરસ્ત થવા માંગે છે. રોગના ઉપચાર કરવા માગે છે, જાતજાતની ચમત્કારિક શક્તિઓ મેળવવા માગે છે.

પશ્ચિમના દેશોમાં તો યોગનું ઘેલું લાગ્યું છે. ખાસ કરીને અમેરિકામાં તો એવું મનાય છે કે કોઈ પણ ભારતીય નાગરિક યોગનો જાણકાર જ હોય અને યોગ શીખવી શકે. આવી મૂર્ખ માન્યતાનો ગેરલાભ ઉઠાવનારા ધૂર્તો પણ મળી રહે છે. મારી સાથે ભણતા એક મિત્ર અમેરિકા જઈને વસ્યા, નોકરીની કમાણી કરતાં વધુ કમાણી તે સવાર સાંજ યોગાસનો શીખવી મેળવવા માંડયા. હકીકતમાં તે પ્રાણાયામ અને થોડી કસરતોથી વિશેષ કશું જાણતા નથી. હવે યોગનું સર્ટિફિકેટ માગવાનો કાયદો અમેરિકામાં આવ્યો છે.

ભારતમાં પણ ઉચ્ચ વર્ગોમાં યોગના શિક્ષકો પાસે યોગાસનો શીખવાનું ચાલે છે. જાણીને આશ્ચર્ય થશે કે આવા શિક્ષકો સવારે એક ક્લાકના સેશનના માસિક રૂ.૪,૦૦૦ થી રૂ.૧૦,૦૦૦ લે છે. આવા ૩-૪ ઘરમાં શીખવીને શિક્ષકને સહેલાઈથી કોઈ ઉચ્ચ અધિકારી જેટલો પગાર મળી શકે છે.

તાજેતરમાં જ એક સમાચાર જોવા મળ્યા, જેમાં મૃદુલ મહારાજ અને બાબા રામદેવ જેવા યોગગુરુઓ યુરોપ અને દક્ષિણ એશિયાની સફરે જતી ક્રુઝર (જહાજવિહાર)માં સવારસાંજ યોગ શીખવશે! વેકેશનનું વેકેશન અને યોગનો યોગ. વેકેશનમાં ર૫-૩૦ દિવસની જળયાત્રામાં પરિવારો ઠેર ઠેર ફરશે, સાંજસવાર સ્ટીમર પર યોગનાં આસનો કરશે, રાત્રે ખાશે પીશે, નૃત્યો કરશે, મોજથી ફરશે. છેલ્લાં પાંચ-છ વર્ષમાં આવી જહાજયાત્રાઓની સંખ્યા વધતી ચાલી છે. થોડાં વર્ષ પહેલાં ૧૦૦૦-૧૫૦૦ માણસો આવી સફરે જોડાતા હવે વર્ષે પંદરેક હજાર જેટલા લોકો આવી યાત્રામાં જોડાય છે. આવી યાત્રાઓમાં ૯૦ ટકા લોકો ભારતીયો હોય છે અને બાકીના વિદેશમાં વસેલા એન.આર.આઈ. હોય છે.

તત્વજ્ઞાનનો માર્ગ પણ કેવો કલુષિત કરી શકાય છે, તે આ યોગની ઘેલછા પરથી દેખાય છે. યોગદર્શન એ પહેલાં શરીરને, પછી શરીરનાં મહત્ત્વના અવયવોને પછી મનને અને છેલ્લે ચિત્તને ધ્યાનમાં કેન્દ્રિત કરી ઈશ્વર અથવા તો સર્વોપરી ચેતનાને પ્રાપ્ત કરવાનો માર્ગ છે. પરંતુ અહિં તો શરીર, અંગ, અવયવો, વ્યાધિ અને ઉપચારો એ ભૌતિક સ્તરથી આગળ જવાની કોઈ વાત જ નથી. ઘણી વાર એવું જોવા મળ્યું છે કે ધ્યેય કે સાધ્યને બદલે સાધન પાસે જ માણસ અટકી જાય છે અને સાધનને જ સાધ્ય ગણી બેસે છે. આજે ચાલેલી યોગની ઘેલછા આનું જ એક દષ્ટાંત છે.

[“પાંદડે પાંદડે સ્મિત” માંથી સાભાર, સંક્ષેપ અને સંકલન: મહેશ દવે, પ્રકાશક : ગુર્જર સાહિત્ય પ્રકાશન, અમદાવાદ]