ઝુકી ન પડો, બળવાન બનો

એઇલીન કેડી

| 3 Minute Read

જે મારી સાથે જોડાય છે તે મારામાં જીવે છે ને પુષ્ટ થાય છે. જે મને ચાહે છે તે દરેક વિનાશક બળો સામે સુરક્ષિત રહે છે. તેથી દુનિયાની કોઈ સમસ્યા સામે કે તમારી આસપાસના લોકોની અવદશા જોઈને ઝુકી ન પડો. જો તમે ઝુકી પડશો તો કોઈ તમને મદદ નહીં કરી શકે કારણ કે ઝુકી પડવાનો અર્થ એ થાય છે કે તમે દુનિયાની અંધાધુંધી અને અરાજક્તાનો એક ભાગ હોવાનું સ્વીકાર્યું છે.

જેમ જેમ દુનિયાનો અંધકાર વધુ ઘટ્ટ બનતો જાય છે તેમ તેમ તમારી અંદરનો પ્રકાશ વધુ તેજસ્વી બનતો જાય છે, વધુ પ્રખર અને બળવાન બનાતો જાય છે. જેથી દુન્યવી બંધનોથી મુક્ત થઈ શકો અને શાશ્વત જીવન, અમર પ્રકાશનું જવલંત ઉદાહરણ બની શકો.

ભીતરના આ પ્રકાશને ઝાંખો પાડતી કોઈ પણ નકારાત્મક લાગણીને તમારામાં પ્રવેશવા ન દો. અને પૂર્ણપણે ઝળહળવા દો. આ પ્રકાશ બહારની કોઈ તાકાતથી નષ્ટ થતો નથી અને પરિસ્થિતિ ગમે તેવી હોય, પૂરેપૂરો તેજસ્વી રહે છે. તમે પોતે જ અંધકારને પ્રકાશમાં પરિવર્તિત કરતું જ્વલંત ઉદાહરણ છો. સતત મારા સંપર્કમાં રહો અને હું તમને દરેક રીતે પ્રેરીશ.

અન્ય પ્રેરક સૂચનો વાંચો:
👉 પ્રેમ કરો સાચા હૃદયથી
👉 દરેક બાબતે કૃતજ્ઞતા અનુભવો
👉 શ્રધ્ધાથી નાના મક્કમ પગલાં ભરો
👉 સર્વ શ્રેષ્ઠ શોધો
👉 ખાલી થાવ


નોંધ: ઉપરનો લેખ એઇલીન કેડી લિખિત ‘ઓપનીંગ ડોર્સ વીધીન(Opening Doors Within)’ લેવામાં આવ્યો છે જે એક વાર્ષિક ડાયરી/રોજનીશી સ્વરૂપના પુસ્તકમાંનું એક પાનું છે.

પુસ્તકમાં તમારા રોજિંદા આધ્યાત્મિક વિકાસ અને ઉન્નતિ માટે સરળ અને સચોટ શૈલીમાં અપાયેલાં વ્યાવહારિક અને પ્રેરક માર્ગદર્શનનાં વિશેષ સૂચનોનો સંગ્રહ છે.

તમે ઇચ્છો તો દિવસની શરૂઆત તે દિવસ માટેનું સૂચન વાંચીને કરી શકો અને તે રીતે તમારા આવનારા દિવસ માટેનું સર્વાંગી માર્ગદર્શન મેળવી શકો કે પછી સવારે ચા-નાસ્તો કરતી વખતે પરિવારના સભ્યો વારાફરતી તેને વાંચે તેવું ગોઠવી શકો અથવા રોજ સવારના નિયમિત ધ્યાનના પાયા તરીકે જે તે દિવસના સૂચનનું વાચન કરી શકો અને રાત્રે વીતેલા દિવસનું મૂલ્યાંકન કરવા ફરી તે જ સૂચનની મદદ લઈ શકો.

તમે તમારી પસંદગી અને ઇચ્છા મુજબ આ સૂચનોનો ઉપયોગ ભલે કરો, પણ એ સૂચનોને તમારી ચેતના સાથે વણતા જાઓ. આજે, કાલે અને દરરોજ. આ વર્ષે, આવતા વર્ષે, હંમેશાં - જ્યાં સુધી તે સૂચનો તમારા અસ્તિત્વનો અંશ બની તમારામાં આત્મસાત્‌ ન બની જાય. જ્યાં સુધી તે અંતરના દ્વાર ખોલવાનું મૌન, મૃદુ અને પ્રેમપૂર્ણ કાર્ય પૂરું ન કરી લે ત્યાં સુધી.

[ભાવાનુવાદ : ઉઘડયાં દ્રાર અંતરના - સોનલ પરીખ, પ્રકાશક : આર.આર.શેઠ એન્ડ કંપની પ્રા.લી., ખાનપુર, અમદાવાદ]